<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

જામનગરમાં "સેવાના રંગ, રાષ્ટ્રના સંગ" અંતર્ગત રંગોળી કોલાજ વર્ક સ્પર્ધાનું આયોજન

વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત સહિતની થીમ આધારિત સ્પર્ધા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ: તા.૦૬ ઓક્ટોબરે ટાઉનહોલ ખાતે યોજાશે સ્પર્ધા

જામનગર:ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં નાગરિકો તેમજ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, ટીમવર્ક, સ્થાનિક સંસ્કૃતિ અને સામૂહિક ભાગીદારીને પ્રોત્સાહિત કરવાના શુભ આશયથી “સેવાના રંગ, રાષ્ટ્રના સંગ” અંતર્ગત રંગોળી કોલાજ વર્ક સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ અન્વયે વ્યક્તિગત રંગોળી તેમજ ગ્રૂપ રંગોળી કોલાજ વર્ક સ્પર્ધાઓ યોજાશે.
આ સ્પર્ધા માટે (૧) વિકસિત ભારત, (૨) મેક ઇન ઇન્ડિયા, (૩) આત્મનિર્ભર ભારત, (૪) સપ્તધારા વિઝન, (૫) વિકસિત ભારતનું સ્વપ્ન, (૬) સેવા સંકલ્પ અભિયાન, (૭) જન કલ્યાણકારી યોજનાઓ અને (૮) રાષ્ટ્રીય પ્રતિક જેવા વિવિધ વિષયો નક્કી કરવામાં આવ્યા છે. સ્પર્ધકોએ આ પૈકી કોઈ પણ એક થીમ પસંદ કરી પૂઠા, થર્મોકોલ, લાકડાની શીટ કે પાટિયા પર ગુંદર અથવા ફેવિકોલની મદદથી માત્ર કુદરતી સામગ્રી જેવી કે ફૂલ, માટી, રેતી, ચોખા, બીજ, પાંદડા અને પ્રાકૃતિક રંગોનો જ ઉપયોગ કરીને કોલાજ વર્ક વાળી રંગોળી તૈયાર કરવાની રહેશે. જેમાં વ્યક્તિગત સ્પર્ધકે ૧.૫ ફૂટ x ૧.૫ ફૂટ તથા ગ્રૂપ સ્પર્ધામાં ૪ ફૂટ x ૪ ફૂટની સાઈઝમાં રંગોળી બનાવવાની રહેશે.
આ સ્પર્ધામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, કલાકારો, પ્રોફેશનલ આર્ટિસ્ટ તેમજ રસ ધરાવતા તમામ સભ્યો અને જાહેર જનતા ભાગ લઈ શકશે. ભાગ લેવા ઈચ્છુક દરેક સ્પર્ધકે આપેલ ઓનલાઈન રજિસ્ટ્રેશન લિંક https://forms.gle/HXMp86UFKyX6igSn7 પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ પોતાની કૃતિ તૈયાર કરીને તા.૦૬/૧૦/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ટાઉનહોલ સેલર, જામનગર ખાતે સ્થળ પર પહોંચવાનું રહેશે.
સ્પર્ધા અંગેની વધુ વિગતો અને માહિતી મેળવવા માટે ‘જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં.૪૨, પ્રથમ માળ, જામનગર’ ખાતે રૂબરૂ અથવા ટેલિફોન નંબર ૦૨૮૮-૨૫૭૧૨૦૯ પર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા યાદીમાં જણાવાયું છે

(11:35 PM IST)