News of Friday, 15th May 2026
જામનગરમા ખાનગી શાળાઓમાં મનમાની રોકવા NSUI-યુવક કોંગ્રેસ મેદાને, આચાર્યોને વિનંતીપત્ર પાઠવ્યા
ચોક્કસ દુકાનેથી પુસ્તક-ડ્રેસ ખરીદવાનું દબાણ ન કરો, FRCની જ ફી લો’: રવિરાજસિંહ-મહિપાલસિંહની આગેવાનીમાં રજૂઆત; ફરિયાદ મળશે તો આંદોલનની ચીમકી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. 15 : જામનગર શહેર એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ દ્વારા શહેરની વિવિધ શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં આચાર્યોને વિનંતીપત્ર પાઠવવામાં આવ્યા હતા.
એનએસયુઆઈ શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ તથા યુવક કોંગ્રેસ શહેર પ્રમુખ મહિપાલસિંહ જાડેજા (ડાડા)ના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું હતું કે હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને આગામી મહિને નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થવાની છે. ત્યારે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ ઉપર કોઈપણ પ્રકારનો આર્થિક બોજ ન આવે અને નિયમોનું પાલન થાય તે જરૂરી છે.
*શું છે માંગણીઓ?*
વિનંતીપત્રમાં માંગ કરવામાં આવી હતી કે કોઈપણ ખાનગી પ્રકાશનના પુસ્તકો ફરજિયાત કરવામાં ન આવે. કોઈ ચોક્કસ દુકાનમાંથી જ પુસ્તકો, શાળાકીય સામાન, બેગ અથવા ડ્રેસ ખરીદવા માટે વિદ્યાર્થીઓ પર દબાણ ન કરવું જોઈએ.
આ ઉપરાંત શાળાઓમાં પુસ્તકો, સ્ટેશનરી, બેગ તથા ડ્રેસનું વેચાણ ન કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ હતી. વેકેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને ફરજિયાત શાળામાં ન બોલાવવા તથા જાહેર રજાના દિવસોમાં પણ શાળાઓ બંધ રાખવા માંગ કરાઈ હતી.
*ફી મુદ્દે સ્પષ્ટતા*
રજૂઆતમાં વધુમાં જણાવાયું હતું કે ફી નિયામક સમિતિ (FRC) દ્વારા મંજૂર કરવામાં આવેલી ફી જ શાળાઓ દ્વારા લેવામાં આવે અને વધારાની ફી વસૂલવામાં ન આવે.
*આંદોલનની ચીમકી*
એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અથવા વાલીઓ તરફથી ઉપરોક્ત મુદ્દાઓ અંગે કોઈ ફરિયાદ મળશે તો સંબંધિત શાળાઓ સામે આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
