તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Tuesday, 23rd June 2026
કેશોદના બામણાસાના વૃધ્ધ દેવાભાઇને પાઇપના ઘા ફટકારી બંને હાથ, બંને પગ ભાંગી નાંખ્યા
કેશોદ કોર્ટમાં તારીખમાં હાજરી આપી પરત ઘરે આવતાં હતાં ત્યારે રસ્તામાં જોનપુરની વીડી પાસે આંતરી હુમલો : એક વર્ષ પહેલાના મનદુઃખનો ખાર રાખી ઇન્દ્રેશ વડીયાતર વૃધ્ધને રિક્ષામાંથી બહાર ખેંચી તુટી પડયોઃ છરીના ઘા પણ ઝીંક્યાઃ વૃધ્ધ રાજકોટ સારવાર હેઠળઃ કેશોદ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડની તજવીજ કરી

રાજકોટ તા. ૨૩: કેશોદના બામણાસા ઘેડ ગામે રહેતાં દેવાયતભાઇ ભગાભાઇ માકડીયા (ઉ.વ.૬૨) નામના વૃધ્ધ ખેડુત પર નજીકના જોનપુરની વીડી પાસે છરી પાઇપથી હુમલો થતાં બંને હાથ, બંને પગમાં ગંભીર ઇજા થતાં કેશોદ, જુનાગઢ સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. તબિબી નિદાન થતાં બંને હાથ અને બંને પગમાં ફ્રેકચર હોવાનું ખુલ્યું હતું.
આ બનાવમાં કેશોદ પોલીસે બામણાસા ઘેડ ગામે રામાપીરના મંદિર પાસે વણકરવાસમાં રહેતાં હુમલામાં ગંભીર ઇજા પામનારા દેવાયતભાઇ ઉર્ફે દેવાભાઇના પુત્ર લલીતભાઇ દેવાભાઇ માકડીયા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી બામણાસા ગામમાં જ રહેતાં ઇન્દ્રેશ અરજણભાઇ વડીયાતર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. હુમલો કરનાર ફોૈજમાં નોકરી કરતાં હોવાનું ફરિયાદીએ કહ્યું હતું.
લલીતભાઇએ ફીરયાદમાં જણાવ્યું છે કે મારા પિતાજી દેવાયતભાઈ મકવાણા ગત તારીખ ૦૫/૦૬/૨૦૨૬ના રોજ બપોરે કેશોદ કોર્ટમાં તારીખ હોવાથી ગયા હતા. કોર્ટની તારીખ પુરી કરીને તેઓ ગામના જ જગદીશભાઈ મંગાભાઈની રીક્ષામાં બેસીને કેશોદથી બામણાસા પરત આવી રહ્યા હતા. તે વખતે બપોરે આશરે બે વાગ્યાની આસપાસ રીક્ષા જોનપુર ગામની વીડી પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે ગામનો જ ઈન્દ્રેશ અરજણભાઈ વડીયાતર નામનો શખ્સ પોતાની મોટરસાયકલ લઈને પાછળથી આવ્યો હતો. તેણે રીક્ષા આડી પોતાની મોટરસાયકલ ઊભી રાખી દેવાયતભાઈને રીક્ષામાંથી બહાર ખેંચી લીધા હતા.
ત્યારબાદ ઈન્દ્રેશ વડીયાતરે પોતાની પાસે રહેલા લોખંડના પાઇપ વડે દેવાયતભાઈ પર આડેધડ હુમલો કરી દીધો હતો. પાઇપના ફટકા મારીને તેમના બંને હાથ અને બંને પગમાં ગંભીર ફ્રેક્ચર કરી નાખ્યા હતા. દેવાયતભાઈ લોહીલુહાણ હાલતમાં રાડારાડ કરવા લાગતા આરોપી ઈન્દ્રેશ વડીયાતરે જાનથી મારી નાખવાના ઈરાદે પોતાના નેફામાંથી છરી કાઢી માથામાં જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. હુમલો કર્યા બાદ આરોપી ગાળો બોલતો બોલતો પોતાના હથિયાર અને બાઇક લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટયો હતો.
રસ્તાની સાઇડમાં ગંભીર હાલતમાં પડેલા વળદ્ધને જોઈ ગામના જગમાલભાઈ મકવાણાએ તેમના દિકરા લલીતભાઇને ફોનથી જાણ કરી હતી. તેમજ જગમાલભાઇ, જયસુખભાઈ તથા મંગાભાઈ રૂપાભાઈ વગેરેએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી પ્રથમ કેશોદ સરકારી દવાખાને ખસેડ્યા હતા. ત્યાંપ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ રિફર કરાયા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઈજા હોવાના કારણે તેમને ૨૦ થી ૨૨ જેટલા ટાંકા આવ્યા છે અને બંને હાથ-પગ પણ ભાંગી નખાયા છે.
ભોગ બનનારના પુત્ર લલિતભાઈ મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે આજથી આશરે એક વર્ષ પહેલાં તેમના પિતા દેવાયતભાઈ અને આરોપી ઈન્દ્રેશ અરજણભાઈ વડીયાતર વચ્ચે મારામારી થઈ હતી. આ બાબતનું મનદુઃખ અને વેર રાખીને આરોપીએ આ જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. વાળાએ રૂબરૂ પહોંચી લલિતભાઈ મકવાણાની ફરિયાદ પરથી આરોપી ઈન્દ્રેશ વડીયાતર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વૃધ્ધ હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
