તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
કચ્છના લખપત નજીકના સુગર બેટ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
છેલ્લા ચાર દિવસમાં મળી આવેલા પેકેટોની સંખ્યા જોતા સરહદી સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી

કચ્છના લખપત નજીકના સુગર બેટ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. છેલ્લા ચાર દિવસમાં મળી આવેલા પેકેટોની સંખ્યા જોતા સરહદી સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે.
કચ્છના લખપત તાલુકામાં આવેલા રોડાસર-મેડી નજીક સુગર બેટ વિસ્તારમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના જવાનો દ્વારા રૂટિન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન જવાનોને બિનવારસી હાલતમાં પડેલા કેટલાક શંકાસ્પદ પેકેટો નજરે પડ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે આ પેકેટો માદક પદાર્થ 'ચરસ'ના છે. બીએસએફ દ્વારા કુલ 10 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ કોઈ પહેલી ઘટના નથી; છેલ્લા ચાર જ દિવસમાં કચ્છના દરિયાકાંઠેથી અલગ-અલગ સ્થળોએથી કુલ 47 માદક પદાર્થના પેકેટો મળી આવ્યા છે. આ આંકડો સૂચવે છે કે મોટા પાયે ડ્રગ્સ ઘુસાડવાનું નેટવર્ક સક્રિય હોઈ શકે છે.
સતત મળી રહેલા આ જથ્થાને પગલે બીએસએફ, કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક પોલીસ સહિતની તમામ સુરક્ષા એજન્સીઓ અત્યંત સતર્ક બની ગઈ છે. દરિયાઈ સરહદ અને ક્રીક વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પેકેટો દરિયાના મોજાં સાથે તણાઈને આવ્યા છે કે પછી કોઈ ચોક્કસ સાઝિશ હેઠળ અહીં પહોંચાડવામાં આવ્યા છે, તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. બિનવારસી હાલતમાં મળેલા આ માદક પદાર્થને ફોરેન્સિક તપાસ માટે પણ મોકલવામાં આવ્યો છે.
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
