<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

મોરબીના જેતપર ગામે ખેડૂતોના પ્રશ્ને ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનને ગ્રામીણ વિસ્તારોમાંથી મળ્યું વ્યાપક સમર્થન : અનેક ગામના ખેડૂતો ભવ્ય અશ્વ રેલી યોજી છાવણીએ પહોંચ્યા : જુઓ વિડીયો

અમેરિકાના મિનેસોટાથી ચંદુભાઈએ વીડિયો સંદેશ મોકલીને જેતપર પંથકની લડતને આપ્યો ટેકો : વીજ કંપની સામે શરૂ થયેલા આ ખેડૂત આંદોલનની ગૂંજ હવે છેક વિદેશ સુધી પહોંચી

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી : મોરબીના જેતપર ગામે ખેડૂત ક્રાંતિ સંગઠન દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ચલાવવામાં આવી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી ભારે જનસમર્થન સાંપડી રહ્યું છે. આ કડીમાં આજે સાંજના સમયે આસપાસના શાપર, રંગપર, વાઘરવા અને જીવાપર સહિતના વિવિધ ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના અશ્વો પર સવાર થઈને એકત્રિત થયા હતા. આ તમામ ખેડૂતો ઘોડા પર સવાર થઈને એક ભવ્ય અને અનોખી અશ્વ રેલી સ્વરૂપે જેતપર ખાતે કાર્યરત ખેડૂત આંદોલનની છાવણીએ પહોંચ્યા હતા અને આંદોલનને પોતાનું સક્રિય સમર્થન જાહેર કર્યું હતું.

**ખેડૂત એકતાના નારાઓથી ગુંજી ઉઠ્યું વાતાવરણ:**
શાપર, રંગપર, વાઘરવા અને જીવાપર ગામના ખેડૂતોની આ શૌર્યસભર અશ્વ રેલીનું જ્યારે જેતપર ગામમાં આગમન થયું ત્યારે સમગ્ર વાતાવરણ ખેડૂત એકતા જિંદાબાદના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ઘોડેસવારી કરીને આવેલા આ ખેડૂતોએ આંદોલન છાવણી ખાતે ભૂખ હડતાળ અને ઉપવાસ પર બેઠેલા આંદોલનકારીઓની મુલાકાત લીધી હતી અને તેમનો ઉત્સાહ વધારીને આ લડતમાં આખરી શ્વાસ સુધી સાથે રહેવાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. ગ્રામ્ય પંથકોમાંથી મળી રહેલા આવા અનોખા અને મજબૂત સમર્થનના પગલે ખેડૂત આંદોલનમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. જે પ્રકારે ખેડૂતોનું એકત્રીકરણ વધી રહ્યું છે તે જોતા આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર અને મજબૂત બને તેવા સંકેતો મળી રહ્યા છે.

**સાત સમુદ્ર પાર અમેરિકા સુધી પહોંચ્યો આંદોલનનો પડઘો:**
મોરબીના જેતપર પંથકમાં વીજ કંપની સામે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલા આ ખેડૂત ક્રાંતિ આંદોલનની ગૂંજ હવે માત્ર સ્થાનિક સ્તરે જ સીમિત નથી રહી, પરંતુ તેનો પડઘો છેક સાત સમુદ્ર પાર વિદેશ સુધી પણ પહોંચી ગયો છે. ખેડૂતોની આ ન્યાયી લડતને હવે વિદેશમાં વસતા એનઆરઆઈ (પ્રવાસી ભારતીયો) તરફથી પણ વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.

અમેરિકાના મિનેસોટા સ્ટેટમાં સ્થાયી થયેલા ચંદુભાઈએ જેતપર ખાતે ચાલી રહેલા આ ખેડૂત આંદોલનના સમર્થનમાં ત્યાંથી એક ખાસ વીડિયો સંદેશ મોકલ્યો છે. તેમણે આ વીડિયો સંદેશ તેમના મિત્ર અને જેતપરના સ્થાનિક અગ્રણી એવા હિતેશ અધારાને મોકલીને ખેડૂતોની લડત સાથે પોતાની એકતા પ્રદર્શિત કરી છે. ચંદુભાઈએ આ વીડિયોના માધ્યમથી વિદેશની ધરતી પરથી જણાવ્યું છે કે, ગુજરાતના ખેડૂતોને તેમના હક્કનો પૂરો ન્યાય મળે અને તેમનું આ આંદોલન સંપૂર્ણપણે સફળ થાય તે માટે તેઓ છેક અમેરિકામાં રહીને પણ આ લડતને પોતાનો પૂરો ટેકો જાહેર કરે છે. આમ, વિદેશમાંથી મળેલા આ ડિજિટલ સમર્થનથી આંદોલનકારીઓનો જુસ્સો બમણો થયો છે.

(9:54 PM IST)