તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Saturday, 26th September 2026
કચ્છના રાપરમાં આઈ શ્રી સાંગવારી માતાજીના પરંપરાગત મેળામાં લોકો ઉમટ્યા
પાલખી યાત્રા અને ડાંડિયારાસથી ગુંજી ઉઠ્યું સાંગવારી ધામ; ખેતુ સંઘાર અને દીપાલીબેન ગઢવીની રમઝટે મેળામાં જમાવ્યો રંગ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૬ : આઈ શ્રી સાંગવારી માતાજીના પાવન ધામે પરંપરાગત મેળો ભક્તિભાવ અને લોકઉત્સાહના માહોલ વચ્ચે યોજાયો હતો. મેળામાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં સમગ્ર સાંગવારી ધામ માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
મેળાના મુખ્ય આકર્ષણરૂપે સવારે ૯ કલાકે માતાજીની પાલખી યાત્રા યોજાઈ હતી. ભક્તોએ શ્રદ્ધાભેર પાલખી યાત્રામાં જોડાઈ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ પરંપરાગત ડાંડિયારાસ યોજાતા મેળામાં ઉત્સવનો માહોલ વધુ રંગીન બન્યો હતો.
મેળામાં જાણીતા કલાકારો ખેતુ સંઘાર તથા દીપાલીબેન ગઢવી દ્વારા સંગીત અને લોકગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી. કલાકારોની રજૂઆતને મેળામાં ઉપસ્થિત લોકોએ ઉત્સાહભેર વધાવી લેતાં સમગ્ર માહોલ સંગીતમય બની ગયો હતો.
આ પ્રસંગે રાપર તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ આહીર, રાપર નગરપાલિકા પ્રમુખ ચાંદભીંડે, વિનુભાઈ થાનકી, ચોબારી જિલ્લા પંચાયત સદસ્ય વેલજીભાઈ આહીર, હમીરજી સોઢા, રાજુભા જાડેજા (માજી જિલ્લા પંચાયત સદસ્ય), અશોકસિંહ ઝાલા, ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ નારાયણભાઈ પટેલ, ધોળાવીરા તાલુકા પંચાયત સદસ્ય મહાદેવભાઈ આહીર સહિત મોટી સંખ્યામાં રાજકીય, સામાજિક આગેવાનો તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખડીર પીઆઈ એ.જે. પરમાર તથા પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ તંત્રની વ્યવસ્થાના કારણે મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. મેળાને સફળ બનાવવા માટે રૂપેશ આર. આહીર, નરેન્દ્રદાન ગઢવી, દશરથ વેલજી છાંગા સહિત સાંગવારી મેળા સમિતિના સભ્યો દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આયોજકોની સુવ્યવસ્થિત કામગીરી અને શ્રદ્ધાળુઓના સહકારથી આઈ શ્રી સાંગવારી માતાજીનો મેળો ભક્તિ, લોકસંસ્કૃતિ અને ઉત્સાહના સંગમરૂપે સંપન્ન થયો હતો. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
