<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

કોંગ્રેસ, ટીએમસી સહિત વિપક્ષી દળોએ મહિલા આરક્ષણ બિલને ખોરંભે ચડાવ્‍યું: પૂનમબેન માડમ

ભારતની નારી શક્‍તિની ઉડાનને રોકવામાં આવી છે અને તેના સપનાઓને બેરહેમીથી કુચલવામાં આવ્‍યા છેઃ નારી શક્‍તિ સંશોધન બિલ ૨૦૨૬ અંતર્ગત જામનગર શહેર ભાજપ દ્વારા પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૨: નારી શક્‍તિ સંશોધન બિલ ૨૦૨૬ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા પ્રેસ કોન્‍ફરન્‍સ યોજવામાં આવી હતી. આ પ્રસંગે જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમે કોંગ્રેસ, ટી.એમ.સી. સહિત વિપક્ષી દળોની મહિલા આરક્ષણ વિરોધી માનસિકતા વિશે ઉદબોધન કર્યું હતું.

સાંસદ પૂનમબેન માડમે જણાવ્‍યું કે ભારતમાં મહિલા આરક્ષણ બિલ, નારી શક્‍તિ સંશોધન બિલ ૨૦૨૬ સંસદમાં મુકવામાં આવેલ હતું. કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ આ બિલના વિરુદ્ધમાં નિર્ણય આપી મહિલા આરક્ષણ બિલને ફરી એકવાર ખોરંભે ચડાવેલ છે. ભારતની નારી શક્‍તિની ઉડાનને રોકવામાં આવી છે અને તેના સપનાઓને બેરહેમીથી કુચલવામાં આવ્‍યા છે.

તેમણે ઉમેર્યું કે સરકારના ભરપૂર પ્રયાસો છતાં નારી શક્‍તિ અધિનિયમમાં સંશોધન શકય ન બન્‍યું. સરકાર માટે દેશ હિત સર્વોપરી છે, પણ અમુક પક્ષ માટે દલ-હિત દેશથી મોટું બની જાય છે ત્‍યારે નારી શક્‍તિએ તેનું નુકશાન વેઠવું પડે છે. કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી અને સમાજવાદી પાર્ટી જેવા દળો પોતાનું સ્‍વાર્થ સાધતા દેશની નારી શક્‍તિને નુકસાન થયું છે.

સાંસદશ્રીએ જણાવ્‍યું કે દેશની કરોડો મહિલાની નજર આ બિલ ઉપર હતી. જ્‍યારે આ નારી હિતનો પ્રસ્‍તાવ ખારીજ થયો ત્‍યારે વિરોધી દળો ખુશી વ્‍યક્‍ત કરી રહ્યા હતા. મહિલાના અધિકાર ઝૂંટવીને તેઓ ખુશ થઇ રહ્યા હતા. નારી શક્‍તિના આત્‍મસન્‍માનને ઠેસ પહોંચાડવામાં આવી છે. ભારતીય નારી પોતાનું અપમાન કયારેય નહીં ભૂલે.

તેમણે કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ નારી શક્‍તિ વંદન અધિનિયમ સુધારા બિલના અમલ માટે સંસદનું વિશેષ સત્ર પણ બોલાવ્‍યું હતું. પરંતુ કોંગ્રેસ અને ઈન્‍ડી ગઠબંધનના પક્ષોની નારી શક્‍તિ વિરોધી માનસિકતાને કારણે આ સુધારા બિલ પસાર થઈ શકયું નહિ. આ બિલ માત્ર એક કાયદો નહોતો, પરંતુ દેશની અડધો અડધ વસ્‍તીનું પ્રતિનિધિત્‍વ કરતી નારીશક્‍તિને સત્તામાં ૩૩ ટકા અનામત આપીને તેમના સશક્‍તિકરણ તરફનું એક નક્કર કદમ હતું.

સાંસદશ્રીએ ઉમેર્યું કે કોંગ્રેસે હંમેશા આરક્ષણને રોકવા ષડયંત્રો કર્યા છે. જેટલી વાર પ્રયાસ થાય કોંગ્રેસે રોડા નાખવાના પ્રયાસ કર્યો છે. કોંગ્રેસનો સાચો ચહેરો સામે આવી ગયો છે. દેશની કરોડો બહેનોના આશીર્વાદ શ્રી મોદી સાહેબ સાથે છે અને હંમેશા રહેશે. મહિલાઓના હિતોને અવગણવાની કોંગ્રેસની જૂની આદત છે. નારી સશક્‍તિકરણનો વિરોધ કરનારાઓને હવેની ચૂંટણીઓમાં દેશની નારી શક્‍તિ જડબાતોડ જવાબ આપી દેશે.

આ પ્રેસ કોન્‍ફરન્‍સમાં શહેર અધ્‍યક્ષ બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્‍ય દિવ્‍યેશ અકબરી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્‍મર, મળગેશ દવે, મહિલા અધ્‍યક્ષ દક્ષાબેન અગ્રાવત, મહિલા મોરચા મહામંત્રી નિકિતા કુંવારીયા, અવનીબેન ત્રિવેદી, મીડિયા વિભાગ ઇન્‍ચાર્જ ભાર્ગવ ઠાકર, સહ ઇન્‍ચાર્જ નિકુલદાન ગઢવી, રમેશ રૂપારેલ, વ્‍યવસ્‍થાપન સમિતિના અશોકભાઈ વશીયર, સંજય મકવાણા, ચંદ્રવદન ત્રિવેદી, આશિષ ખાખરીયા ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:04 AM IST)