News of Friday, 11th September 2026
શ્રાવણનાં અંતિમ દિવસે ખંભાળીયાના શ્રી રામનાથ મહાદેવ મંદિરે ઘીની મહાપૂજા
શ્રી ખામનાથ મહાદેવ મંદિરે ભસ્મ આરતી દર્શનમાં ભાવિકો જોડાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૧: ખંભાળીયામાં આવેલા ઘીની મહાપૂજા માટે પ્રસિધ્ધ શ્રી ખામનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસની અમાસના ઉજૈન મહાકાલેશ્વરની જેમ ભસ્મ આરતીની વિશેષ પુજા સાથે મહાકાલના દર્શન યોજાય છે. આજે પણ વહેલી સવારે ટ્રસ્ટીઓ અમિત વ્યાસ તથા પ્રતિક જોશી વિ. દ્વારા ભસ્મ આરતીનું આયોજન થયું હતું. જેનો લાભ મોટી સંખ્યામાં વહેલી સવારે ચાર વાગ્યે જોડાઇને ભાવિકોએ લીધો હતો.
ખંભાળીયા તાલુકાના વિસોત્રી સોડસવા પાસે આવેલા પ્રાચીન સ્વયંભૂ શ્રી નાગનાથ મહાદેવ મંદિરે ગઇકાલે શ્રાવણ માસની ચૌદસના રોજ પંચકુંડી લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં.
નાગનાથ મહાદેવ મંદિરે મંદિરના ટ્રસ્ટીઓ તથા હવન સમિતિ દ્વારા સતત ૩૪ વર્ષની પ્રત્યેક શ્રાવણ માસની ચૌદસના દિવસે ભવ્ય યજ્ઞ થાય છે. સવારે શરૂ થયેલ પંચકુંડી યજ્ઞની ૪ાા વાગ્યે બીડું હોમીને પુર્ણાહૂતિ થાય છે તથા તે પછી સમુહ પ્રસાદી થાય છે જેમાં ખંભાળીયા - સલાયા વિસોત્રી તથા આસપાસના ગામોમાંથી હજારો ભકતો પ્રસાદી તથા યજ્ઞમાં જોડાયા હતાં.
પ્રાચીન રામનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસના તેરસ, ચૌદશ અમાસ ઘીની વિશેષ મહાપૂજાના ભવ્ય દર્શન થતાં હોય ગઇકાલે ચૌદશના શ્રી ગંગા અવતરણની સુંદર પૂજાનું આયોજન પુજારી તથા મંદિરના ટ્રસ્ટી જેંતીલાલ મોટાણી દ્વારા કરવામાં આવ્યું હતું તથા સાથે આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં. આજે શ્રાવણ માસનો અંતિમ દિન અમાસ હોય આજે પણ ભવ્ય ઘીની મહાપૂજા સાંજે યોજાનાર છે
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
