તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
વરસાદને રીઝવવા માટે ઉમરાળાના જાળિયા ગામે નાની કન્યાઓ દ્વારા ઢૂંઢિયાદેવ પૂજનની અનોખી લોકપરંપરા યોજાઈ : જુઓ વિડિયો
માટીના ઢૂંઢિયાદેવ બનાવી ઘરે-ઘરે ફેરવી પાણી રેડવાની સંસ્કૃતિ જીવંત કરાઈ : અસાઢ-શ્રાવણમાં મેઘરાજાની કૃપા માટે વડીલો અને બહેનોએ આસ્થાભેર વરસાદની કામના કરી

ઈશ્વરિયા: પ્રકૃતિની ઉપાસના સાથે તેની કૃપા મળતી રહે તે માટે ભારતીય સંસ્કૃતિમાં અનેક પરંપરાઓ અને ઉત્સવો જોડાયેલા છે. તાજેતરમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં મુસળધાર વરસાદ નોંધાયો છે, જ્યારે કેટલાક ભાગોમાં હજુ પણ પૂરતો વરસાદ થયો નથી. આ સ્થિતિ વચ્ચે મેઘરાજાને રીઝવવા અને પૂરતો વરસાદ લાવવા માટે ઉમરાળા તાલુકાના જાળિયા ગામે વરસાદી લોકપરંપરા મુજબ ઢૂંઢિયાદેવનું આસ્થાભેર આયોજન કરવામાં આવ્યું હતું.
જાળિયા ગામે નાની-નાની કન્યાઓ દ્વારા માટીમાંથી ઢૂંઢિયાદેવની પ્રતિમા બનાવી, તેને પાટલા પર બેસાડી માથે મૂકીને ઘરે-ઘરે લઈ જવામાં આવ્યા હતા. કન્યાઓ પરંપરાગત ગીતો ગાતી ગાતી ગામના દરેક આંગણે પહોંચી હતી. આ ઢૂંઢિયાદેવ જે જે ઘરે પહોંચ્યા ત્યાં ગૃહિણીઓ અને બહેનોએ શ્રદ્ધાપૂર્વક તેમના પર પાણી રેડીને ઉત્તમ વરસાદ થાય તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરી હતી.
ગામડાઓમાં સદીઓથી ચાલતી આવતી આ પરંપરા પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચેના ગાઢ સંબંધ દર્શાવે છે. આધુનિક સમયમાં લુપ્ત થવાના આરે પહોંચેલી આવી પ્રાચીન સંસ્કૃતિ અને લોકપરંપરાના દર્શન જાળિયા ગામે થતાં ગ્રામજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
