તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
પૂ. મોરારિબાપુએ રાજુલાના મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરની લીધી ઓચિંતી મુલાકાત : નિઃશુલ્ક સેવા નિહાળી પાઠવ્યા સાધુવાદ
કોઈપણ પૂર્વ જાણ વિના હોસ્પિટલ પહોંચી વિવિધ વિભાગોની રૂબરૂ મુલાકાત લીધી : દર્દીઓના ખબરઅંતર પૂછી નિઃસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિ બિરદાવી

રાજુલા: કોઈપણ પૂર્વ આયોજન કે જાણ વિના પૂ. મોરારિબાપુએ રાજુલા ખાતે પધારી સંપૂર્ણપણે નિઃશુલ્ક આરોગ્ય સેવા આપતા 'મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર'ની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સંસ્થા દ્વારા ચાલતી વિવિધ સેવાકીય કામગીરીને પ્રત્યક્ષ નિહાળી હતી.
હોસ્પિટલ પહોંચ્યા બાદ પૂ. મોરારિબાપુએ ઇમરજન્સી વિભાગ, ઓપીડી, સ્ત્રી રોગ વિભાગ, ઓપરેશન થિયેટર, આઈ.સી.યુ., બાળરોગ વિભાગ તથા ભોજનાલય સહિતના વિવિધ વિભાગોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં સારવાર લઈ રહેલા દર્દીઓના ખબરઅંતર પૂછ્યા હતા અને તેમને ઉપલબ્ધ કરાવવામાં આવતી સુવિધાઓ તથા સારવાર અંગે ઝીણવટભરી વિગતો મેળવી હતી.
હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. કમલેશભાઈ જોશીએ પૂ. બાપુને સમગ્ર હોસ્પિટલની વ્યવસ્થા, તબીબી સેવાઓ અને સંસ્થાગત કામગીરીથી માહિતગાર કર્યા હતા. જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃસ્વાર્થ ભાવે થઈ રહેલી આ કામગીરી જોઈને પૂ. મોરારિબાપુએ ખુશી વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે, ગરીબ અને દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનેલા આ નિઃશુલ્ક આરોગ્ય મંદિરના નિર્માણ અને સંચાલનમાં લોકકલાકાર માયાભાઈ આહિર અને અંબરીશભાઈ ડેર જેવા સેવાભાવી વ્યક્તિત્વોનું યોગદાન રહેલું છે. સંસ્થાની આ ભગીરથ કામગીરીને બિરદાવી પૂ. મોરારિબાપુએ સમગ્ર ટીમને સાધુવાદ પાઠવી રાજીપો વ્યક્ત કર્યો હતો.
આ મુલાકાત વેળાએ જયદેવભાઈ, લવકુંભાઈ, ધારાશાસ્ત્રી માંગુકિયા, અંબરીશભાઈ ડેર, બિપિનભાઈ લહેરી તથા દિલીપભાઈ લહેરી સહિતના અગ્રણીઓ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. પૂ. મોરારિબાપુની આ અણધારી મુલાકાતથી હોસ્પિટલના ટ્રસ્ટીઓ, તબીબો, સ્ટાફ અને સેવકોમાં ઉત્સાહનો સંચાર થયો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
