<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળામાં મોતના કૂવા પાસે અચાનક સ્ટેજ તૂટી પડતાં અફરાતફરી : કેટલાક લોકોને ઇજા

મોતના કુવા પાસે સ્ટેજ તૂટી પડતા તેની સાથે જોડાયેલી લોખંડની એંગલ પણ નમી ગઈ: આસપાસ હાજર લોકોએ સમયસર પરિસ્થિતિ સંભાળતા મોટી દુર્ઘટના ટળી

સુરેન્દ્રનગરના પ્રસિદ્ધ તરણેતર મેળામાં મોટી દુર્ઘટના સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. મેળામાં મોતનો કૂવો જોવા આવેલા લોકો વચ્ચે અચાનક સ્ટેજ તૂટી પડતાં દોડધામ મચી હતી. ઘટનાને પગલે મેળો માણવા આવેલા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, મોતના કૂવાના આગળના ભાગમાં લોકોની અવરજવર માટે બનાવવામાં આવેલું સ્ટેજ અચાનક તૂટી પડ્યું હતું. સ્ટેજ તૂટી પડતાં તેની સાથે જોડાયેલી લોખંડની એંગલ પણ નમી ગઈ હતી.

લોખંડની એંગલ નમી જતાં ત્યાંથી પસાર થઈ રહેલા ચારથી પાંચ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અચાનક બનેલી ઘટનાથી આસપાસ હાજર મેળારસિકોમાં થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો.

સ્ટેજનો ભાગ તૂટી પડ્યા બાદ મેળો માણવા આવેલા કેટલાક લોકોએ પરિસ્થિતિ સંભાળી હતી. લોકોએ નમી ગયેલી લોખંડની એંગલને ટેકો આપીને પકડી રાખી હતી, જેના કારણે અન્ય લોકો તેની અડફેટે આવતા બચી ગયા હતા.

ઘટનામાં મોટી જાનહાનિ ટળી હોવા છતાં મેળામાં બનાવવામાં આવેલા અસ્થાયી સ્ટ્રક્ચરની Safety Arrangement (સુરક્ષા વ્યવસ્થા) સામે સવાલો ઉભા થયા છે. ખાસ કરીને લોકોની મોટી અવરજવર ધરાવતા મોતના કૂવા જેવા સ્થળે સ્ટેજ અને લોખંડની એંગલની મજબૂતી અંગે હવે ચર્ચા શરૂ થઈ છે.

(12:19 AM IST)