તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
હે..નાગદેવતા મેઘરાજા વચ્ચે ખેડૂતોનો પાક બચે તેવી કૃપા કરો : વિરપુર (જલારામ)માં પ્રાર્થના
નાગપાંચમ નિમિત્તે રાજાશાહી વખતના પૌરાણિક શ્રી આહપાદાદા નાગદેવતાની મહિલાઓ દ્વારા પૂજા

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ), તા. ર : વીરપુર ગામની મધ્યમાં રાજાશાહી વખતનું પૌરાણિક શ્રી આહપાદાદા નાગદેવતાનું મંદિર આવેલું છે, જ્યાં શ્રાવણ માસની નાગપાંચમના દિવસે સમગ્ર ગામના લોકો શ્રદ્ધાપૂર્વક પૂજન કરે છે.
નાગપાંચમના દિવસે વીરપુરના વિવિધ સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં શ્રી આહપાદાદાના દર્શન અને પૂજન માટે આવે છે. મહિલાઓ દ્વારા નાગદેવતાને કુલેર, તલવટ તેમજ રૂમાંથી બનાવેલા નાગલા ધરાવવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. પરિવારના મોભી દ્વારા પૂજન કર્યા બાદ જ અન્ન ગ્રહણ કરવાની પરંપરા પણ અનેક પરિવારોમાં જોવા મળે છે.
ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા વીરપુર પંથકમાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પૂરતા વરસાદના અભાવે ખેતરોમાં વાવેલા પાકો મુર્જાવા લાગ્યા છે. ત્યારે નાગપાંચમના પાવન દિવસે વીરપુરની મહિલાઓએ શ્રી આહપાદાદા નાગદેવતાની શ્રદ્ધાપૂર્વક પૂજા કરી મેઘરાજા મન મૂકીને વરસે, વરસાદથી ધરતી તરબતર થાય અને ખેડૂતોના મુર્જાતા પાકને નવજીવન મળે તેવી પ્રાર્થના કરી હતી.
ખેડૂતોના પાક માટે સારા વરસાદની આશા સાથે મહિલાઓએ આહપાદાદાના ચરણે શ્રદ્ધા વ્યક્ત કરી હતી. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં આ વર્ષે વરસાદ માટેની પ્રાર્થનાએ વિશેષ ભાવનાત્મક માહોલ સર્જ્યો હતો.
શ્રી આહપાદાદાને દર વર્ષે તલમાંથી બનાવેલી વિશાળ માત્રામાં તલવટનો પ્રસાદ ધરાવવામાં આવે છે. શ્રી આહપાદાદા મિત્ર મંડળના આશરે ૪૦ યુવાનોની ટીમ દ્વારા આ પ્રસાદ ઘરે-ઘરે પહોંચાડી સમગ્ર ગામમાં વિતરણ કરવામાં આવે છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
