તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
મોરબીમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અને ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત મચ્છુ નદી કાંઠે સ્વચ્છતા અભિયાન.
45 લોકોની એક વિશેષ ટીમ 100 દિવસ માટે બોલાવવામાં આવી છે, જે સંપૂર્ણ શહેરને ક્લીન જાહેર કરવા કામ કરશે : મ્યુનિસિપલ કમિશનર.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે '1 કલાક શ્રમદાન’ અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન બેઠા પુલ પાસે કરવામાં આવ્યું હતું. જોકે, વાસ્તવિકતા એ હતી કે બેઠા પુલ પર ગઈકાલ રાતથી જ સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ કરી દેવામાં આવી હતી. માત્ર પુલની બંને બાજુના રોડ પર જ્યાં થોડો ઘણો કચરો હતો, ત્યાં આ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.
આશરે 200 મીટર જેટલા સીમિત વિસ્તારમાં સફાઈ માટે મોરબી મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના બાળકો તેમજ BAPS, ક્લીન અપ મોરબી, લાયનેસ ક્લબ, ઇન્ડિયન લાયન્સ ક્લબ અને રોટરી ક્લબ સહિતની વિવિધ સામાજિક સંસ્થાઓ મળીને 500થી વધુ લોકો એકત્ર થયા હતા. આટલા નાના વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં આ કાર્યક્રમ માત્ર ફોટોસેશન પૂરતો જ મર્યાદિત રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો.
બીજી તરફ, આ મામલે કમિશનરે જણાવ્યું હતું કે, આ સ્થળ ઉપરાંત શહેરના અન્ય 50 સ્થળોએ પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવનાર છે. આ ઉપરાંત 45 લોકોની ખાસ ટીમ પણ બોલાવવામાં આવી છે, જે આગામી 100 દિવસ સુધી શહેરમાં સફાઈ કામગીરી કરશે. હાલ પૂરતો બેઠા પુલ પાસેનો કાર્યક્રમ ફોટોસેશન જેવો બની રહ્યો હોય ત્યારે આગામી દિવસોમાં મોરબી ખરેખર સ્વચ્છ બને છે કે કેમ તે જોવું રહ્યું.
મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું કે શહેરમાં સફાઈ માટે 1 કલાકનું શ્રમદાન આયોજિત કરાયું હતું અને 13 વોર્ડના 50 જેટલા પોઈન્ટ પર સઘન સફાઈ હાથ ધરવામાં આવી છે. શહેરના ખૂણે ખૂણે સફાઈ કરવા માટે બહારથી 45 લોકોની એક વિશેષ ટીમ 100 દિવસ માટે બોલાવવામાં આવી છે, જે સંપૂર્ણ શહેરને ક્લીન જાહેર ક૨વા કામ ક૨શે. આ ઉપરાંત, પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા માટે ફેક્ટરીઓ અને દુકાનો પર ચેકિંગ કરી નોટિસો ફટકારવામાં આવી રહી છે અને લાખો રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. નદીના પટમાં આવેલી દીવાલ મામલે કલેક્ટર કક્ષાએથી જે સૂચના મળશે તેનો અમલ કરવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું હતું.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
