તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
ભાવનગરના લોકો પાયલટે સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૪: પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળ દ્વારા એશિયાટિક સિંહો તેમજ અન્ય વન્યજીવોની સુરક્ષા માટે સતત અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળ પ્રશાસનના માર્ગદર્શન હેઠળ લોકો પાયલટો નિર્ધારિત ગતિમર્યાદાનું પાલન કરતાં અત્યંત સતર્કતાપૂર્વક ટ્રેનોનું સંચાલન કરી રહ્યા છે. લોકો પાયલટોની સજાગતા તેમજ વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરો સાથેના સુમેળભર્યા સંકલનના પરિણામે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ૧૫૯, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧૨૯ તથા વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં ૩૨ સિંહોને સુરક્ષિત રીતે બચાવવામાં સફળતા મળી છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, લોકો પાયલટ ચંદન કુમાર (મુખ્યાલય-જૂનાગઢ) તથા સહાયક લોકો પાયલટ શ્રી મોહમ્મદ શિબ્લી (મુખ્યાલય-જૂનાગઢ) ટ્રેન નં. ૫૨૯૫૫ વેરાવળ-જૂનાગઢ પેસેન્જરનું સંચાલન કરી રહ્યા હતા. આ દરમિયાન સાસણ ગીર-કાંસિયાનેશ રેલખંડમાં કિ.મી. નં. ૧૧૪/૦૨-૧૧૪/૦૧ નજીક અચાનક એક સિંહ રેલવે ટ્રેક પર જોવા મળ્યો. પરિસ્થિતિની ગંભીરતા સમજી લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને સુરક્ષિત રીતે રોકી દીધી, જેના કારણે સિંહ સંભવિત અકસ્માતમાંથી બચી ગયો.
ત્યારબાદ લોકો પાયલટે તરત જ ટ્રેન મેનેજર (ગાર્ડ)ને ઘટનાની જાણ કરી. વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર જે. જી. પરમાર ઘટનાસ્થળે પહોંચ્યા અને સિંહને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી દૂર ખસેડ્યો. પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ લોકો પાયલટને ટ્રેનને ફરીથી પ્રસ્થાન કરવાની મંજૂરી આપવામાં આવી અને ટ્રેનને સાવચેતીપૂર્વક તેના ગંતવ્ય તરફ રવાના કરવામાં આવી.
આ ઘટનાની જાણ થતાં જ મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા, અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા સહિત મંડળના અન્ય અધિકારીઓએ લોકો પાયલટોની સતર્કતા, સંવેદનશીલતા અને કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરી હતી
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
