<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

કચ્છમાં પીવાના પાણીની સમસ્યા હળવી કરવા ૧૧૩ નવા બોર બનાવવાનું આયોજન: પાણીની સમસ્યા માટે ટોલ ફ્રી નં.૧૯૧૬ જાહેર

કલેક્ટર અનિલ રાણાવાસિયાના અધ્યક્ષસ્થાને બેઠકમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા અને ભવિષ્યના આયોજનની તૈયારી, ૬૪ બોરનું શારકામ પૂર્ણ, બાકીની કામગીરી ઝડપથી પૂરી કરાશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૦ :  કચ્છ જિલ્લામાં ઉનાળા સહિત આગામી સમયમાં પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા અને નાગરિકોને નિયમિત પાણી પુરવઠો મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવાસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પાણી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોની પાણીની માંગ, ઉપલબ્ધ જળસ્ત્રોતો તેમજ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ પાણી પુરવઠા યોજનાઓ અને પ્રોજેક્ટ્સની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લાની કુલ પાણીની માંગ સામે નર્મદા, ટપ્પર ડેમ, જૂથ પાણી પુરવઠા યોજનાઓ તથા સ્થાનિક જળસ્ત્રોતો મારફતે ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. વિલંબિત ચોમાસાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાણીની સંભવિત અછત નિવારવા માઇક્રો પ્લાનિંગ સાથે આગોતરાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ આયોજનના ભાગરૂપે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભૂગર્ભ જળસ્ત્રોતોનું જળવિજ્ઞાની મારફતે સર્વેક્ષણ કરાવી કુલ ૧૧૩ નવા બોર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી સંભવિત પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ૬૪ બોરના શારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે બાકીના બોરનું કામ ઝડપથી પૂર્ણ કરવા આયોજન હાથ ધરાયું છે.

આ ઉપરાંત અબડાસા અને લખપત તાલુકાના વિવિધ વિસ્તારોમાં આગામી દિવસોમાં નર્મદાનું પાણી પહોંચાડી શકાય તે માટે ટપ્પર ડેમમાંથી વધારાનો પાણીનો જથ્થો પંપ કરવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે. આ વ્યવસ્થા દ્વારા પાણીની સંભવિત તંગી ધરાવતા વિસ્તારોમાં પીવાના પાણીની ઉપલબ્ધિ જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવશે.

બેઠક દરમિયાન ગોધાતડ, ગજણસર, મીઠી, જંગડિયા, કંકાવટી, બેરાચિયા અને રુદ્રમાતા સહિત જિલ્લાના વિવિધ જળાશયોમાં ઉપલબ્ધ જળસ્તરની પણ સમીક્ષા કરવામાં આવી હતી. માંડવી તાલુકાના ગામોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા કચ્છ બ્રાન્ચ કેનાલ આધારિત યોજના હેઠળ બિદડા અને લાયજા હેડવર્ક્સ સુધી પાણી લિફ્ટ કરવાની કામગીરીની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક અને જરૂરિયાત મુજબ ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. પાણી પુરવઠા સંબંધિત કોઈપણ ફરિયાદ કે સમસ્યા માટે ટોલ ફ્રી નંબર ૧૯૧૬ પર સંપર્ક કરવા પણ જણાવાયું છે. આગામી દિવસોમાં પણ જિલ્લામાં પાણી વિતરણની વ્યવસ્થા રાબેતા મુજબ જળવાઈ રહે અને નાગરિકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે જરૂરી આગોતરાં પગલાં લેવા કલેક્ટરશ્રીએ પાણી પુરવઠા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, નાયબ વન સંરક્ષકશ્રી આયુષ વર્મા, નિવાસી અધિક કલેક્ટરશ્રી પાર્થ કોટડિયા, ભુજ પ્રાંત અધિકારીશ્રી એમ.જે. નાકિયા, જિલ્લા પાણી સમિતિના સભ્ય સચિવ અને કાર્યપાલક ઇજનેરશ્રી કે. આર. શાહ, જી.ડબ્લ્યુ.આઈ.એલ.ના સિનિયર મેનેજરશ્રી એમ.જી. ચાવડા સહિત સિંચાઈ વિભાગ, ક્ષાર અંકુશ વિભાગ, સરદાર સરોવર નિગમ લિમિટેડ, પીજીવીસીએલ તથા સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:33 AM IST)