તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
ગીરના જંગલમાં માત્ર એક હરિદાસબાપુએ કર્યું મતદાન: બાપુએ મત આપતાની સાથે જ બૂથનું મતદાન 100 ટકા
ચૂંટણી તંત્રે જામવાળા ગીરથી 25 કિમી દૂર જંગલમાં ખાસ બૂથ બનાવ્યું:બાણેજમાં એકમાત્ર મતદાર માટે આખી ચૂંટણી ટીમ જંગલ મધ્યે તૈનાત કરાઈ

ભારતની લોકશાહીની સુંદરતા તેના છેવાડાના માનવી સુધી પહોંચવાના પ્રયાસોમાં છે. ગીરના ઘનઘોર જંગલ મધ્યે આવેલ બાણેજ ખાતે ફરી એકવાર ઇતિહાસ રચાયો છે. અહીં માત્ર એક જ મતદાર માટે આખું મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું હતું. મહંત હરિદાસ બાપુએ પોતાનો કિંમતી મત આપતાની સાથે જ આ બૂથ પર સો ટકા મતદાન નોંધાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષો સુધી આ બૂથ પર સ્વ. ભરતદાસ બાપુ એકમાત્ર મતદાર તરીકે ઓળખાતા હતા. સમગ્ર વિશ્વમાં આ બૂથ 'સિંગલ વોટર બૂથ' તરીકે પ્રખ્યાત છે. ભરતદાસ બાપુના બ્રહ્મલીન થયા બાદ, તેમના શિષ્ય હરિદાસ બાપુએ આ પરંપરાને અતૂટ રાખી છે. ગીર સોમનાથ વહીવટી તંત્ર દ્વારા બાપુના મતાધિકાર માટે જામવાળા ગીરથી અંદાજે 25 કિલોમીટર દૂર જંગલની અંદર ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
એશિયાટિક લાયન્સના રહેઠાણ સમાન ગીરના જંગલમાં જ્યાં સામાન્ય રીતે જવું મુશ્કેલ હોય છે, ત્યાં ચૂંટણી પંચની ટીમ ખાસ બાપુનો મત લેવા પહોંચી હતી. હરિદાસ બાપુએ મતદાન બાદ લોકશાહીના પર્વની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, સરકારે માત્ર એક વ્યક્તિ માટે જે વ્યવસ્થા કરી છે તે સાબિત કરે છે કે લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય સમાન છે. તેમણે તમામ નાગરિકોને મતદાનની અપીલ પણ કરી હતી.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
