તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
ગીર સોમનાથમાં વીજળી પડતા એકનું મોત નિપજ્યું: સૌરાષ્ટ્રના ૫ જિલ્લામાં ધોધમાર વરસાદઃ
બળેલ પીપરીયામાં ૧ કલાકમાં ૫ ઈંચ વરસાદ ખાબક્યો, ખેતીપાકને નવું જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર

ગીર સોમનાથ: સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર અને પોરબંદર સહિતના જિલ્લાઓના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાર્વત્રિક ધોધમાર વરસાદ નોંધાયો હતો. લાંબા વિરામ બાદ આવેલા આ સારા વરસાદને પગલે મગફળી, કપાસ અને સોયાબીન જેવા ખરીફ પાકોને નવું જીવતદાન મળતા ધરતીપુત્રોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે.
અમરેલી જિલ્લામાં બપોર પછી અનરાધાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને બાબરા તાલુકાના બળેલ પીપરીયા ગામમાં માત્ર ૧ કલાકમાં જ ૫ ઈંચ જેટલો સાંબેલાધાર વરસાદ ખાબકતાં ગામના મુખ્ય રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને ગામનું તળાવ પણ ઓવરફ્લો થઈ ગયું હતું. અમરેલી શહેરના બ્રાહ્મણ સોસાયટી, હાઉસિંગ બોર્ડ અને નાગનાથ વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. સાવરકુંડલા પંથકના ધોબા, પીપરડી અને ભમોદરા જેવા ગામોમાં સતત ૩ દિવસથી વરસાદ ચાલુ છે. જાફરાબાદના કોસ્ટલ બેલ્ટમાં ભારે વરસાદના કારણે મુખ્ય બજારો જાણે સ્વિમિંગપુલમાં ફેરવાઈ ગઈ હતી, જ્યારે બગસરા અને ધારીના ગ્રામ્ય પંથકોમાં પણ ધોધમાર વરસાદ પડતાં ખેતરો પાણીથી તરબોળ થયા હતા.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જૂનાગઢ શહેરમાં ૧.૬૧ ઈંચ જેટલો વરસાદ પડતાં મધુરમ, વૃંદાવન સોસાયટી, ભવનાથ, આઝાદ ચોક અને સરદાર બાગ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઝાંઝરડા તરફ જતા ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો અને એક બોલેરો કાર પણ ફસાઈ ગઈ હતી.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
