તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
સંગઠન કૌશલ્ય, કાર્યદક્ષતા, મૂલ્ય નિષ્ઠા,આદર્શવાદિતા એટલે નારસિંહભાઈ પઢીયારઃ કાલે પુણ્યતિથીઃ હાર્દિક શ્રધ્ધાસુમન
આઠમી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પઃ સત્તા અને સંપત્તિ વગર સૌરાષ્ટ્રમાં સંઘ પરિવારનો પાયો મજબૂત કરનાર પરિવાર ક્ષેત્રના સ્વયંસેવક એટલે નારસિંહ પઢિયાર

સોરઠના સિંહ રાજનીતિ અને જાહેર જીવનમાં અપ્રિતમ ,યોદ્ધા, કુશળ સંગઠન, સનિષ્ઠવિચારક, દ્રષ્ટિમત રાજ પુરુષ, સાદઞીઅને સ્પષ્ટ વાદીતાની પ્રતિમૂર્તિ સમાન શ્રી નારસિહભાઈ પઢીયારશ્રી પુણ્યતિથિ નિમિત્તે હાર્દિક શ્રદ્ધા સુમન. જ્યારે કોઈ દિવ્ય આત્માના જીવન વિષે કોઇ લેખ લખતા હોઈએ ત્યારે તેનાથી દરેક કાર્યકર્તાઓને એક ઉર્જા સાથે પ્રેરણા મળતી હોય છે અને જાહેર જીવનના આદર્શો કેવા હોવા જોઇયે તેનો પણ અંદાઝ મળતો હોય છે. વ્યક્તિ તો આવે છે અને વિદાય લે છે પરંતુ તે તેના જીવનમાં કઈક એવું કરી છૂટે છે કે જેનાથી તે સમાજમાં અનેક રીતે સુસ્થાપિત બની જાય છે.
આવાજ એક મૂઠીઊંચેરા માનવીની વાત કરવી હોયતો આપણાં જુનાગઢનું ગૌરવ કહી શકાય તેવા સ્વર્ગસ્થ મુરબ્બી શ્રી નારસિહભાઈ ધનજીભાઇ પઢિયાર યાદ આવે.
સૌરાષ્ટ્રમાં સંઘ પરિવારનો પાયો નાંખનાર પરિવારો વિશે લખવાનું થાય ત્યારે રાજકોટના સ્વ, કેશુભાઈ પટેલ, સ્વ.ચીમનભાઈ શુકલ, સ્વ.અરવિંદભાઈ મણિયાર, સ્વ.પ્રવીણ કાકા, સ્વ.યશવંતભાઈ ભટ્ટ, સ્વ.કાંતિભાઈ ભટ્ટ, સ્વ કુંવરજીભાઈ જાદવ, મોરબી સ્વ. પુનમચંદભાઈ કોટક, વાંકાનેરમાં સ્વ લલીતભાઈ મહેતા, ગોંડલમાં સ્વ, ગોવિંદભાઈ દેસાઈ, ધોરાજીમાં સ્વ,એડવોકેટ મનોજભાઈ પારેખ, જૂનાગઢ સ્વ.સૂર્યકાંતભાઈ આચાર્ય સ્વ, હેમાબેન આચાર્ય, સ્વ.ભાસ્કરભાઈ થડેશ્વર સ્વ.ચકુભાઈ ડોડીયા તથા અનેક સ્વયંસેવક પરિવારો યાદ આવે કે જેમને સંઘ પરિવારનો પાયો મજબૂત કરવામાં અસંખ્ય મહેનત કરવી પડી હતી ત્યારે અચૂક યાદ
૭ સપ્ટેમ્બર ૧૯૩૨માં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે જન્મેલા શ્રી નારસિહભાઈ ધનજીભાઇ પઢિયારે લ્લ્ઘ્ સુધીનો અભ્યાસ કર્યો તેર વર્ષની ઉમરે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર તરીકે રાષ્ટ્ર સેવા શરૂ કરી ત્યારબાદ સર્વેયર તરીકે નોકરીમાં લાગ્યા પણ ત્યારની કોંગ્રેસ સરકારે નારસિંહભાઈ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર હોવાથી રાગદ્વેષ રાખી ૧૯૫૮ માં પોતાના વતનથી દૂર જુનાગઢ ખાતે બદલી કરી નાખી પણ નારસિહભાઈમાં રહેલા રાષ્ટ્ર પ્રેમને ડગમગાવી શકાય તેમ ના હતો.
