<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

મોરબીના ઔદ્યોગિક એકમો માટે દર બુધવારે સ્ટેગર્ડ હોલિડે જાહેર કરતું PGVCL : સ્વેચ્છાએ વીજ વપરાશ ન કરવા અપીલ.

વીજ માંગમાં ડબલ વધારો નોંધાતા લેવાયો નિર્ણય : બપોરના 4 વાગ્યાથી રાત્રીના 11 વાગ્યા સુધી વીજ વપરાશ કરવા અનુરોધ : સિરામિક ઉદ્યોગ સતત ચાલુ રહેતો ઉદ્યોગ હોવાથી એસો.ની પાવર કાપ માટે સ્પષ્ટ મનાઈ.

(પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રાજ્યભરમાં હાલમાં ઘેરાયેલા વીજ સંકટને પહોંચી વળવા માટે વીજ તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વીજ માંગમાં અચાનક બમણો વધારો થતાં સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના ઔદ્યોગિક એકમોમાં વીજળી બચાવવા માટે જિલ્લાવાર સ્ટેગર્ડ હોલિડે જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ હવે મોરબી જિલ્લામાં દર બુધવારે સ્ટેગર્ડ હોલિડે જાહેર થયો છે. જેમાં ઉદ્યોગોને સ્વેચ્છાએ પાવરનો વપરાશ ન કરવા અપીલ કરાઈ છે.
     છેલ્લા એક પખવાડિયાથી સૌરાષ્ટ્ર-કચ્છના તમામ 12 જિલ્લાઓમાં આશરે 1100 મેગાવોટથી વધુનો વીજકાપ ઝીંકવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી માત્ર રહેણાંક વિસ્તારો, ગામડાઓ અને મહાનગરોમાં વીજકાપનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે સરકારે ઔદ્યોગિક વસાહતોમાં પણ સત્તાવાર રીતે સ્ટેગર્ડ હોલિડે એટલે કે વારાફરતી વીજકાપ નાંખવાની જાહેરાત કરી છે. સત્તાવાર માહિતી અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઓમાં બુધવારથી લઈને શનિવાર એમ 4 દિવસ સુધી અલગ-અલગ જિલ્લાઓમાં ઉદ્યોગોને બંધ રાખવાનો આદેશ કરાયો છે. સામાન્ય રીતે ઉદ્યોગોમાં સપ્તાહમાં 1 દિવસ રજા હોય છે પરંતુ તહેવારોને કારણે અનેક નાના-મોટા કારખાનાઓ સતત ચાલુ રહેતા હોવાથી આ કડક પગલું લેવાયું છે. ખાસ કરીને નોન-કન્ટીન્યુઅસ કેટેગરીમાં આવતા ઉદ્યોગો માટે બપોરના 4 વાગ્યાથી લઈને રાત્રીના 11 વાગ્યા સુધી વીજળીનો વપરાશ ન કરવા અપીલ કરવામાં આવી છે.
     પીજીવીસીએલના મોરબીના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયરે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, દર બુધવારે સાંજે 4 થી રાત્રિના 11 વાગ્યા સુધી ઉદ્યોગોમાં પાવર બંધ રાખવા માટે હાલ પૂરતી તમામ ઈન્ડસ્ટ્રીઝને સ્વૈચ્છિક અપીલ કરવામાં આવી છે. જો ઉદ્યોગકારો સ્વૈચ્છિક રીતે પાવર બંધ રાખે તો ફીડર બંધ કરવાની જરૂર રહેતી નથી, જેનાથી કારખાનાઓનો લાઈટિંગ લોડ ચાલુ રહી શકે છે. આ ઉપરાંત એક જ ફીડર પર જો કોઈ રેસિડેન્શિયલ કે હોસ્પિટલ જેવી ઈમરજન્સી સેવાનું કનેક્શન હોય તો તેને પણ અસર પડતી અટકાવી શકાય છે. જો કે, આગામી બુધવારે જો આ સ્વૈચ્છિક અપીલ નિષ્ફળ જશે અને પાવર બચત નહીં થાય, તો કોર્પોરેટ ઓફિસની સૂચના મુજબ આગળનો નિર્ણય લેવામાં આવશે. સિરામિક જેવા 24 કલાક ચાલતા ઉદ્યોગો માટે આ કાપ શક્ય ન હોવાની રજૂઆત પણ સામે આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છ સિવાય મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટા ઔદ્યોગિક મથકો માટે પણ વીજ કંપનીએ અલગ-અલગ દિવસો નક્કી કર્યા છે. આ નવા ટાઈમટેબલ મુજબ સોમવારે ગાંધીનગર, વલસાડ અને નવસારી પંથકમાં વીજકાપ રહેશે. જ્યારે મંગળવારે અમદાવાદ, પંચમહાલ તેમજ સાબરકાંઠાના ઉદ્યોગો બંધ રહેશે. આ ઉપરાંત રવિવારના દિવસે સુરત, વડોદરા અને આણંદ જેવા મોટા ઔદ્યોગિક શહેરોમાં ફરજિયાત સ્ટેગર્ડ હોલિડેનું પાલન કરવાનું રહેશે. ગુરુવારે મહેસાણા અને બનાસકાંઠા જ્યારે શુક્રવારે ભરૂચ અને નર્મદામાં રજા રહેશે.
સિરામિક ઉદ્યોગ 24 કલાક સતત ચાલતો હોવાથી સ્વૈચ્છિક પાવર કાપ શક્ય નથી : સિરામિક એસોસિએશન
પીજીવીસીએલ દ્વારા દર બુધવારે પાવર કાપ પાળવા માટે સિરામિક એસોસિએશનને અપીલ કરવામાં આવી હતી. જોકે, સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ સ્પષ્ટ કર્યું હતું કે સિરામિક ઉદ્યોગ 24 કલાક સતત ચાલતો હોવાથી સ્વૈચ્છિક પાવર કાપ શક્ય નથી. સ્થાનિક અધિકારીઓ અને પીજીવીસીએલના એમડી સાથે સૌરાષ્ટ્રના વિવિધ ઉદ્યોગોની યોજાયેલી ઓનલાઈન મીટિંગમાં પણ આ મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો. મીટિંગમાં એમડીએ પણ સ્વીકાર્યું હતું કે સતત પ્રોડક્શન ધરાવતા ઉદ્યોગો માટે આ શક્ય નથી, પરંતુ શિફ્ટમાં ચાલતા ઉદ્યોગોને પાવર બચાવવા માટે અપીલ કરી હતી.
એસોસિએશને રજૂઆત કરી હતી કે જો પાવર કાપ આવે તો જનરેટર ચલાવવા પડે છે, ડીઝલનો વપરાશ અને પ્રોડક્શન કોસ્ટ વધે છે, તેમજ પ્રોડક્શન લોસ સાથે માલ બગડતા પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાય છે. હાલમાં મંદીનો સામનો કરી રહેલા ઉદ્યોગ માટે આ વધારાનો બોજ સહન કરવો મુશ્કેલ હોવાથી એસોસિએશને પાવર કાપ માટે પોતાની અસમર્થતા દર્શાવી છે

(11:03 PM IST)