News of Monday, 11th May 2026
મહુવા જમાતખાનામાં અગ્રેસરોની મનમાની સામે મેમ્બરોનો આક્રોશઃ વર્ષો જૂની પરંપરા બંધ કર્યાનો આક્ષેપ
શિયા ઈમામી ઈસ્માઈલી હેડ કવાર્ટર જમાતખાનામાં રસોઈ-જમણવાર પર પ્રતિબંધ, શિક્ષણ સહાયમાં વ્હાલા-દવલાની નીતિનો આરોપઃ કાનૂની કાર્યવાહીની ચીમકી

મહુવા, તા. ૧૧: ભાવનગર જિલ્લાના મહુવા શહેરના પરશીવલપરા ખાતે આવેલ શિયા ઈમામી ઈસ્માઈલી હેડ કવાર્ટર જમાતખાનાના અગ્રેસરોની તાનાશાહી અને મનમાની સામે જમાતના મેમ્બરોએ ગંભીર આક્ષેપો કર્યા છે. જમાતના સભ્યોનું કહેવું છે કે અગ્રેસરોના જો-હુકમી વલણથી જમાત ત્રાહિમામ પોકારી ઉઠી છે.
જમાતના મેમ્બરોના જણાવ્યા મુજબ, મહુવા જમાતખાનામાં વર્ષો જૂની પરંપરા મુજબ સારા-નરસા પ્રસંગે રસોઈ બનાવવી અને જમણવાર કરવાની સુવિધા હતી. જમાતખાનામાં વિશાળ જગ્યા, જમવા માટે હોલ, રસોઈઘર, વાસણો અને પાણીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં અગ્રેસરોએ પોતાની મનમાની અને અણઆવડતના કારણે આ પરંપરા બંધ કરી દીધી છે. હવે સારા-નરસા પ્રસંગે જમાતખાનામાં રસોઈ બનાવવા દેવામાં આવતી નથી.
આ મુદ્દે તા. ૧૭/૩/૨૦૨૬ના રોજ લેખિતમાં તેમજ અવારનવાર ટેલિફોનિક વાતચીત દ્વારા રાજકોટ ખાતે આવેલી રીજનલ કાઉન્સિલ ઓફિસ, મુંબઈ ખાતેની નેશનલ કાઉન્સિલ ઓફિસ અને મુંબઈ સ્થિત એસ્ટેટ ડિપાર્ટમેન્ટની ઓફિસમાં રજૂઆત કરવામાં આવી હોવાનો મેમ્બરોએ દાવો કર્યો છે. તેમ છતાં આજાદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.
જમાતના સભ્યોએ વધુમાં આક્ષેપ કર્યો કે સંસ્થા દ્વારા આર્થિક રીતે નબળા અને હોશિયાર વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આર્થિક મદદ કરવામાં આવે છે. પરંતુ મહુવા લોકલ કાઉન્સિલના અગ્રેસરો દ્વારા ‘વારો-તારો' કરીને લાગવગથી સગા-સંબંધીઓ અને મળતીયાઓના બાળકોને લાભ અપાવવામાં આવે છે. જેના કારણે ખરેખર જરૂરિયાતમંદ, ભાડાના મકાનમાં રહેતા અને અગાઉ ક્યારેય મદદ ન લેનારા બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે.
આ સમગ્ર મામલે જમાતના મેમ્બર નસરૂભાઈ મોભ, દિન મહંમદભાઈ લાખાણી, રહીમભાઈ વસાયા, સમીરભાઈ નાયાણી, મનસુરભાઈ દોઢીયા, ફિરોઝભાઈ ફુમકીયા, બહાદુરભાઈ વસાયા, સિરાજભાઈ હાલારી, રાજુભાઈ મેરાણી સહિતના સભ્યોએ સત્વરે ન્યાયની માંગ કરી છે.
મેમ્બરોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ઉપરોક્ત પ્રશ્નોનો યોગ્ય ન્યાય નહીં મળે તો ના છૂટકે કાનૂની રાહે કાર્યવાહી કરવાની ફરજ પડશે.
જમાતના સભ્યોમાં અગ્રેસરોના વલણ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ ઉઠી છે.(રહીમ વસાવા-મહુવા)
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
