<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં પેટ્રોલ-ડીઝલ માફિયાઓ પર રાજકોટ રેન્જનો સપાટો : રૂ. ૨૯,૮૮,૮૦૦નો શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો મોટો જથ્થો પકડાયો

આદિત્ય એગ્રો એનર્જી પંપના કમ્પાઉન્ડમાંથી ૩૫,૮૯૪ લીટર શંકાસ્પદ પ્રવાહી ભરેલું ટેન્કર ઝડપાયું : અલગ-અલગ શંકાસ્પદ બીલો રજૂ કરાતા પોલીસે નમૂના એફ.એસ.એલ.માં મોકલ્યા

(જીગ્નેશ શાહ  દ્વારા) ચોટીલા તા.૧૬ : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ રેન્જ ટીમે મોટી કાર્યવાહી કરી છે. આદિત્ય એગ્રો એનર્જી પંપના કમ્પાઉન્ડમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે ૩૫,૮૯૪ લીટર શંકાસ્પદ પ્રવાહી ભરેલું ટેન્કર કબ્જે કરી સાયલા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક  નિલિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટના દ્વારા પેટ્રોલ-ડીઝલની થયેલ અછતને અનુસંધાને કોઈ સંગ્રહખોરી ન કરે તેમજ તેની અસર અનુસંધાને ગેરકાયદેસરની પ્રવૃતિ ના આચરે તથા બ્લેક-સેલ કરવાની પ્રવૃતિ આચરતા ઈસમોને શોધી કાઢી તેઓની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પો. ઈન્સ.  અપૂર્વ પટેલના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પો. સબ ઈન્સ. પી.એન. મોરી, શ્રી બી.સી. મિયાત્રા,  એસ.પી. ગોહિલ, એ.વાય. ઉધાસ તથા સ્ટાફ દ્વારા આવા ઈસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ તથા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી રહેલ હતા.

 

દરમ્યાન પી.એસ.આઈ. બી.સી. મિયાત્રા તથા સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અતુલભાઈ ડાભી, વકારભાઈ અરબ, હિતેશભાઈ જોગરાણા, અજયવીરસિંહ ઝાલા, દિલીપસિંહ સીધવ, ફતેસંગ પરમાર, વિજયસિંહ પરમાર, રાજુભાઈ પઢેરીયાને મળેલ ચોકકસ હકીકત આધારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પો. સ્ટે. વિસ્તારના ડોળીયા બાઉન્ડ્રીથી મુળી તરફ જતા રોડ ઉપર ભાડુકા ગામના પાટીયા નજીક આદિત્ય એગ્રો એનર્જી પંપના કમ્પાઉન્ડમાંથી ડ્રા. સુબોધકુમાર ગોકુલસિંહ સીસોદીયા રહે. શેખપુર, પોસ્ટ-ભોડેલા, તા. ટુંડલા, જી. ફીરોઝાબાદ, ઉત્તરપ્રદેશ નાઓને તેના હવાલાવાળા અશોક લેલન કંપનીના ટેન્કર રજી. નંબર GJ-13-AX-3645 માં ભરેલ શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી લીટર ૩૫,૮૯૪ કિ. રૂ. ૨૯,૮૮,૮૦૦ ના જથ્થા બાબતે બીલો રજૂ કરવાનું જણાવતા પોતે અલગ-અલગ શંકાસ્પદ બીલો રજૂ કરેલ હોય જે બાબતે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરાવી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીના સેમ્પલો લેવડાવી એફ.એસ.એલ. ખાતે તપાસણી અર્થે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.

 

પોલીસ દ્વારા હવે આ પ્રવાહી ખરેખર પેટ્રોલ-ડીઝલ છે કે અન્ય કોઈ જ્વલનશીલ પ્રવાહી, તે ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ક્યાં વેચાણ માટે લઈ જવામાં આવી રહ્યું હતું તે દિશામાં તપાસ ચાલી રહી છે. એફ.એસ.એલ. રીપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(3:11 PM IST)