News of Sunday, 28th June 2026
અમરેલીના વાંકિયા ગામમાં આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો : સતત પશુઓનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ હતો : વન વિભાગની ટીમે રાતભર ખડેપગે રહી સફળ ઓપરેશન પાર પાડ્યું
છેલ્લા 15 દિવસથી વાંકિયા અને આસપાસના વિસ્તારમાં દીપડાએ 5 થી વધુ પશુઓનું મારણ કર્યું'તું : ગામલોકોની રજૂઆત બાદ વન વિભાગે પાંજરું ગોઠવતા વહેલી સવારે દીપડો પાંજરે પુરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો : વન વિભાગે રાત્રે અવરજવર ન કરવા આપી ખાસ સૂચના

અમરેલી,: અમરેલી જિલ્લાના વાંકિયા ગામમાં છેલ્લા ઘણા સમયથી પશુઓનું મારણ કરી આતંક મચાવનાર દીપડો આખરે વન વિભાગે ગોઠવેલા પાંજરે પુરાયો છે. દીપડો પકડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, છેલ્લા 15 દિવસથી વાંકિયા ગામની સીમમાં એક દીપડાએ ધામા નાખ્યા હતા. આ દીપડાએ અત્યાર સુધીમાં ગાય, વાછરડા સહિત 5 થી વધુ પશુઓનું મારણ કર્યું હતું. સતત થતા પશુઓના મારણથી ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. ખેડૂતો ખેતરે જતા પણ ડર અનુભવતા હતા.
ગામલોકો દ્વારા વન વિભાગને રજૂઆત કરાતા વન વિભાગની ટીમે તાત્કાલિક અસરથી વાંકિયા ગામે પાંજરું ગોઠવ્યું હતું અને રાતભર દેખરેખ રાખી હતી. આજે વહેલી સવારે દીપડો મારણની લાલચે પાંજરામાં પુરાતા વન વિભાગની ટીમે તેને સુરક્ષિત રીતે કબજે લીધો હતો.
વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, પકડાયેલો દીપડો પુખ્ત વયનો નર છે. તેને હાલ પ્રાથમિક સારવાર બાદ નજીકના પ્રાણી સંભાળ કેન્દ્ર ખાતે ખસેડવામાં આવશે. તબીબી તપાસ બાદ તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવશે.
વન વિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે, હજુ પણ આ વિસ્તારમાં અન્ય વન્ય પ્રાણીઓની અવરજવર હોઈ શકે છે. જેથી રાત્રીના સમયે એકલા અવરજવર ન કરવી અને ખેતરોમાં કામ કરતા સમયે સાવચેતી રાખવી.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
