તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે પૂ. મોરારીબાપુએ પાઠવ્યો મંગલ સંદેશ
રથયાત્રા એ સનાતન સંસ્કૃતિ અને અનન્ય આસ્થાનો મહાન ઉત્સવ - અમદાવાદ અને ભાવનગરની રથયાત્રાઓ સામાજિક સૌહાર્દ, એકતા તેમજ પરસ્પર ભાઈચારાનું જીવંત પ્રતીક

મહુવા,તા.૧૬: અષાઢી બીજના પરમ પવિત્ર અવસરે દેશ અને દુનિયાભરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પર્વ નિમિત્તે વિશ્વપ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મોરારીબાપુએ દેશ-વિદેશના તમામ ભક્તો અને શ્રદ્ધાળુઓને હૃદયપૂર્વકની મંગલમય શુભેચ્છાઓ પાઠવી છે. બાપુએ જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ આપણી ભવ્ય સનાતન સંસ્કૃતિ, પરંપરા અને લોક આસ્થાનો એક અતિ મહાન પર્વ છે. સદીઓથી આ ઉત્સવ અત્યંત શ્રદ્ધા, ભક્તિ, સમર્પણ અને સાત્વિક ભાવ સાથે હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે.
પુરી અને અમદાવાદની રથયાત્રા જન-જન સુધી પહોંચાડે છે સનાતન ધર્મનો દિવ્ય સંદેશ
પૂ. મોરારીબાપુએ સંદેશમાં આગળ જણાવ્યું કે, ઓડિશાના પવિત્ર જગન્નાથ પુરી ધામ ખાતે ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને માતા સુભદ્રાજીની વિશ્વવિખ્યાત રથયાત્રા યોજાય છે, જેમાં ભગવાન સ્વયં નગરચર્યાએ નીકળી ભક્તોને દર્શન આપે છે અને લાખો શ્રદ્ધાળુઓ રથ ખેંચીને ધન્યતા અનુભવે છે. તે જ રીતે ગુજરાતના અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિરથી પણ દર વર્ષે પરંપરાગત રીતે નીકળતી ભવ્ય રથયાત્રાનું આગવું મહત્વ છે. આ રથયાત્રા સમગ્ર સમાજમાં ભાઈચારો, સાંસ્કૃતિક સમન્વય, અખંડિતતા, એકતા અને સનાતન ધર્મનો સાચો સંદેશ જન-જન સુધી પ્રસરાવે છે.
પીઠાધીશ્વર દિલીપદાસજી મહારાજના સેવાકાર્યો અને ભાવનગર રથયાત્રાના સંસ્મરણો વાગોળ્યા
પૂ. બાપુએ અમદાવાદ જગન્નાથ મંદિરના વર્તમાન પીઠાધીશ્વર પૂજ્ય દિલીપદાસજી મહારાજના કુશળ માર્ગદર્શન હેઠળ યોજાતી રથયાત્રાની વિશેષ પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે, આ મહોત્સવ સામાજિક સૌહાર્દ અને સર્વધર્મ સમભાવનું એક અતુલ્ય અને જીવંત પ્રતીક છે. વધુમાં, તેમણે ભાવનગર શહેરમાં વર્ષોથી અત્યંત ભક્તિભાવપૂર્વક યોજાતી જગન્નાથજીની રથયાત્રાનો પણ આદરપૂર્વક ઉલ્લેખ કર્યો હતો અને તેની સાથે જોડાયેલા પોતાના જૂના તેમજ ભાવનાત્મક સંબંધોને વાગોળી હૃદયની સંવેદના વ્યક્ત કરી હતી.
સમગ્ર દેશમાં રથયાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના
પોતાના સંદેશાના અંતમાં મોરારી પૂ. બાપુએ જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરતા જણાવ્યું કે, દેશના જે પણ પ્રદેશો કે નગરોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે, તે તમામ ઉત્સવો ભગવાનની અસીમ કૃપાથી અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં, સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક સંપન્ન થાય. તેમણે વિશ્વ કલ્યાણની કામના સાથે સૌ ભક્તોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રભુ ચરણોમાં અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરી છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
