<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

જેતપર ખેડૂત આંદોલનના ૧૦મા દિવસે ગરજ્યા યોગાચાર્ય ડો. રુદ્રાંશજી મહારાજ - કથાકારો અને કલાકારોએ જો ખેડૂતોનું અન્ન ખાધું હોય તો તેઓ પણ સમર્થનમાં આગળ આવે

અત્યારે ખેડૂતો ગાંધીના શાંતિપૂર્ણ માર્ગે ચાલી રહ્યા છે, પણ તેમના લોહીમાં મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી પણ છે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હોવા છતાં ખેડૂતોની પીડા ન સમજાતી હોવાનો આક્ષેપ કરતા ઉપવાસ છાવણી ગજાવી

(પ્રવીણ વ્યાસ દ્વારા)મોરબી: મોરબીના જેતપર ખાતે વીજલાઇનના વળતર મુદ્દે ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનના ૧૦મા દિવસે સુપ્રસિદ્ધ યોગાચાર્ય ડો. રુદ્રાંશજી મહારાજે ઉપવાસ છાવણીની મુલાકાત લઈને આંદોલનકારી ખેડૂતોને સંબોધિત કર્યા હતા. તેમણે પોતાના આક્રમક સંબોધનમાં સરકાર, રાજકીય નેતાઓ, ધાર્મિક વડાઓ, કથાકારો અને કલાકારો સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે દેશના અન્નદાતાને નબળા સમજવાની ભૂલ કોઈ ન કરે, કારણ કે જેતપરની પવિત્ર ભૂમિ પરથી હવે મોટી ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે.

 

ભગવાનને ધરાતો થાળ ખેડૂતોએ તડકામાં વાઢેલા ઘઉંનો પ્રસાદ છે:

ડો. રુદ્રાંશજી મહારાજે મંચ પરથી ધાર્મિક વડાઓ, નેતાઓ અને કથાકારોને આડેહાથ લેતા રોકડું પરખાવ્યું હતું કે, "તમે આજે જે ચાંદીના સિંહાસન પર બેઠા છો તે આ ભોળા ખેડૂતોના દાન અને પરસેવાની કમાણીથી બન્યું છે. તમે દિવસમાં ત્રણ વખત ભગવાનને જે છપ્પન ભોગ અને થાળ ધરો છો, તે આ ખેડૂતોએ ધોમધખતા તડકામાં ઊભા રહીને વાઢેલા ઘઉંનો પવિત્ર પ્રસાદ છે." તેમણે ઉમેર્યું કે, જગતનો તાત છેલ્લા ૧૦ દિવસથી અન્ન વિના બેઠો છે, તેનાથી મોટો ત્યાગ દુનિયામાં બીજો કોઈ હોઈ શકે નહીં. આ છાવણીમાં બેઠેલા તમામ આંદોલનકારીઓ સાક્ષાત ભગવાન સ્વરૂપ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હોવા છતાં આ ખેડૂતોની પીડા કેમ સમજાતી નથી તે સમજાતું નથી. જો નેતાઓ આવી કપરી સ્થિતિમાં પણ ખેડૂતોની મુલાકાતે આવી ન શકતા હોય તો ભવિષ્યમાં જનતાને તેમની કોઈ જરૂર નથી.

 

અમે બીજો ગાલ ધરીશું, પણ બંને હાથ સાફ કરીને ધરીશું!

ખેડૂતોના આક્રોશ અને અન્યાય સામે અવાજ ઉઠાવતા યોગગુરૂએ જણાવ્યું કે, "અમે અત્યારે નમ્રતાપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે ગાંધીના બતાવેલા રસ્તે ચાલીએ છીએ. પણ જો કોઈ એમ સમજતું હોય કે અમને દબાવી દેશે તો એ ભૂલી જાય. જો કોઈ અમને એક લાફો મારશે તો અમે સામી છાતીએ બીજો ગાલ ધરીશું, પણ અમારા બંને હાથ સાફ કરીને ધરીશું. અમારા લોહીમાં માત્ર શાંતિ જ નહીં, પરંતુ અન્યાય સામે લડનારા મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજના સંસ્કારો પણ વહે છે." અન્યાય સામે અવાજ ન ઉઠાવવો એ સૌથી મોટું મહાપાપ છે. જો ખેડૂતોના હક માટે જરૂર પડશે તો શામ, દામ, દંડ અને ભેદની નીતિ પણ અપનાવવામાં આવશે. આ સત્યની લડાઈને સરકાર કે તંત્ર પૈસાના જોરે ક્યારેય તોડી શકશે નહીં.

 

કથાકારો અને કલાકારોને ખુલ્લી ચેતવણી: હારથી સ્વાગત થશે તે ભૂલતા નહીં:

ધર્મના નામે મોટી મોટી કથાઓ અને ડાયરાઓ કરતા કથાકારો અને કલાકારો સામે નિશાન સાધતા તેમણે કહ્યું કે, "જો તમે આ દેશના ભોળા ખેડૂતોનું અન્ન ખાધું હોય અને તેમની કમાણીમાંથી દક્ષિણા મેળવી હોય, તો આ કપરા સમયે બહાર આવો અને ખુલ્લી રીતે ખેડૂતોના અધિકારનું સમર્થન કરો. અમારે માત્ર એટલું જ જોવું છે કે તમે ખરા અર્થમાં ખેડૂતોની સાથે છો કે સત્તાની સાથે? જો આ આંદોલનમાં તમે ન દેખાયા, તો ભવિષ્યમાં ગામડાઓમાં તમારું સ્વાગત ફૂલહારથી નહીં પણ હાર (પરાજય) થી થશે તે યાદ રાખજો."

 

આંદોલનમાં રક્તદાન કરીને નવો ચીલો ચાતર્યો:

આંદોલનની શિસ્ત અને એકતાના ભારોભાર વખાણ કરતા ડો. રુદ્રાંશજી મહારાજે જણાવ્યું કે, સામાન્ય રીતે આંદોલનોમાં તોડફોડ થતી હોય છે, પરંતુ જેતપરના ખેડૂતોએ આંદોલન દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ યોજીને સમાજમાં એક અદભુત અને નવો ચીલો ચાતર્યો છે. આ આંદોલનમાં પુરુષોની સાથે સાથે મોટી સંખ્યામાં મહિલા શક્તિ પણ ખભેખભા મિલાવીને જોડાયેલી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ખેડૂતો સરકારના વિરોધી નથી, પરંતુ જો હકની લડાઈમાં ખેડૂતોને અન્યાયી રીતે દબાવવાનો પ્રયાસ થશે તો નેતાઓની લાલ લાઈટ વાળી ગાડીઓ ક્યાં ખોવાઈ જશે તેનો ખ્યાલ પણ નહીં રહે. ભવિષ્યમાં દેશનો કોઈ મોટો ઉદ્યોગપતિ પણ ખેડૂતની એક ઈંચ જમીન સામે ખરાબ નજરથી જોતા ડરે, તેટલું મજબૂત આ સંગઠન અને આંદોલન બનશે તેવો અડગ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

(9:02 PM IST)