તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
૧૪ થી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન યોજાનાર વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળાના આયોજન અર્થે જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ : મેળાને સાચા અર્થમાં ‘લોકમેળો’ બનાવવા વહીવટી તંત્ર સજ્જ : લોકોની સુરક્ષા, સ્વચ્છતા અને પ્રાથમિક સુવિધાઓને અગ્રતા આપવા તમામ વિભાગોને જિલ્લા કલેક્ટરની તાકીદ
તરણેતર ખાતે કુંડ અને તળાવ ફરતે બચાવ કામગીરી માટે તરવૈયાઓ તૈનાત રાખવા. કોઈપણ જાતનો અકસ્માત નિવારી શકાય તે માટે એમ્યુઝમેન્ટ રાઈડ્સની ચકાસણી અને મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી : સુરક્ષામાં કોઈ ચૂક ન થાય તેની તકેદારી રાખવા તમામ વિભાગોને તાકીદ

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૨૯ : સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે દર વર્ષે વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આગામી તા. ૧૪ થી ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન આ લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. આ મેળાના સુચારુ અને સફળ આયોજન માટે ચોટીલા પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ મેળાની તૈયારીઓ વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ જણાવ્યું હતું કે, તરણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે અને તેમાં આવતા લોકોને કોઈપણ જાતની અગવડ ન પડે તે માટે દરેક વિભાગના અધિકારીઓએ પરસ્પર સંકલન સાધીને કાર્ય કરવાનું રહેશે. મેળામાં રસ્તા, પાર્કિંગ, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય સુવિધાઓ, એમ્બ્યુલન્સ, પીવાનું પાણી અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ સઘન બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તળાવ અને મેળાના મેદાનની સફાઈ, સ્ટેજ રીનોવેશન, વિવિધ સ્પર્ધાઓનું આયોજન, ગ્રામીણ ઓલિમ્પિક્સ, પશુ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વાગત વ્યવસ્થા વગેરે બાબતો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
મેળામાં આવતા લોકોની સુરક્ષા અને સલામતી વિશે ચર્ચા કરતાં વધુમાં જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ
ઉમેર્યું હતું કે, તરણેતર ખાતે કુંડ અને તળાવ ફરતે બચાવ કામગીરી માટે તરવૈયાઓ તૈનાત રાખવા. કોઈપણ જાતનો અકસ્માત નિવારી શકાય તે માટે એમ્યુઝમેન્ટ રાઈડ્સની ચકાસણી અને મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી તેમજ સુરક્ષામાં કોઈ ચૂક ન થાય તેની તકેદારી રાખવા તમામ વિભાગોને તાકીદ કરી હતી.
આ સાથે આપત્તિ વ્યવસ્થાપન, સંચાર વ્યવસ્થા જાળવવા માટે હંગામી મોબાઈલ ટાવરની વ્યવસ્થા, યોગ્ય સાઈનેજ બોર્ડ, બસની સુવિધા અને ટેન્ટ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જણાવાયું હતું. સમગ્ર મેળા દરમિયાન વીજપુરવઠો સાતત્યપૂર્ણ જળવાઈ રહે તે માટે પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને ખાસ તાકીદ કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ભાવેશ દવે, ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
