<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

સાળંગપુરમાં શ્રાવણના અંતિમ શનિવારે શ્રીકષ્ટભંજનદેવને ૧૦૦૮ અવનવી વાનગીઓનો મહાઅન્નકૂટ અર્પણ કરાયો

મયૂરાકાર સિલ્વર ડાયમંડ મુકુટ અને દિવ્ય શણગાર સાથે સુંદર ફૂલોની સજાવટે ભક્તોમાં ભારે આસ્થા જગાવી, વિશાળ સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો

સાળંગપુર :શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે પવિત્ર શ્રાવણ માસના અંતિમ શનિવારે તા. ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ૧૦૦૮ મીઠાઈ એવં વાનગીઓનો ભવ્ય મહાઅન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેમાં સવારે ૦૫:૩૦ કલાકે મંગળા આરતી અને ૦૭:૦૦ કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી અને બપોરે ૧૧:૧૫ કલાકે મહાઅન્નકૂટની ભવ્ય આરતી સંપન્ન થઈ હતી.

આ વિશેષ અવસર પર શ્રીરામના પરમ ભક્ત એવા દાદાને મયૂરાકાર સિલ્વર ડાયમંડ મુકુટ, ગળામાં સોનાના મણકાવાળા હાર તેમજ 'રામ નામ' અંકિત પીળા, વાદળી અને લાલ રંગની કિનારીવાળા દિવ્ય વાઘાનો અલૌકિક શણગાર કરાયો હતો, જ્યારે ગર્ભગૃહ અને સિંહાસનને સફેદ ફૂલો તથા બંને બાજુએ હરિયાળીથી બનાવેલા બે ભવ્ય મોરની પ્રતિકૃતિઓથી શણગારીને દાદાના દરબારની શોભામાં ચાર ચાંદ લગાવવામાં આવ્યા હતા.

અન્નકૂટ ઉત્સવની વિસ્તૃત વિગતો આપતા મંદિરના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ મહાઅન્નકૂટમાં પરંપરાગત મિઠાઈઓ અને ફરસાણ ઉપરાંત વિવિધ પ્રકારની બેકરી આઈટમ્સ, અવનવા શાકભાજી તેમજ આઈટાલિયન વાનગીઓ સહિત કુલ ૧૦૦૮ પ્રકારની વિશિષ્ટ મિષ્ઠાનો-વાનગીઓ ધરાવવામાં આવી હતી, જેના દિવ્ય દર્શન કરવા તથા મહાપ્રસાદનો લાભ લેવા માટે ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો સાળંગપુરધામ ખાતે ઉમટી પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સાળંગપુરધામમાં દર શનિવારે દિવ્ય અન્નકૂટ દર્શન, દર મંગળવારે સંગીતમય સુંદરકાંડ પાઠ, દૈનિક મારુતિ યજ્ઞ, દર સોમવારે શિવસ્વરૂપ દિવ્ય શણગાર અને શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શન જેવા અનેકધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને દાદાની વિશેષ કૃપા અપાવવામાં મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યા છે.

(12:10 PM IST)