News of Friday, 2nd October 2026
ચરાડવામાં ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે 'પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલય'નું ૫ ઓક્ટોબરે લોકાર્પણ : જ્ઞાન, સેવા અને સંસ્કારનું બનશે નવું કેન્દ્ર
પદ્મશ્રી ડૉ. જગદીશભાઈ ત્રિવેદી દ્વારા નિર્મિત ૧૧મા પુસ્તકાલયનું જય શ્રી રામ ગૌશાળા સંચાલન કરશે : અનેક ગણમાન્ય અતિથિઓ તથા જનપ્રતિનિધિઓ હાજર રહેશે

હળવદ:સૌરાષ્ટ્રની પાવન ધરા પર આવેલા હળવદ તાલુકાના ચરાડવા ગામ ખાતે આગામી ૫ ઓક્ટોબર ૨૦૨૬, સોમવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ લોકાર્પણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. ચરાડવા ગામના વતની અને કિડની રોગ ચિકિત્સા ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરનાર પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદીની સ્મૃતિને અમર રાખવાના હેતુથી નિર્મિત “પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલય”નું ભવ્ય ઉદ્ઘાટન ભાગવતાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના પાવન હસ્તે કરવામાં આવશે.
ગ્રામીણ વિસ્તારમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવા અને યુવા પેઢીમાં વાંચનની ટેવ કેળવવાના ઉમદા હેતુથી આ જ્ઞાનમંદિરનું નિર્માણ પદ્મશ્રી ડૉ. જગદીશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે, જે તેમના દ્વારા નિર્મિત ૧૧મું પુસ્તકાલય છે. ચરાડવાના રણછોડરાયજી મંદિર ચોક પાસે આવેલા ડૉ. એચ. એલ. ત્રિવેદીના જન્મસ્થળ ખાતે જ આ પુસ્તકાલય આકાર પામ્યું છે. વિદેશની સુખ-સુવિધાઓ અને કમાણીનો ત્યાગ કરીને અમદાવાદમાં કિડની હોસ્પિટલની સ્થાપના કરનાર મહાન માનવસેવકની સ્મૃતિમાં બનેલું આ પુસ્તકાલય નવી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બનશે.
આ ઐતિહાસિક પ્રસંગે વિશેષ અતિથિ તરીકે સુનિતાબેન એચ. ત્રિવેદી, પદ્મશ્રી ડૉ. જગદીશભાઈ ત્રિવેદી, અમદાવાદ કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. પ્રાંજલ મોદી, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રો. (ડૉ.) ચેતન ત્રિવેદી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા તથા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા પણ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવશે.
આ પુસ્તકાલયનું નિયમિત અને સુચારુ સંચાલન 'જય શ્રી રામ ગૌશાળા – ચરાડવા' દ્વારા કરવામાં આવશે, જેથી આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને વાંચનનો મહત્તમ લાભ મળી શકે. આ સમગ્ર કાર્યક્રમના સંકલનમાં મહેશભાઈ કાનાણી તથા તપનભાઈ દવે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આ જ્ઞાનયજ્ઞમાં સહભાગી થવા સમસ્ત ત્રિવેદી પરિવાર અને ચરાડવા ગામ દ્વારા ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