સ્વ. શ્રી નારસિહભાઈ ધનજીભાઇ પઢિયાર જૂનાગઢમાં આવ્યા પછી પણ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) અને જનસંઘમાં સેવા આપતા રહ્યા અને ફેબ્રુઆરી ૧૯૬૨ માં નેતાઓની ઈચ્છા મુજબ નોકરીમાંથી રાજીનામું આપીને જુનાગઢ શહેર જનસંઘના મંત્રી તરીકેની કામગીરી શરૂ કરી શહેરના મંત્રી તરીકે રાજકીય શરૂઆત કરી પ્રદેશ ભાજપાના મહામંત્રીના પદ સુધી પહોચ્યા હતા.
૧૯૬૨ થી શરૂ કરેલ રાજકીય સફરથી સમગ્ર જિલ્લામાં માનભર્યું સ્થાન હાંસલ કર્યું હતું. તેમના રાજકીય જીવનની સાથોસાથ સામાજિક કાર્યો તરફનું તેમનું ધ્યાન ખેચતા સેવાકીય પ્રવૃતિઓ પણ શરૂ કરી રાજકીય આંદોલનોમાં અનેકવાર નાની મોટી જેલયાત્રાઓ પણ ભોગવી અને આજની કૃષિ યુનિ. નું મૂળસ્વરૂપ મેળવવામાં સ્વર્ગસ્થ શ્રી સુર્યકાંતભાઈ આચાર્યની આગેવાનીમાં ખંભેખંભો મિલાવીને જે ભગીરથ સંઘર્ષ કર્યો તેનું પરિણામ છે. અનાજની લેવી નો કાયદો હોય રજીસ્ટ્રેશનનો કાયદો હોય કે રેલ્વે કર્મચારીનું આંદોલન હોય દરેક માટે લડત ચલાવી કાનુનભંગ કરતાં અનેકવાર જેલયાત્રા ભોગવી હતી. તેમની સૌથી લાંબી જેલયાત્રા ત્યારના તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ૧૯૭૫માં ઈમરજન્સી દાખલ કરી ત્યારે જનસંઘ અને સંઘ પરિવારના અનેક કાર્યકર્તાઓ સાથે ૧૧ માસ સુધી જેલવાસ સ્વીકાર્યો અને સાથે તેમના પુત્ર મહેન્દ્રભાઇને પણ થોડો સમય કારાવાસ વેઠવો પડયો હતો.
સ્વર્ગસ્થ નારસિંહભાઈમાં તેમના પિતાશ્રીના સંસ્કારો ઉતર્યા હોય તેઓ લોકસાહિત્યકાર, કવિઓ અને બારોટો સાથે ખૂબ ધરોબો કેળવી ચૂક્યા હતા.
ધ્યાન ગયું અને તેમાં પણ કેળવણી ક્ષેત્ર તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું જેમાં જુનાગઢ ખાતે કારડીયા રાજપૂત સમાજની દીકરીઓ માટે ટીંબાવાડી રોડ ઉપર સમાજના આગેવાનોને સાથે રાખી શ્રી ગોવિદભાઈ રામભાઈ ડોડીયાના નામનું વિશાળ કન્યા છાત્રાલય ઊભું કર્યું.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી સોરઠર્મા વસીને પોતાની કર્મભૂમિ બનાવી અને સોરઠ કારડીયા રાજપૂત સમાજમાં તો તેમના નામ ની સ્વીકૃતિ થઈ પરંતુ અન્ય સમાજોમાં પણ તેમનું નામ આદરપૂર્વક લેવામાં આવતું હતું.
ધીમી ગતિએ શરૂ કરેલ રાજકીય કારકિર્દીમાં પ્રથમ ગુજરાત રાજ્યના એસટી બોર્ડના મેમ્બરપદે રહ્યા ત્યારબાદ ગુજરાત ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના ચેરમેન ત્યારબાદ રાજ્ય સરકારની જીએસીએલ કંપનીના ચેરમેન રહ્યા અને છેલ્લે ગુજરાત મેરીટાઇમ બોર્ડના ચેરમેનપદે રહ્યા તેમજ જુનાગઢ નગર પાલિકાના ઇતિહાસમર્મા સતત પાચ વર્ષ સુધી પ્રમુખપદ ભોગવનાર શ્રી નારસીહભાઇ પ્રથમ પ્રમુખ બન્યા હતા કટોકટી પછી ગુજરાતમાં જે પેટા ચુટણીઓ થઈ તેમાં તાલાલા મત વિસ્તારમાંથી ધારાસભ્ય પદે ચુટાયા હતા.
