<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

પાટડી ભાજપમાં ભડકો : નારાજ કાર્યકરોએ કાર્યાલયને માર્યા તાળા :કોંગ્રેસ નેતા વિક્રમ રબારીના ભાજપ પ્રવેશથી ધમસાણ

ભાજપના અનેક દિગ્ગજ આગેવાનોએ મોડી રાત્રે ગુપ્ત મિટિંગ યોજી: પક્ષના મોવડીમંડળના નિર્ણય સામે કડક વિરોધ નોંધાવવાની રણનીતિ ઘડી

સુરેન્દ્રનગરના પાટડીમાં આ પક્ષપલટો ભાજપ માટે મુસીબતનું કારણ બન્યો છે. પાટડી ભાજપના સ્થાનિક સંગઠનમાં ભંગાણ અને નારાજગીના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ખુદ પક્ષના કાર્યકરોએ જ ભાજપ કાર્યાલયને તાળા મારી દીધા હોવાની ચોંકાવનારી ઘટના બની છે.

સમગ્ર વિવાદના મૂળમાં કોંગ્રેસના પૂર્વ મહામંત્રી વિક્રમ રબારીનો ભાજપ પ્રવેશ છે. વિક્રમ રબારીએ કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરીયો ધારણ કરતા જ પાટડી ભાજપના પાયાના કાર્યકરો અને સ્થાનિક આગેવાનોમાં વિરોધ તહ્યો છે.સ્થાનિક નેતાઓનું માનવું છે કે વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો એક કરનારા કાર્યકરોની અવગણના કરીને બહારથી આવતા નેતાઓને મહત્વ આપવામાં આવી રહ્યું છે.  

આ પરિસ્થિતિ સર્જાતા પાટડી ભાજપના અનેક દિગ્ગજ આગેવાનોએ મોડી રાત્રે ગુપ્ત મિટિંગ યોજી હતી. આ મિટિંગમાં પક્ષના મોવડીમંડળના નિર્ણય સામે કડક વિરોધ નોંધાવવાની રણનીતિ ઘડવામાં આવી હતી. વિરોધના પ્રથમ તબક્કા તરીકે પાટડી સ્થિત ભાજપ કાર્યાલયને તાળા મારી દેવામાં આવ્યા હતા, જે હાઈકમાન્ડ માટે સ્પષ્ટ સંકેત માનવામાં આવે છે.

ચૂંટણીના ટાણે જ સર્જાયેલો આ આંતરિક કલહ ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. જો નારાજ કાર્યકરોને સમયસર મનાવવામાં નહીં આવે, તો પાટડી બેઠક પર ભાજપના સમીકરણો બગડી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. હાલમાં સમગ્ર પાટડી પંથકમાં આ રાજકીય ડ્રામા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

(12:22 AM IST)