<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

પોરબંદરના મેમણવાડામાં મહોર્રમની રાત્રે તાજીયા દરમિયાન ધમાલ મચાવનાર તોફાની તત્વોનો પોલીસે કાઢ્યો વરઘોડો

મેમણવાડામાં બે પક્ષો આમને-સામને આવતા વાતવરણ તંગ બન્યું :પોલીસે આઠ 8 શખ્સો સામે નામજોગ ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યું

પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ડહોળવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. પોરબંદરના મેમણવાડામાં મહોરમની રાત્રીએ તાજીયાના જુલૂસ દરમિયાન બે જૂથો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર હિંસક મારામારી અને ધમાલ થઈ હોવાની ઘટના સામે આવી હતી. તહેવારના પવિત્ર માહોલમાં અફરાતફરી મચાવનારા આ તત્વો સામે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ લાલ આંખ કરી તાત્કાલિક કડક પગલાં ભરવાના આદેશ આપ્યા હતા.

આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે મેમણવાડામાં બે પક્ષો આમને-સામને આવી જતાં વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસે તાત્કાલિક ગુનો નોંધી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને શાંતિ ભંગ કરનારા 8 શખ્સો સામે નામજોગ ગુનો દાખલ કર્યો હતો. પોરબંદર પોલીસે જરાય સમય બગાડ્યા વિના ગણતરીની કલાકોમાં જ તમામ 8 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ગુનેગારોમાં કાયદાનો ભય જળવાઈ રહે અને સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના પ્રબળ બને તે હેતુથી પોલીસે તમામ નરાધમોને કડક સુરક્ષા વચ્ચે મેમણવાડાના જાહેર માર્ગો પર પગપાળા ફેરવીને તેમનો શાનદાર વરઘોડો કાઢ્યો હતો.

પોલીસની આ સિંઘમ સ્ટાઈલ કાર્યવાહી જોઈને સ્થાનિક રહીશોમાં ભારે ખુશીની લહેર દોડી ગઈ હતી. જે વિસ્તારમાં આ તત્વોએ આતંક મચાવ્યો હતો, ત્યાં જ તેમને નતમસ્તક થઈને પોલીસની કસ્ટડીમાં જતા જોઈ સ્થાનિક લોકોએ 'પોરબંદર પોલીસ જીંદાબાદ' ના ઉત્સાહભેર નારા લગાવ્યા હતા. જિલ્લા પોલીસ વડાની આ કડક અને ત્વરિત કાર્યવાહીની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે અને કડક સંદેશો ગયો છે કે જે કોઈ કાયદો હાથમાં લેશે તેની આવી જ દશા થશે.

(10:21 PM IST)