માર્ચ એપ્રિલ ૧૯૬૮ દરમ્યાન કચ્છની સરહદે વિલ્સન કરાર મુજબ હિદુસ્તાનની ભૂમિ જે પાકિસ્તાનને સોપાતી હતી તેની સામે જનસંઘની આગેવાની નીચે કોંગ્રેસ અને સામ્યવાદિ પક્ષ સિવાયના તમામ રાજકીય પક્ષો તથા દેશભકતો એ ૧ એપ્રિલ થી ૨૧ એપ્રિલ સુધી હજારોની સંખ્યામાં કાર્યકરોએ ખાવડા સરહદે કાનુન ભંગ કરીને જેલયાત્રાઓ કરી ત્યારે તેની પૂર્વ તૈયારી રૂપે તે વખતના જનસંઘના આગેવાનોએ શ્રી નારસીહભાઇ પઢિયાર તથા તેમની સાથે રાજકોટના શ્રી અશ્વિનભાઈ ખાલપાડા એક માસ અગાઉ કચ્છમાં રોકાયા હતા અને કચ્છની તમામ ભૌગોલિક પરિસ્થિતી સરહદની સ્થિતિ વિગેરેનો તલસ્પર્શી અભ્યાસ કરીને નેતાગીરીને વાકેફ કરેલ આ સત્યાગ્રહમાં તેમના પત્ની સ્વ.શ્રી જિકુબાએ પણ તેમની પાચ માસની નાની પુત્રી થી. ગીતાબેનને સાથે લઈને જુનાગઢના શ્રીમતી હેમાબેન આચાર્ય અને જુનાગઢ ની ૧૧ બહેનો સાથે ખાવડા સરહદે સત્યાગ્રહ કરેલ હતો.
સ્વ. શ્રી નારસીહભાઇના સુપુત્ર શ્રી મહેન્દ્રસિહે પણ ૬ ડિસેમ્બર ૧૯૯૨ના બાબરી મસ્જિદનો ઢાંચો ધ્વસ્ત થયો તેમાં દેશભક્તિના રંગે રંગાઈને ભાગ લીધેલ તેમજ નારસીહભાઇના ધર્મપત્નીએ પણ રામ મંદિર નિર્માણના આંદોલનમાં અયોધ્યા જઈને સત્યાગ્રહ કરેલ.
તમામ રાજપુતોને એકત્ર કરવાની દ્રષ્ટિથી ૧૯૯૭ ની સાલમાં ૩૫૦૦૦ જેટલી મોટી સંખ્યામાં સામાજિક એકતા માટે બધાને એકત્ર કરીને ગાંધીનગરમાં પોતાની કુનેહનો પરિચય કરાવ્યો હતો. ત્યાથી અખિલ ગુજરાત રાજપૂત સમાજના (ગિરાસદાર દરબારો સિવાય) સર્વસમંત પ્રમુખ તરીકે લાંબા સમય સુધી કાર્યરત રહ્યા હતા.
કાર્યકર તરીકેની તેમની ફરજ બજાવવામાં તેમણે અનેક કડવા ઘુટડા ગળીને પણ હરહમેશ પક્ષને જ પ્રાધાન્ય આપ્યું હતું અને તેનો એક જ દાખલો બસ છે કે તેમના માતુશ્રીનું અવશાન થયું ત્યારે તેઓશ્રી પાર્ટીએ સોપેલ એક પ્રતિષ્ઠાભર્યા જંગમાં પોરબંદરમાં હતા તેમની ખબર તેમણે ત્રણ દિવસ પછી આપવામાં આવી હતી આ પ્રસંગ અતિ કરૂણ હતો તેટલો જ ઉચકર્તવ્ય નિષ્ઠા ની સાબિતી હતી.
સ્વર્ગસ્થ ભાઈશ્રી સરમણભાઇ મારૂએ તેમને વિના મૂલ્યે જમીન આપી અને તેના પર શ્રી પઢિયારે શ્રી દાદભાઈ માટે એક નાનું એવું ઘર વસાવ્યું તેવી જ રીતે તબલા અને ઢોલક વાદનના બેતાજ બાદશાહ એવા હાજીરમકડાંને પણ તેના મકાનની વ્યવસ્થા માટે સૌનો સાથ લઈને રૂપિયા ૫,૫૧,૦૦૦ ની થેલી પરમ પૂજ્ય રાષ્ટ્રીય સંતશ્રી મોરારીબાપુના હસ્તે અર્પણ કરવી હતી જે આજ સુધીની સૌથી મોટી રકમ હતી.
સ્વ. શ્રી નારસીહભાઇ બાળપણથી જ એટલે કે ૬ ડિસેમ્બર ૧૯૪૫થી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર હતા અને પૂરે પૂરા હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાના ચુસ્ત વિચારક રહ્યા હતા ગૌ સેવામાં પણ તેમનું યોગદાન રહ્યું છે રાજકારણ અને સમાજકારણ કરતાં કરતાં તેઓશ્રી પોતાના નિજાનંદ માટે લોકસાહિત્ય દુહા છંદ પ્રાચીન ભજનો અને રાષ્ટ્ર જાગરણના ગીતોમાં ઊંડી દિલચપસી ધરાવતા હતા અને સાથે ગાતા પણ હતા.
