<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી ર૦ર૭માં લડશે ચૂંટણીઃ પ્રવીણ કોળી

ગુજરાતના રાજકારણમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને અત્યારથી જ ગરમાવોઃ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષએ નિવેદન આપીને રાજકીય ચર્ચાઓ તેજ કરી દીધી છે.

ભાવનગર: ગુજરાતના રાજકારણમાં વર્ષ 2027 ની વિધાનસભા ચૂંટણીને લઈને અત્યારથી જ ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીએ એક નિવેદન આપીને રાજકીય ચર્ચાઓ તેજ કરી દીધી છે. પ્રવીણભાઈએ 'ગુજરાત ફર્સ્ટ' સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, કોળી સમાજે મન બનાવી લીધું છે કે આગામી 2027 ની વિધાનસભા ચૂંટણીમાં મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી ચોક્કસપણે ચૂંટણી લડશે.

પ્રવીણભાઈ કોળીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકીય પક્ષો જે પણ નિર્ણય લે તે તેમની બાબત છે, પરંતુ કોળી સમાજની ઈચ્છા મુજબ દિવ્યેશ સોલંકી જ ચૂંટણી લડશે. તેમણે ઉમેર્યું હતું કે, દિવ્યેશ સોલંકી એક સક્રિય યુવા નેતા છે અને જ્યારે પણ સમાજને તેમની જરૂર પડે છે, ત્યારે તેઓ ત્વરિત હાજર થઈ જાય છે. પ્રવીણભાઈએ એવો પણ કટાક્ષ કર્યો હતો કે દિવ્યેશ સોલંકીને પોતાની ઓળખ બનાવવા માટે દિલ્હી જઈને બે-બે અધિવેશન કરવાની જરૂર નથી, તેમનું કામ જ તેમની ઓળખ છે.

પ્રવીણભાઈએ સ્પષ્ટતા કરી હતી કે મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ કોળી સમાજમાં મોટી જાગૃતિ લાવી છે અને તેઓ સમાજના સર્વસ્વીકૃત નેતા છે. જોકે, હાલ તેમની તબિયત નાદુરસ્ત હોવાથી દિવ્યેશ સોલંકી સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. પ્રવીણભાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 2027 પછી કોળી અને ઠાકોર સમાજના સુદ્રઢ દિવસો આવશે.

ઉલ્લેખનીય છે કે, દિવ્યેશ સોલંકીના આવતીકાલના જન્મદિવસ નિમિત્તે, આજે હોસ્ટેલમાં રહેતી કોળી સમાજની વિદ્યાર્થીનીઓને જરૂરી વસ્તુઓનું વિતરણ કરીને સેવાકીય રીતે ઉજવણી કરવામાં આવશે.

(1:53 PM IST)