<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

‘હેં..ભગવાન ! પાણી પ્રશ્ને પાલિકા પાંગળી પુરાવર થઈ,હવે તો કેશોદની પાણી સમસ્‍યા માત્ર મેઘરાજા જ હલ કરી શકે !'

પુનઃ પાણીનો કકળાટઃ ‘ પાણીનો ‘ ડૂકો' નહીં આવવા દઈએ તેવું ચૂંટણી સમયે કહેનારા કયાં છે ?! '૧૦-૧૨ દિ' એ પીવાનું પાણી અપાતા મહિલાઓ માં આક્રોશ : પાલિકા પાણી પ્રશ્ન‘ે ગંભીર છે, મુખ્‍યમંત્રીને પત્ર પાઠવી વધુ ૪ એમ એલડી પાણીની માંગ કરવામાં આવેલ છે, નવા બનાવેલા બોરમાં પાણી હોય જે વહેલી તકે ચાલુ કરી દેવા માં આવશે , ટૂંક સમયમા ંજ પાણી વિતરણની સ્‍થિતિ સામાન્‍ય થઈ જશેઃ પાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવડીયા

( સંજય દેવાણી દ્વારા ) કેશોદ, તા.૧: ‘ હેં... ભગવાન ! શહેરમાં પાણી પ્રશ્ન‘ે સ્‍થાનિક નગરપાલિકા પણ પાંગળી પુરાવાર થતી હોય તેવું જણાઈ રહ્યું છે , ત્‍યારે હવે તો કેશોદની પાણી સમસ્‍યા માત્ર મેઘરાજા જ હલ કરી શકશે ! પાણીનો  ‘ડુકો' નહીં આવવા દઈએ તેવું ચૂંટણી સમયે કહેનારાઓ કયાં છે ?!  સ્‍થાનિક શહેરમાં આ પ્રકાર ના આક્રોશ સાથેના શબ્‍દો સાંભળવા મળે છે પાણી માટે તલસતી સ્‍થાનિક શહેરની મહિલાઓ ના પ્રવર્તમાન શરૂ થયેલ ચોમાસુ સીઝન વચ્‍ચે વરસાદનો અભાવ રહેતા શહેરમાં સ્‍વાભાવિક રીતે પાણીનો કકળાટ શરૂ થયેલ છે. પાલિકા દ્વારા પાણી છ દિવસના બદલે દસ કે બાર દિવસે વિતરણ કરાતું હોવાની ગંભીર ફરિયાદ ઊઠવા પામેલ છે.

આ સ્‍થિતિ વચ્‍ચે પાલિકા શ્રીમતી પ્રમુખ પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવડીયા જણાવી રહ્યા છે કે, કેટલાક વિસ્‍તારો માં પાણી વિતરણ માં છેલ્લા થોડા દિવસથી ડિસ્‍ટર્બ સર્જાયો છે. વરસાદ ખેંચાવા જેવા કુદરતી પડકારો વચ્‍ચે પાલિકા પાણી પ્રશ્ને‘ે ગંભીર છે. અને ટૂંક સમય માંજ પાણી વિતરણ ની સ્‍થિતિ પુનઃ સામાન્‍ય થઈ જશે.

એક તરફ વરસાદ ખેંચાયો બીજી તરફ પાણી ની ભયાનક કટોકટી. આ સ્‍થિતિ વચ્‍ચે સૌ કોઈ ઉકળી ઊઠેલ છે. પાણીની તંગી વચ્‍ચે ઉનાળુ સીઝન તો પસાર થઈ ગઈ પરંતુ હવે ચોમાસુ સિઝન પાણી વગર સહન થઈ શકે તેમ નથી !

ચોમાસા સિઝનની શરૂઆત થતા જ કેશોદ વિસ્‍તારમાં સામાન્‍ય રીતે ૧૫ જૂન અથવા ભીમ અગિયારસ આસપાસ પ્રથમ તબક્કે જરૂરત મુજબનો વરસાદ થઈ જતો હોય છે. પરંતુ ૧૫ જૂન વીતી જવાને આજે ૧૫ દિવસ જેવો સમય થઈ ગયો આમ છતાં મેઘરાજા ન ડોકાતા આ વિસ્‍તારમાં પાણીની સમસ્‍યા દિન પ્રતિદિન ગંભીર બનતી જણાઈ રહેલ છે. આ સ્‍થિતિ વચ્‍ચે વરસાદના અભાવના કારણે ચિંતિત જણાતા આ વિસ્‍તારના લોકોના જીવ અધ્‍ધર થઈ જવા પામેલ છે.

પાણીની ભારે તંગી વચ્‍ચે સ્‍થાનિક પાલિકા દ્વારા નળ મારફતે આપવામાં આવતા પીવા માટેના પાણી વિતરણ ની કામગીરી અનિયમિત બનતા એક તબક્કે શહેરમાં દેકારો મચી જવા પામેલ છે. પાણી ની અનિયમિત્તા ના કારણે ગળહણીયોનુ ટાઈમ ટેબલ ખોરંભાય જાય છે. પાણી પ્રશ્ન‘ થી કંટાળેલા લોકો હવે સારા વરસાદની રાહ જોઈને બેઠા છે.