સ્વ. શ્રી નારસીહભાઇ એ ૧૯૯૧ થી ૧૯૯૯ માં બે વખત હ્રદયની બાયપાસ સર્જરી અને એક એંજિઓપ્લાસ્ટી કરાવેલ હતી છતાં પણ તેમનો જોમ જુસ્સો છેલ્લી ઘડી સુધી યુવાનોને શરમાવે તેવો હતો. તેમનું ભાષણ પણ જુસ્સાદાર અને તથ્ય આધારિત રહેતું અને આટલી મોટી ઉમરે કોઈપણ અન્યાય કે સંઘર્ષના પ્રસંગે હિમ્મતપૂર્વક આગેવાની લેતા હતા.
કાશ્મીરના લાલ ચોકમાં આતંકવાદી રાષ્ટ્રધ્વજ ફરકાવવા દેતા ના હતા ત્યારે ભાજપાના રાષ્ટ્રીય નેતા માનનીય શ્રી મુરલી મનોહર જોશીજીની આગેવાનીમાં જે એકતા યાત્રા નિકળી હતી અને જેનું સંચાલન તે વખતે હાલના આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે તેઓ અને તેમના સંતાનો ભાઈ શ્રી યોગીભાઈ અને બહેન શ્રી ગીતાબેને પણ ભાગ લીધો હતો. આવી બહુવિધ પ્રવૃતિઓમાં સતત કાર્યશીલ રહીને પોતાના ભાતીગળ જીવનની અમીટછાપ તેમણે સમાજમાં જ્ઞાતિમાં અને રાજકીય ક્ષેત્રે ઉપસાવી હતી.
સ્વ. શ્રી નારસીહભાઇની સામાજિક અને ધાર્મિક વૃતિ પ્રવૃતિને કારણે છેલ્લા વર્ષોમાં તેઓશ્રી અને તેમનો સમગ્ર પરિવાર પરમ પૂજ્ય સ્વામિશ્રી સંપૂર્ણાનંદ બાપુ (મૌની બાપુ) સાથે કેળવાયા અને પૂજ્ય બાપુના આશીર્વાદ આ પરિવાર ઉપર સતત વરસતા જ રહ્યા નારસીહભાઇએ જુનાગઢમાં શ્રી બાપુ ની ૧૦૦મી જન્મ જયંતિ અને ગુરુ પુર્ણિમા જેવા મોટા બે કાર્યક્રમો શ્રદ્ધા ભક્તિ અને ભાવનાથી સમગ્ર ગુજરાતમાથી પૂજ્ય બાપુ ના સેવકગણને આમંત્રી ને દબદબાભેર ઉજવ્યા હતા.
શ્રી ધનજીભાઇના શંકરદાનજી સાથેના ગાઢ પરિચયના સંસ્કારો શ્રી નારસીહભાઇમાં પણ ઉતર્યા હતા અને તેઓ પણ પોતાના છેલ્લા શ્વાશ સુધી ચારણ, ગઢવી બારોટો અને સાહિત્યકારો સાથે નજીકના સબંધો ધરાવતા હતા. અને લોકસાહિત્યની યથાશક્તિ સેવા કરતાં રહેતા હતા તે જ સંસ્કારો તેમના જયેષ્ઠ સુપુત્ર ભાઈ શ્રી મહેન્દ્રસિહ માં ઉતર્યા છે અને કવિ શ્રી ઙ્કમરમીઙ્ઘ ના નામે શ્રી મહેન્દ્રસિહ સારી ગજલો લખી રહ્યા છે. અંત માં શ્રી નારસીહભાઇ પઢિયારના આવા બધા સબંધોને એક વાક્યમાં કહેવા હોય તો કહી સકાય કે.....
કરણ પથારીએ ઇ ભણ્યો, સુણો સપૂતા,
છીપ ભરાવી સમુંદરા, ચારણ રાજપૂતા..........''
આઠમી પુણ્યતિથિ નિમિત્તે ૩ જુલાઈ શુક્રવાર સવારે ૧૦ થી ૧ રેડ કોર્સ સોસાયટી હોય આઝાદ ચોક જુનાગઢ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખવામાં આવેલ
(પુત્ર મહેન્દ્રસિંહ પઢિયાર (મો.૯૪૨૭૧ ૮૩૩૦૫),
યોગેન્દ્રસિંહ પઢિયાર (મો.૯૪૨૭૫ ૦૧૦૯૯)
નરેન્દ્રસિંહ પઢિયાર (મો.૯૯૨૫૦ ૩૭૨૯૧)
સંકલન
નીલદીપભાઈ ભટ્ટી
જયેશભાઈ સંઘાણી

(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
