<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડા દ્વારા વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમો

કચ્છના દિવ્યાંગજનોના સશક્તિકરણ, ટીબી મુક્ત કચ્છ અભિયાન, વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને સંશોધનના પ્રોત્સાહન માટેના કાર્યક્રમોનું આયોજન કરાયુ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૯ : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા યોજાયેલા વિવિધ કાર્યક્રમો વિજ્ઞાન અને સંશોધનને પ્રોત્સાહન, દિવ્યાંગજનોને સશક્તિકરણ અને ટી.બી.મુક્ત કચ્છ માટે આરોગ્યલક્ષી જનસેવા—એવા ત્રણ મહત્વપૂર્ણ ક્ષેત્રોને કેન્દ્રસ્થાને રાખીને સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

 

સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગોને વિકાસની મુખ્યધારામાં જોડવા અને “સેવા, સંકલ્પ અને સશક્તિકરણ” ના ભાવ સાથે કચ્છના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવાનો છે.

​આંબેડકર ભવન, હોસ્પિટલ રોડ, ભુજ ખાતે દિવ્યાંગમિત્રોને સાધન સહાય ઉપલબ્ધ કરાવવાના હેતુસર “દિવ્યાંગ લાભાર્થી મેળા” નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત વિવિધ દિવ્યાંગ લાભાર્થીઓને તેમની જરૂરિયાત અનુસાર સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રાય સાયકલ, વ્હીલ ચેર, બગલ ગોડી, હિયરિંગ મશીન, વોકર, બ્લાઇન્ડ સ્ટીક ફોર સ્ટીક લાકડી દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવા, તેમની રોજિંદી જીવનપ્રવૃત્તિઓ સરળ બને તથા તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં વધુ સક્રિય રીતે જોડાઈ શકે તે હેતુથી આ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સહાય અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા, દિવ્યાંગો ને  મુસાફરી માટે ફ્રી બસ પાસ આપવામાં આવ્યા હતા. દિવ્યાંગમિત્રો માટે “દિવ્યાંગ લાભાર્થી મેળો” યોજાયો.

 “ટી.બી.મુક્ત કચ્છ અભિયાન” અંતર્ગત ટી.બી. દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું ટી.બી.હોસ્પિટલ ગ્રાઉન્ડ, કેમ્પ એરીયા, ભુજ ખાતે “ટી.બી.મુક્ત કચ્છ અભિયાન” અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના તમામ ટી.બી. દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટી.બી.ની સારવાર દરમિયાન દર્દીઓના પોષણ અને આરોગ્યની સ્થિતિ મજબૂત રહે તે માટે પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. ટી.બી. સામેની લડતમાં માત્ર દવાઓ જ નહીં પરંતુ યોગ્ય પોષણ, નિયમિત સારવાર અને સમાજના સહયોગનું પણ મહત્વ છે, તે અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટી.બી.મુક્ત કચ્છના સંકલ્પને સાકાર કરવા માટે દરેક વ્યક્તિ, પરિવાર અને સમાજે સાથે મળીને પ્રયાસ કરવા તથા ટી.બી.ના દર્દીઓને સારવાર દરમિયાન જરૂરી સહયોગ અને પોષણ મળી રહે તે માટે સંવેદનશીલ અભિગમ અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ભુજના રિજનલ સાયન્સ સેન્ટર મધ્યે નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST), રિજનલ સાયન્સ સેન્ટર-ભુજ, કચ્છમિત્ર જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-ભુજ અને કચ્છ લોકસભા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવી પેઢીને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ સેમિનારમાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા, સંશોધનવૃત્તિ અને નવીન વિચારસરણીને પ્રોત્સાહન મળે તેવા વિવિધ વિષયો અંગે માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી. બાળકોને વિજ્ઞાનને માત્ર વિષય તરીકે નહીં પરંતુ જીવન અને રાષ્ટ્રના વિકાસ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ ક્ષેત્ર તરીકે સમજાવવા માટે પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમ સાંસદશ્રીએ જણાવ્યું હતું.

 આ કાર્યક્રમોમાં દેવજીભાઈ વરચંદ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ,  પ્રભાબેન હુણ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ મહામંત્રી સર્વશ્રી ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોલ, ભીમજીભાઈ જોધાણી તથા રિજનલ સાયન્સ સેન્ટર ડાયરેકટર વિરલભાઈ પરમાર, ખગોળ વૈજ્ઞાનિક ડો. જે. જે. રાવલ, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર પ્રવીણભાઈ મહેશ્વરી, તુષારભાઈ હાથી, ગૌતમભાઈ બૂચીયા, રિજનલ સાયન્સ સેન્ટરના આરતીબેન આર્ય તથા સર્વશ્રી દેવરાજભાઈ ગઢવી, કમલભાઈ ગઢવી, મિતભાઈ ઠક્કર, રીતેનભાઈ ગોર, મોહનભાઇ ચાવડા, નરેશભાઇ મહેશ્વરી, વિરમભાઇ આહીર, પ્રકાશભાઈ મહેશ્વરી, અશોકભાઇ હાથી, મયુરસિંહ જાડેજા, રવિભાઈ ગરવા, હેમેન્દ્રભાઈ જણસારી, દિનેશભાઇ ઠક્કર, બાલક્રિષ્ન મોતા, યોગેશભાઈ ત્રિવેદી, કિશોરભાઇ મહેશ્વરી, આશિકાબેન ભટ્ટ, વીજુબેન રબારી વિગેરે લોકો હાજર રહ્યા હતા.

(9:58 AM IST)