તા. ૧૦ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૫ શનિવાર
News of Wednesday, 3rd June 2026
પીજીવીસીએલની સબ-ડિવિઝન કચેરી વીરપુરને બદલે જેતપુરમાં શરૂ કરાતાં રોષ
ગોંડલના ધક્કામાંથી મુક્તિ આપવા સરકારે વીરપુર માટે કચેરી મંજૂર કરી, પણ રાજકીય ઈશારે જેતપુર ભેગી કરી દેવાઈ હોવાનો જનતાનો આક્ષેપ : સ્થાનિક ફોલ્ટ સેન્ટર રામભરોસેઃ ભરઉનાળે વીરપુરવાસીઓ અને બહારથી આવતા હજારો યાત્રિકો વીજ કાપ અને લો-વોલ્ટેજની સમસ્યાથી ત્રાહિમામ્

(કિસનસિંહ મોરબીયા દ્વારા) વીરપુર, તા.૧: પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં વિજતંત્ર દ્વારા સ્થાનિક ગ્રાહકોની સુવિધા માટે વીરપુર સબ-ડિવિઝન કચેરી મંજૂર કરવામાં આવી છે. પરંતુ આヘર્યની વાત એ છે કે, આ કચેરી વીરપુરમાં શરૂ કરવાને બદલે રાજકીય ઈશારે અને વગદારોના દબાણ હેઠળ જેતપુર ખાતે કાર્યરત કરી દેવામાં આવી છે. જેને પગલે વીરપુર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વીજ ગ્રાહકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ઉનાળાના આ ધમધગતા તાપમાં લોકોને નજીવી વીજ કામગીરી માટે પણ જેતપુર સુધી લાંબા થવાની નોબત આવી છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અમારે ગોંડલના ધક્કા મટયા, પણ જેતપુરની નવી આફત શરૂ થઈ, અગાઉ યાત્રાધામ વીરપુરનો સમાવેશ પીજીવીસીએલ ગોંડલ ગ્રામ્ય-૨ પેટા વિભાગની કચેરી હેઠળ થતો હતો. વીજ ગ્રાહકોને કનેક્શન, બિલિંગ કે અન્ય વહીવટી કામો માટે છેક ગોંડલ સુધી ધક્કા ખાવા પડતા હતા. લોકોની આ હાલાકી દૂર કરવા માટે વિજતંત્ર દ્વારા ખાસ વીરપુર ખાતે જ નવું સબ-ડિવિઝન મંજૂર કરવામાં આવ્યું હતું.
જ્યારે વીરપુર ગોંડલ હેઠળ હતું ત્યારે વીરપુર ફોલ્ટ સેન્ટર ખાતે કાયમી ધોરણે વીજ કર્મચારીઓનો સ્ટાફ હાજર રહેતો હતો. જેથી સ્થાનિક સ્તરે કોઈ ફોલ્ટ સર્જાય તો તુરંત રિપેરિંગ થઈ જતું. પરંતુ જ્યારથી આ કચેરી જેતપુર ખાતે ટ્રાન્સફર થઈ છે, ત્યારથી વીરપુર ફોલ્ટ સેન્ટર પરથી સ્ટાફ ગાયબ થઈ ગયો છે. હવે જ્યારે પણ વીરપુર કે ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાય, ત્યારે કર્મચારીઓ છેક જેતપુરથી આવે છે, જેમાં કલાકોનો સમય નીકળી જાય છે.
વીરપુરના ગ્રામજનો અને વેપારી મંડળો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે, જે કચેરી વીરપુરના નામે મંજૂર થઈ છે તેને તાત્કાલિક જેતપુરથી હટાવીને વીરપુરમાં જ સ્થાપિત કરવામાં આવે.
પૂજ્ય જલાબાપાના દરબારમાં આપેલું વચન અધિકારીઓએ નેવે મૂકયું
વીરપુર ખાતે પીજીવીસીએલ સબ-ડિવિઝન કચેરી મંજૂર કરાઈ અને તેને જેતપુર ખાતે કાર્યરત કરવામાં આવી, ત્યારે ભારે વિરોધ વચગાળે વીરપુર જલારામ બાપાના મંદિર ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એ સમયે કાર્યપાલક ઈજનેર તરીકે એચ. એચ.સોની ફરજ બજાવતા હતા ત્યારે વીરપુર જગ્યાના ગાદીપતિ, વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ સરવૈયા, તેમજ સ્થાનિક અગ્રણીઓ અને વેપારી એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં અધિકારીઓ દ્વારા ખાતરી આપીને એવું નક્કી કરાયું હતું કે, વીરપુર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોની સુવિધા માટે વીરપુર ખાતે જ એક ખાસ પેટા કચેરી (સબ-ઓફિસ) શરૂ કરવામાં આવશે, જ્યાં વીજ સમસ્યાઓનું સ્થાનિક સ્તરે જ નિવારણ થશે અને લોકોને જેતપુર સુધી ધક્કા નહીં ખાવા પડે.
પરંતુ ખેદની વાત એ છે કે, આ બેઠકને લાંબો સમય વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી આવી કોઈ પેટા કચેરી વીરપુરમાં શરૂ કરવામાં આવી નથી. પીજીવીસીએલના જવાબદાર પવિત્ર આસને બેસીને આપેલા વચનમાંથી ફરી ગયા છે. વિજતંત્રના આ બેજવાબદાર વલણને કારણે માત્ર જનતા સાથે જ છેતરપિંડી નથી થઈ, પરંતુ ગાદીપતિને આપેલા વચનનું પણ અપમાન કર્યું હોય તેવી તીવ્ર પ્રતિક્રિયાઓ અને રોષ હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
