<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

ભાવનગર જેલમાં મોજાના દડામાંથી ગાંજો અને મોબાઈલ મળતા ખળભળાટ: સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો

બહારથી અજાણ્યા શખ્સો દ્વારા ફેંકવામાં આવેલા દડામાંથી પ્રતિબંધિત સામાન મળી આવતા જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે

ભાવનગર : ભાવનગર મધ્યસ્થ જેલમાંથી સુરક્ષાને લઈને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં જેલની બહારથી અજાણ્યા શખ્સો દ્વારા ફેંકવામાં આવેલા મોજાના દડામાંથી ગાંજો, મોબાઈલ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે અને જેલ પ્રશાસનની કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ પ્રકારે પ્રતિબંધિત ચીજવસ્તુઓ અંદર પહોંચાડવાના પ્રયાસથી સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા થયા છે.

આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો, જેલ પરિસરમાં અચાનક શંકાસ્પદ વસ્તુઓ ફેંકવામાં આવી હોવાની માહિતી મળતા જેલ અધિકારીઓ અને કર્મચારીઓ સફાળા જાગી ગયા હતા અને તપાસ દરમિયાન જેલની અંદરથી મોજાના દડા મળી આવ્યા હતા, જેની અંદરથી એક મોબાઈલ ફોન સિમ કાર્ડ સાથે, સિગારેટના બે પેકેટ, બીડીના ચાર પેકેટ, ગુટખા, તમાકુ તેમજ અંદાજે ૧૫૦ ગ્રામ જેટલો નશીલો પદાર્થ એટલે કે ગાંજો મળી આવ્યો હતો.

આટલી મોટી માત્રામાં પ્રતિબંધિત વસ્તુઓ જેલની અંદર પહોંચતા જ જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી અને જેલના નિયમો તથા કાયદાઓની ખુલ્લેઆમ ધજાગ્રડા ઉડાવતી આ ઘટના અંગે જેલ અધિકારીઓ દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને અજાણ્યા શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને આ દડા ફેંકનાર શખ્સો કોણ હતા તથા તેમને જેલની અંદર કોની મદદ મળી રહી છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવીને સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી છે.

(11:32 AM IST)