<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

પાણીપુરી કે ‘સ્લો પોઈઝન’? કચ્છના લોડાઈમાં પકોડી ખાધા બાદ 100 થી વધુ લોકો પટકાયા, તંત્રએ લારીઓ પર લગાડ્યા પ્રતિબંધના તાળા!

મોતના મુખમાંથી માંડ બચ્યું આખું ગામ: ફૂડ પોઈઝનિંગનો આંકડો 100 ને પાર પહોંચતા આરોગ્ય વિભાગની ‘લાલ આંખ’, લોડાઈ ગામ છાવણીમાં ફેરવાયું

ભુજ (કચ્છ): ગુજરાતીઓની ફેવરિટ ગણાતી ચટાકેદાર પાણીપુરી અત્યારે કચ્છના એક આખા ગામ માટે ‘ધીમું ઝેર’ સાબિત થઈ છે. ભુજ તાલુકાના લોડાઈ ગામમાં પકોડી ખાધા બાદ સર્જાયેલા ફૂડ પોઈઝનિંગના તાંડવે તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે. પ્રથમ દિવસે નોંધાયેલા કેસો બાદ સતત બીજા દિવસે વધુ 34 નવા દર્દીઓ સામે આવતા કુલ આંકડો 100ને વટાવી ગયો છે, જેને પગલે ગામમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ઘરે-ઘરે સર્વે અને મેડિકલ ઈમરજન્સી જેવી સ્થિતિ
પરિસ્થિતિની ગંભીરતા જોતા આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. ગામના અંદાજે 2671 લોકોનો વ્યાપક આરોગ્ય સર્વે કરવામાં આવ્યો છે. મેડિકલ ટીમો દ્વારા દરેક ગલી અને દરેક ઘરમાં તપાસ કરવામાં આવી રહી છે જેથી કોઈ છૂટોછવાયો કેસ રહી ન જાય. અત્યાર સુધીમાં 6 જેટલા ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આ ઝેર પાણીમાં હતું, મસાલામાં કે પછી વાસી બટાકામાં?
પકોડીની લારીઓ પર પ્રતિબંધનો કોરડો
લોકોના જીવ સાથે રમત રમતા લારીધારકો સામે તંત્રએ આક્રમક વલણ અપનાવ્યું છે. આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી લોડાઈ અને આસપાસના વિસ્તારોમાં પકોડીની લારીઓ ચલાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. માત્ર નફાની લાલચમાં સ્વચ્છતાના ધજાગરા ઉડાવતા વેપારીઓને આ એક સખત ચેતવણી છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ખાદ્ય સુરક્ષાના માપદંડો સંતોષાય નહીં ત્યાં સુધી કોઈ પણ પ્રકારના ખાણી-પીણીના વેચાણને મંજૂરી આપવામાં આવશે નહીં.
તંત્ર જાગ્યું પણ જનતાએ પણ જાગવું પડશે!
લોડાઈ ગામની આ હોનારત એક મોટો સવાલ મૂકી જાય છે: શું આપણે જે ખાઈ રહ્યા છીએ તે સુરક્ષિત છે? ચટાકાના ચક્કરમાં ગંદી ગલીઓમાં અને અસ્વચ્છ પાણીથી બનતી વસ્તુઓ આરોગ્ય માટે જીવલેણ બની શકે છે. હાલ તો લોડાઈ ગામમાં ભયનો માહોલ છે અને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. તંત્ર તપાસ કરી રહ્યું છે, પરંતુ ગ્રાહકો તરીકે આપણે પણ ક્યાં ખાવું અને શું ખાવું તેની તકેદારી રાખવી અનિવાર્ય બની ગઈ છે.
શું આ પ્રતિબંધ કાયમી સુધારો લાવશે કે પછી રિપોર્ટ આવ્યા બાદ બધું ફરી ‘જૈસે થે’ થઈ જશે? તે જોવાનું રહ્યું.

(6:46 PM IST)