<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

પડધરીના દહીસરડા (આજી)માં ચેકડેમમાં ડુબી જતા ૪ બાળકોના મોતથી અરેરાટી

 

ધ્રોલઃ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા દહીસરડા (આજી) ગામે ચારેય બાળકો પાટ હનુમાન મંદિર પાછળ આવેલા ચેકડેમ પર નહાવા ગયા હતા. જ્‍યાં પાણીના ઊંડાણનો સાચો અંદાજ ન આવતાં બાળકો એક પછી એક ઊંડા પાણીમાં ખેંચાઈને ડૂબવા લાગ્‍યા હતા. બનાવની જાણ વાયુવેગે ગામમાં ફેલાતાં ગ્રામજનો અને પરિજનો ઘટનાસ્‍થળે દોડી આવ્‍યા હતા અને સ્‍થાનિક તરવૈયાઓની મદદથી તાત્‍કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. સાથે જ વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. આ કમનસીબ દુર્ઘટનામાં દહીસરડાના ૧૪ વર્ષીય ધ્‍યેય મનીષભાઈ ધમાસણા, દીપ ગંગારામભાઈ રાજપરા, ધ્રોલના ૧૫ વર્ષીય વંશીત વિજયભાઈ ખંભાયતા અને મૂળ દહીસરડાના વતની તેમજ હાલ રાજકોટની જનકપુરી સોસાયટીમાં રહેતા ૧૨ વર્ષીય વાસુભાઈ યોગેશભાઈ સવસાણીનો સમાવેશ થાય છે. મળતક વંશીત મૂળ ધાંગડા ગામના વતની અને હાલ ધ્રોલમાં વેલ્‍ડિંગ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા વિજયભાઈનો એકનો એક લાડકવાયો પુત્ર હતો. પરિવારમાં એક નાની દીકરી અને વંશીત હતા, ત્‍યારે વહાલસોયા દીકરાના અકાળે મોતના સમાચારથી પરિવાર પર આભ તૂટી પડ્‍યું છે. પોસ્‍ટમોર્ટમ બાદ જ્‍યારે બાળકોના પાર્થિવ દેહ ગામમાં પહોંચ્‍યા ત્‍યારે હૃદયદ્રાવક દ્રશ્‍યો સર્જાયા હતા. ગામની એક જ શેરીમાં સાથે રમતા-ભણતા ત્રણ માસૂમ મિત્રોની એકસાથે સ્‍મશાનયાત્રા નીકળતાં સમગ્ર ગામ હિબકે ચડ્‍યું હતું અને ઉપસ્‍થિત સૌ કોઈની આંખો આંસુથી ભીંજાઈ ગઈ હતી. આ કરુણ બનાવની જાણ થતાં જ ધારાસભ્‍ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ પૂર્વ ધારાસભ્‍ય લલિતભાઈ કગથરાએ ઊંડો શોક વ્‍યક્‍ત કરી મળતક બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને આઘાતમાં સરી પડેલા શોકગ્રસ્‍ત પરિવારોને સાંત્‍વના આપી હતી. (તસ્‍વીરઃ અહેવાલઃ  સંજય ડાંગર -ધ્રોલ)

(1:22 PM IST)