તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં PGVCL ની મોટી લાપરવાહી : શોર્ટ સર્કિટ અને વોલ્ટેજની વધઘટથી સ્થાનિક રહીશો ત્રાહિમામ
કુંભારવાડા મિલની ચાલીમાં રહેતા સામાન્ય પરિવારોના ટીવી, ફ્રિજ, પાણીની મોટર, પંખા અને એલઈડી લાઈટો જેવા કિંમતી વીજ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ની મોટી લાપરવાહી સામે આવી છે. મહાલક્ષ્મી મીલની ચાલી વિસ્તારમાં વીજ લાઈનમાં સર્જાયેલા શોર્ટ સર્કિટ અને વોલ્ટેજના સતત વધઘટના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે વીજળીની આ આંખમીચોલીએ લોકોની મુશ્કેલીઓમાં બમણો વધારો કરી દીધો છે.
અવારનવાર થતા પાવર ફ્લકચ્યુએશનના કારણે કુંભારવાડા મિલની ચાલીમાં રહેતા સામાન્ય પરિવારોના ટીવી, ફ્રિજ, પાણીની મોટર, પંખા અને એલઈડી લાઈટો જેવા કિંમતી વીજ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આ આર્થિક ફટકો સહન કરવો પડી રહ્યો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં તંત્ર સામે પ્રચંડ આક્રોશ જોવા મળી રહ્યો છે.
મુશ્કેલીના સમયે જ્યારે જાગૃત નાગરિકોએ PGVCL ઓફિસે ફોન કરીને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે જવાબદાર અધિકારીઓએ પોતાની ફરજ નિભાવવાને બદલે એકબીજા પર દોષનો ટોપલો ઢોળવાનું શરૂ કર્યું હતું. અધિકારીઓની આ પ્રકારની 'ખો' આપવાની નીતિ અને નકારાત્મક વલણને કારણે લોકોની સમસ્યાનું કોઈ જ નિવારણ આવી રહ્યું નથી.
ઉનાળાની આકરી ગરમીમાં એકતરફ અસહ્ય તાપ છે અને બીજી તરફ વીજળીના ધાંધિયાએ લોકોનું જીવવું હરામ કરી દીધું છે. આ વિસ્તારમાં વારંવાર બનતી આવી ઘટનાઓ રોકવા માટે PGVCLના ઉચ્ચ અધિકારીઓ સ્થળ તપાસ કરે અને લટકતા કે જર્જરિત વાયરોનું તાકીદે સમારકામ કરી કાયમી ઉકેલ લાવે તેવી લોકમાંગ ઉઠી છે.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
