<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા યોજાયેલી પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાનું રેકોર્ડ બ્રેક સમયમાં પરિણામ : પરીક્ષા પૂરી થયાના માત્ર ચાર જ કલાકમાં પરિણામ જાહેર કરાયું

કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૌહાણના માર્ગદર્શન હેઠળ ૨૧ વિષયો માટે યોજાયેલી પરીક્ષામાં ૮૮ ટકા હાજરી નોંધાઈ : પ્રોવિઝનલ આન્સર કી અને પરિણામ સામે વાંધા-સૂચન માટે સોમવાર સાંજે ૮ વાગ્યા સુધીનો સમય અપાયો

જૂનાગઢ: જૂનાગઢ સ્થિત ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા (PET)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા પૂર્ણ થયાના માત્ર ચાર જ કલાકની અંદર યુનિવર્સિટી તંત્ર દ્વારા ત્વરિત પરિણામ જાહેર કરીને એક નવો કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યો છે. પરીક્ષા પૂર્ણ થયાના ટૂંક જ સમયમાં પરિણામ જાહેર થઈ જતાં પરીક્ષાર્થીઓ અને વિદ્યાર્થી આલમમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૌહાણના સીધા માર્ગદર્શન હેઠળ આ સમગ્ર પરીક્ષા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત રવિવારે સવારે ૧૧:૦૦ વાગ્યાથી બપોરના ૧:૦૦ વાગ્યા સુધી પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી અને ત્યારબાદ સાંજે ૫:૦૦ વાગ્યે તેનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું.

મળતી વિગતો અનુસાર, યુનિવર્સિટી દ્વારા કુલ ૨૧ જેટલા વિવિધ વિષયો માટે પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં કુલ ૮૩૫ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. નેટ (NET) અને જીસેટ (GSET) પાસ કરેલા મુક્તિપ્રાપ્ત વિદ્યાર્થીઓને બાદ કરતાં ૬૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ આ પ્રવેશ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં કુલ ૮૮ ટકા જેટલી ઊંચી હાજરી નોંધાઈ હતી.

પરીક્ષા બાદ યુનિવર્સિટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આ પ્રોવિઝનલ રીઝલ્ટ અથવા તો પ્રોવિઝનલ આન્સર કી અંગે જો કોઈ ઉમેદવારને વાંધા-સૂચન હોય તો તેઓ જરૂરી આધાર-પુરાવા સાથે સોમવાર, તા. ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સાંજે ૦૮:૦૦ વાગ્યા સુધીમાં યુનિવર્સિટીના ઈમેલ આઈડી [email protected] પર ઈમેલ કરી શકશે તેમ પણ સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે.

(10:53 PM IST)