News of Friday, 31st July 2026
ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ અને પંચાયતી રાજ સંસ્થાઓને વધુ સક્ષમ બનાવવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં જામનગર જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો
તાલીમ કાર્યક્રમો માત્ર ઔપચારિકતા નહીં પરંતુ જનપ્રતિનિધિઓ માટે નવી માહિતી, નવી પદ્ધતિઓ અને વિકાસલક્ષી અભિગમોને સમજવાનું સૌથી મહત્વપૂર્ણ માધ્યમ છે, પારદર્શિતા અને જનભાગીદારી સાથે ગ્રામ વિકાસના કાર્યો કરવા જરૂરી : અર્જુનભાઈ મોઢવાડિયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૧ : ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ અને પંચાયતી રાજ સંસ્થાઓને વધુ સક્ષમ બનાવવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) અંતર્ગત જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તેમજ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં જામનગરના ટાઉનહોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા સ્તરના મોટી સંખ્યામાં પદાધિકારીઓ, સરપંચો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ગ્રામ્ય વિકાસની પ્રક્રિયામાં પંચાયતી રાજ સંસ્થાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સ્થાનિક સ્વરાજ્યના પ્રતિનિધિઓને જરૂરી જ્ઞાન અને તાલીમ મળવી આવશ્યક છે.
તેમણે સ્પષ્ટપણે કહ્યું કે "અભ્યાસવર્ગો અને તાલીમ કાર્યક્રમો માત્ર ઔપચારિકતા નથી. આ જનપ્રતિનિધિઓ માટે નવી માહિતી, નવી પદ્ધતિઓ અને વિકાસલક્ષી અભિગમોને સમજવાનું સૌથી મહત્વપૂર્ણ માધ્યમ છે. સરકારી અધિકારીઓ પણ ઉચ્ચ અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કર્યા બાદ સતત તાલીમ મેળવતા રહે છે, જેથી તેઓ પોતાની કામગીરી વધુ અસરકારક રીતે કરી શકે. તેવી જ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ સમયાંતરે યોજાતા તાલીમ કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લેવો જોઈએ."
મંત્રીએ પદાધિકારીઓને લોકોની અપેક્ષાઓને અનુરૂપ પારદર્શિતા, જવાબદારી અને જનભાગીદારી સાથે વિકાસ કાર્યો હાથ ધરવા અનુરોધ કર્યો હતો. "પ્રજાએ તમને પાંચ વર્ષ માટે વિશ્વાસ સાથે પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી સોંપી છે. આ જવાબદારીનું સફળતાપૂર્વક નિર્વહન કરવા માટે પોતાની ફરજો, સત્તાઓ અને કાર્યપદ્ધતિ અંગેની સ્પષ્ટ સમજણ હોવી ખૂબ જરૂરી છે" તેમણે ઉમેર્યું.
કાર્યક્રમમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલએ જણાવ્યું કે "ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે. ગામડાઓના સર્વાંગી વિકાસ માટે પ્રજાએ આપ સૌને પ્રતિનિધિ તરીકે પસંદ કર્યા છે. તેથી પોતાની જવાબદારીઓની સમજ અને સેવા કરવાની ભાવના દરેક જનપ્રતિનિધિ માટે અનિવાર્ય છે. આવા તાલીમ કાર્યક્રમો દ્વારા મળતું માર્ગદર્શન પ્રતિનિધિઓને પોતાની ફરજો વધુ અસરકારક રીતે નિભાવવામાં મદરૂપ બને છે."
તેમણે મહિલા પ્રતિનિધિઓને પણ વિકાસલક્ષી કાર્યોમાં આગેવાની લઈને પોતાના વિસ્તારના પ્રશ્નોના નિરાકરણ માટે સજાગતાપૂર્વક કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતો દ્વારા પંચાયતી રાજ વ્યવસ્થાની કાર્યપદ્ધતિ, ગ્રામ વિકાસ યોજનાઓના અસરકારક અમલીકરણ, નાણાકીય વ્યવસ્થાપન, ડિજિટલ ગવર્નન્સ, સરકારી યોજનાઓ, જાહેર સેવાઓની સુલભતા તેમજ સ્થાનિક સ્તરે સુશાસનને મજબૂત બનાવવા સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી*, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, જિલ્લા વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિરલ માકડિયા, અગ્રણી ડો. વિનોદભાઈ ભંડેરી, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે જિલ્લા અને તાલુકા સ્તરના પ્રતિનિધિઓને મળેલી આ તાલીમ ગ્રામ વિકાસના લક્ષ્યોને સિદ્ધ કરવામાં અને પંચાયતી રાજ સંસ્થાઓની ક્ષમતામાં વધારો કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
