તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Sunday, 8th November 2026
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઓનલાઈન લક્ષ્મી મહાપૂજા યોજાઈ :હજારો પરિવારોએ ઘરે બેઠા ભાગ લઈ ધન્યતા અનુભવી
વિશેષ મહાપૂજાના માધ્યમથી 'જય સોમનાથ'નો જયઘોષ માત્ર ભારતભરમાં જ નહીં, પરંતુ સાત સમંદર પાર અમેરિકા સુધી ગુંજી ઊઠ્યો

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં દીપાવલીના પવિત્ર પર્વ નિમિત્તે ઓનલાઈન લક્ષ્મી મહાપૂજાનું અત્યંત ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ મહાપૂજાના માધ્યમથી 'જય સોમનાથ'નો જયઘોષ માત્ર ભારતભરમાં જ નહીં, પરંતુ સાત સમંદર પાર અમેરિકા સુધી ગુંજી ઊઠ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ડિજિટલ પૂજનમાં હજારો પરિવારોએ ઘરે બેઠા ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.
દીપાવલીના શુભ અવસરે આયોજિત આ ઓનલાઈન ગણેશ-લક્ષ્મી પૂજનમાં દેશના ૨૧ રાજ્યો, 4 કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ અમેરિકાના વર્જિનિયાથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા. સોમનાથ મંદિરના વિદ્વાન પંડિતો અને ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આ પૂજન વિધિ સંપન્ન કરાવવામાં આવી હતી.
પૂજા દરમિયાન લેખની, શ્રી યંત્ર, માતા લક્ષ્મીજી, વિઘ્નહર્તા ગણેશજી તેમજ નૂતન વર્ષના રોજમેળનું વિધિવત પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. વતનથી હજારો કિલોમીટર દૂર વિદેશમાં કે અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતી પરિવારો અને ખાસ કરીને યુવા પેઢી માટે આ આયોજન સોમનાથ મહાદેવ સાથે સીધા જોડાવાનો એક અદભુત આધ્યાત્મિક અવસર બની રહ્યો હતો.
નોંધનીય છે કે, શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ટેક્નોલૉજીના માધ્યમથી આવા ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવે છે. આ ઓનલાઈન પૂજન બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પૂજામાં રાખવામાં આવેલ અભિમંત્રિત શ્રી યંત્ર, રક્ષાસૂત્ર, પવિત્ર ભસ્મ અને રુદ્રાક્ષ સહિતની વિશેષ પ્રસાદી તમામ સહભાગી ભક્તોને તેમના ઘરે કુરિયર કે ટપાલ મારફતે મોકલવામાં આવશે.
આજના આધુનિક યુગમાં ટેક્નોલૉજીનો સદુપયોગ કરીને ભારતીય સંસ્કૃતિ, વૈદિક વિરાસત અને સનાતન પરંપરાનો વૈશ્વિક સ્તરે પ્રસાર કરવાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. આ આયોજનથી વિશ્વભરમાં વસતા સોમનાથ મહાદેવના ભક્તોમાં ભારે ઉત્સાહ અને હર્ષની લાગણી જોવા મળી હતી.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