પ્રર્તમાન સમયમાં પાણી પ્રશ્ન‘ે સર્જાયેલ વિકટ સ્‍થિતિ નો ચિતાર ઉચ્‍ચકક્ષાએ પહોંચે અને સમસ્‍યાનું કાંઈક અંશે સમાધાન થાય તેવી આશા સાથે મિડીયા કર્મીઓ ને જોતા જ મહિલાઓ એકત્રિત થઈ જાય છે અને સહજ રીતે પોતાની હૈયા વરાળ ઠાલવતી જોવા મળે છે.

સામાન્‍ય રીતે અત્રે દરેક વિસ્‍તારમાં છઠ્ઠા દિવસે સ્‍થાનિક નગરપાલિકા દ્વારા નળના માધ્‍યમથી પીવા ના પાણીનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આ ક્રમમાં ફેરફાર થતા મહિલાઓ માં ઓહાપો મચી જવા પામેલ છે. આ અંગે વોર્ડ નંબર ૬ સહિત ના વિસ્‍તારની મહિલાઓ રોષ સાથે જણાવી રહેલ છે કે, છેલ્લા કેટલાક દિવસ થયા ૧૦ થી ૧૨ દિવસે પાણી આવે છે અને એ પણ માત્ર એક કલાક પૂરતું !

અમારી પાસે પાણીનો સંગ્રહ કરવા માટે પૂરતી સુવિધા પણ ન હોય જેના કારણે મર્યાદિત પાણી ના સંગ્રહ સાથે ૧૦ થી ૧૨ દિવસ જેવો સમય કાઢવો ભારે મુશ્‍કેલ પડે છે.

પીવા માટે નુ પાણી ઉપરાંત ન્‍હાવુ, કપડા ધોવા સહિતની જરૂરત માટે પાણી ની આવશ્‍યકતા હોય, પાણી વેચાતું લેવું પણ પરવડે તેમ નથી. હાલ ભારે ગરમી વચ્‍ચે પાણી નો વપરાશ પણ વધી જાય છે ત્‍યારે આટલા પાણીની વ્‍યવસ્‍થા કરવી કયાંથી ?                   

સ્‍થાનિક નગરપાલિકાના તંત્ર વાહકો નિયમિત પાણી પૂરું પાડી શકે તેવું જણાતું નથી. ત્‍યારે આ સમસ્‍યાનું સમાધાન હવે તો વરસાદ જ કરી શકે તેમ છે. ઉનાળામાં પણ નિયમિત પાણી મળી રહે તે રીતનું આયોજન કરીશું તેવા ચૂંટણી સમયે વચનો ની લ્‍હાણી કરનાર મત માંગવા આવનારાઓ હવે ફરકતા પણ નથી ! તેમ આક્રોશ સાથે મહિલાઓએ જણાવેલ હતું.

દરમિયાન આ અંગે પાલિકાના પ્રમુખ શ્રીમતી પ્રતીક્ષાબેન દેવડીયા નો સંપર્ક કરતા તેઓએ જણાવેલ હતું કે, નગરપાલિકાના તંત્ર વાહકો પાણી પ્રશ્ન‘ે ગંભીર છે. કેશોદ શહેરને દૈનિક ૧૨ એમએલડી પાણીની જરૂરત રહે છે જેની સામે હાલ ૭ થી ૮ એમએલડી જેવુ પાણી મળે છે આ બાબતને ધ્‍યાને લઈ કેશોદને ૪ એમએલડી પાણી વધુ મળે તે માટે રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ , પાણી પુરવઠા મંત્રી શ્રી સહિત લાગતા વળગતા સંબંધિતોને પત્ર પાઠવી માંગણી કરેલ છે.

પ્રમુખ શ્રી એ નિખાલસ ભાવે સ્‍વીકારેલ હતું કે,ટેકનિકલ કારણોસર છેલ્લા થોડા દિવસથી પાણી વિતરણ ના રૂટિનમાં ડિસ્‍ટર્બ થયેલ છે. પહેલા અહીં ઓજત ડેમ નુ પાણી મળતું હતું પરંતુ હાલ મહી પરીએજ યોજના ના માધ્‍યમ થી અમરેલી જિલ્લાના ચાવંડ ખાતેથી પાઇપ લાઇન દ્વારા મેંદરડાના ના દેવગઢ ખાતે આવે છે. જયાં પાણી ફિલ્‍ટર થઈ કેશોદના રાણીગપરા ખાતે બનાવવામાં આવેલ સંપ માં પાણી આવે છે.

આમ અહીં સુધી પાણી પહોંચતા લગભગ ૧૮ થી ૨૦ કલાક જેવો સમય લાગે છે. જો આ પ્રોસેસમાં કોઈ ખામી આવે અથવાતો ત્‍યાંથી કોઈ કારણોસર પાણી લેઇટ આપવામાં આવે તો અત્રે પાણી વિતરણ માં ડિસ્‍ટર્બ ઊભો થઈ જાય છે.

અત્રે નવ જેટલા નવા બોર બનાવવામાં આવેલ છે. જેમાંથી ચાર બોરમાં વિપુલ પ્રમાણમાં પાણી હોય જેમાં મોટર ઉતારી આ બોર શરૂ કરવા માટે ની કાર્યવાહી ચાલુ છે. માત્ર એક થી બે દિવસમાં શહેરના તમામ વોર્ડ માં રૂટિન મુજબ છઠ્ઠા દિવસે પાણી વિતરણ થઈ જશે. તેમ તેઓએ અંતમાં જણાવેલ હતું.

(1:38 PM IST)