<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં કુલ 34 જેટલી રાઇડ્સમાંથી માત્ર 8 જ રાઇડર્સને મંજૂરી: પ્રથમ દિવસે મેળાની એક લાખ લોકોએ લીધી મુલાકાત

રાઇડ્સ શરૂ ન થવાથી મુલાકાતીઓમાં ભારે નારાજગી વ્યાપી: રાઇડર્સ વગર મેળાની ખરી રોનક પણ ફીકી પડી ગઈ

રાજકોટના સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં રાઇડ્સની મંજૂરી બાબતે હજુ પણ ભારે અસમંજસની સ્થિતિ યથાવત રહી છે. મેળામાં કુલ 34 જેટલી રાઇડ્સમાંથી માત્ર 8 જ રાઇડર્સને મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે રાઇડ્સ શરૂ ન થવાથી મુલાકાતીઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે અને રાઇડર્સ વગર મેળાની ખરી રોનક પણ ફીકી પડી ગઈ છે.

 

જોકે, આ બધી અડચણો વચ્ચે પણ મેળાના પ્રથમ દિવસે જ આશરે 1 લાખ જેટલા લોકોએ મેળાની મુલાકાત લઈને ઉત્સાહ બતાવ્યો હતો. તંત્ર દ્વારા આજે સાંજ સુધીમાં બાકીના રાઇડર્સને મંજૂરી અપાવાની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને તે માટેની તમામ કાર્યવાહી આજે પૂર્ણ કરી દેવામાં આવશે.

 

આ ઉપરાંત, લોકમેળામાં બીજા દિવસે પણ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લોકમેળામાં આરોગ્ય વિભાગે વિવિધ ખાણીપીણીના સ્ટોલ્સ પર અચાનક દરોડા પાડીને ગંભીર તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન કેટલાક સ્ટોલ્સ પર ખાણીપીણીની ચીજવસ્તુઓમાં દાઝિયું તેલ ઉપયોગમાં લેવાતું હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.

 

મેળામાં આવતા અસંખ્ય નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા જવાબદાર વેપારીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પ્રથમ દિવસે મેળામાં લોકોની ભીડ જોવા મળી હતી, પરંતુ રાઇડ્સ ચાલુ ન હોવાના કારણે લોકોમાં થોડો નિરાશાનો સુર પણ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા આજ સાંજ સુધીમાં મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાતા આગામી દિવસોમાં મેળાની રોનક વધુ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાણીપીણીમાં અનિયમિતતા સામે આવતા ખાદ્ય સુરક્ષાને લઈને પણ કડક પગલાં લેવાઈ રહ્યા છે.

(1:35 PM IST)