News of Wednesday, 25th November 2026
દેવ દિવાળીએ ચોટીલામાં શ્રદ્ધાનો મહાકુંભ દરેક પગથિયે ગુંજતો રહ્યો જય ચામુંડા માં નો નાદ
કારતકી પૂર્ણિમાએ એકથી સવા લાખ માઈભક્તોએ કર્યા માં ચામુંડાનાં દર્શનઃ મધરાતે ૧:૩૦ વાગ્યે ડુંગરના દ્વાર ખુલ્યા, ૨ વાગ્યે મંગળા આરતી યોજાઇઃ ઉત્તર ગુજરાતના પદયાત્રી સંઘો માતાજીના રથ અને ધજાઓ સાથે ચોટીલા ઉમટયાઃ તળેટીમાં આખી રાત નવરાત્રી જેવો ભક્તિમય માહોલ જામ્યો

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.૨૫: યાત્રાધામ ચોટીલા ખાતે દેવ દિવાળી અને કારતકી પૂર્ણિમાના પાવન પર્વે સુપ્રસિદ્ધ શ્રી ચામુંડા માતાજીના ડુંગર મંદિરે શ્રદ્ધા અને ભક્તિનો અદભુત માહોલ સર્જાયો હતો. સોમવારની સાંજથી મંગળવારની રાત્રી સુધી માઈભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. અંદાજે એકથી સવા લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માં ચામુંડાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
કારતકી પૂનમ નિમિત્તે મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પદયાત્રી સંઘો માતાજીના સુશોભિત રથ અને વિશાળ ધજાઓ સાથે આગલા દિવસે જ ચોટીલા આવી પહોંચ્યા હતા. પદયાત્રાના અંતિમ પડાવ સમાન માતાજીની તળેટીમાં સંઘોનું આગમન થતાં જાણે નવરાત્રી જેવો ભક્તિમય માહોલ છવાયો હતો.
માતાજીના જયઘોષ, ડીજેના તાલે રમાતા ગરબા અને ધર્મધજાઓ સાથે રથયાત્રાના આગમનથી સમગ્ર તળેટી વિસ્તાર આખી રાત ધમધમતો રહ્યો હતો. પરંપરાગત રીતે વર્ષોથી પદયાત્રા કરતા સંઘોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી પોતાની પદયાત્રા પૂર્ણ કરી હતી.
ભાવિકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ડુંગર ટ્રસ્ટ દ્વારા દર્શન વ્યવસ્થાના ભાગરૂપે મધરાતે ૧:૩૦ કલાકે ડુંગર મંદિરના પગથિયાંના દ્વાર ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ વહેલી સવારે ૨: ૦૦ કલાકે માતાજીની પ્રથમ આરતી યોજાઈ હતી. આરતીના દર્શન માટે પણ મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા.
દેવ દિવાળીના પવિત્ર પર્વે ચામુંડા ચોકડીથી હાઈવે માર્ગ સુધી યાત્રિકોની ભારે અવરજવર જોવા મળી હતી. સોમવારની સાંજથી મંગળવારની રાત્રી સુધી દર્શનાર્થીઓનો પ્રવાહ સતત ચાલુ રહેતા સમગ્ર ચોટીલા પંથક ભક્તિમય બન્યો હતો. (તસવીરઃ હેમલ શાહ)
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
