<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

નયારા એનર્જી દ્વારા ઘનકચરાના વ્‍યવસ્‍થાપન માટે ૧૧ ઈ-રિક્ષાઓનો સહયોગ

રિફાઇનરી નજીકના ૧૧ ગામોના પરિવારોને ડોર-ટુ -ડોર ગાર્બેજ કલેક્‍શનની સુવિધા

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૨૪ : આંતરરાષ્‍ટ્રીય કક્ષાની સંકલિત ડાઉનસ્‍ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્‍સ કંપની નયારા એનર્જી દ્વારા તેની રિફાઇનરીની નજીક આવેલા ૧૧ ગામોને ડોર-ટુ -ડોર ગાર્બેજ કલેક્‍શનની સુવિધા મળી રહે એ માટે ૧૧ ઈ-રિક્ષાઓનો સહયોગ ગ્રામ પંચાયતોને આપવામાં આવ્‍યો છે.

સ્‍વચ્‍છ હાલાર ગ્રામીણ પ્રોજેક્‍ટ હેઠળ નયારા એનર્જીએ આ પહેલ થકી ગ્રામીણ વિકાસમાં કચરા વ્‍યવસ્‍થાપન પ્રણાલીને એક વ્‍યૂહાત્‍મક વેગ મળે એ માટે પ્રતિબદ્ધતા વ્‍યક્‍ત કરી છે. ઘરગથ્‍થું કચરો એકઠો થાય અને તેનો નિકાલ યોગ્‍ય રીતે થઇ શકે એ માટે પર્યાવરણીય રીતને પ્રોત્‍સાહિત કરવા ૧૧ ઇલેક્‍ટ્રિક રિક્ષાઓનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. જેમાં ગ્રામ પંચાયતોને આ રિક્ષાઓની ફાળવણી કરાઈ હતી.

 આ વાહનો જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સીંગચ, મોડપર, નાના આંબલા, મોટા આંબલા, નાના માંઢા, મોટા માંઢા, વડાલિયા સિંહણ, કાકાભાઈ સિંહણ, કજુરડા, ટીમ્‍બડી અને કાઠી દેવળિયા જેવી ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવ્‍યા છે.  આ વાહનો દ્વારા, ૧૧ ગામોના સમગ્ર પરિવારોને ઘરે ઘરે કચરો સંગ્રહ કરવાની સુવિધા મળશે.

નયારા એનેર્જી દ્વારા અપાયેલા ૧૧ ઇલેક્‍ટ્રિક વાહનોમાં ભીનો અને સૂકો કચરો એકત્ર કરવા બે કમ્‍પાર્ટમેન્‍ટ, બધા વાહનોમાં જીપીએસ અને માઈકની સિસ્‍ટમ, ગ્રામ પંચાયતોને માલિકી ધોરણે આપી હોવાથી તેની જાળવણી માટે ૫ વર્ષની વોરંટી વગેરે જેવી સુવિધા મળી છે.  ડોર-ટુ -ડોર ગાર્બેજ કલેક્‍શનની સેવામાં કાર્યક્ષમતાને સક્ષમ બનાવવા માટે એક અમલીકરણ સંસ્‍થાની  સીઘી દેખરેખ રહેશે. નયારા એનર્જીની આ પહેલથી ગ્રામ પંચાયતોને ભાડેથી વાહનો મેળવવા જેવી ખર્ચાળ પધ્‍ધતિમાંથી રાહત મળશે.

(1:27 PM IST)