તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છતાં પ્રચાર કાર્યમાં નિરસતા
ચૂંટણી પ્રચાર માટે માત્ર આઠ દિવસ બાકી છતાં પણ શહેરમાં ઉમેદવારોના બેનર પોસ્ટર સહિતનો પ્રચાર કાર્યમાં અભાવ જોવા મળ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧૬ : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ઉમેદવારોનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું હોવા છતાં શહેરમાં ચૂંટણી પ્રચારનો માહોલ હજી જામ્યો નથી. સામાન્ય રીતે ચૂંટણી જાહેર થતા જ શહેરના માર્ગો પર બેનરો, પોસ્ટરો અને કાર્યકર્તાઓની અવરજવરથી રાજકીય ગરમાવો જોવા મળે છે, પરંતુ આ વખતે જામનગરમાં એવી ચહલપહલ હજુ સુધી દેખાઈ રહી નથી.
શહેરમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી છે, જ્યારે કેટલાક વોર્ડોમાં આમ આદમી પાર્ટી પણ પોતાનું પ્રભાવ વધારવા માટે મેદાનમાં છે. ઉપરાંત અન્ય નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારો પણ જુદા જુદા વિસ્તારોમાં પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. છતાં, આ ત્રિપક્ષીય અને બહુપક્ષીય સ્પર્ધા હોવા છતાં ચૂંટણીનો રંગ હજી સુધી ચઢ્યો નથી.
ભાજપ દ્વારા કેટલોક વોર્ડોમાં પ્રચારને ગતિ આપવા માટે ચૂંટણી કાર્યાલય ના ઉડઘાટનના કાર્યક્રમો અને સભાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે કોંગ્રેસે સત્તાવાર જાહેરાતો વગર જ કેટલાક વિસ્તારોમાં પોતાના કાર્યકરોને સક્રિય કર્યા છે. આમ આદમી પાર્ટી તરફથી પણ હજુ સુધી સ્પષ્ટ અને વ્યાપક પ્રચારની રણનીતિ જાહેર કરવામાં આવી નથી, જેના કારણે મતદારોમાં ઉત્સાહનો અભાવ જોવા મળી રહ્યો છે.
આમ તો ચૂંટણી દરમિયાન શહેરમાં કાર્યકર્તાઓની ટોળાઓ, ઘર-ઘર સંપર્ક અભિયાન, રોડ શો અને જાહેર સભાઓનું દ્રશ્ય સામાન્ય હોય છે, પરંતુ હાલ એવી સ્થિતિ જોવા મળતી નથી. ઉમેદવારોના બેનરો-પોસ્ટરો પણ મર્યાદિત પ્રમાણમાં જ જોવા મળી રહ્યા છે, જે ચૂંટણી પ્રચારમાં નિરસતા દર્શાવે છે.
આ સમગ્ર પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેનો પ્રચાર હજી પૂરતો ગતિ પકડ્યો નથી, અને આવનારા દિવસોમાં જ ચૂંટણીનો માહોલ ગરમાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
