તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Monday, 6th July 2026
હવે ખેડૂતોને મળશે સીધું બજાર અને શહેરીજનોને શુદ્ધ-રસાયણમુક્ત આહાર
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રંજનબેન જીવાણીના હસ્તે જામનગરના રણમલ તળાવ ખાતે પ્રાકૃતિક ખેતપેદાશ વેચાણ કેન્દ્ર ખુલ્લું મુકાયું

જામનગર:જામનગર શહેરના હાર્દ સમાન રણમલ તળાવ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા પ્રોજેક્ટ, જામનગરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણીના હસ્તે તથા જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાની વિશેષ ઉપસ્થિતિમાં ‘પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રનો મુખ્ય આશય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની રસાયણમુક્ત પેદાશો માટે નિયમિત-વિશ્વસનીય બજાર પૂરું પાડવાનો અને શહેરી ગ્રાહકોને સીધા જ ખેડૂતો પાસેથી ગુણવત્તાસભર ઓર્ગેનિક ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે.લોકાર્પણ બાદ મહાનુભાવોએ વેચાણ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રો સાથે આત્મીય સંવાદ સાધી તેમના પ્રશંસનીય પ્રયાસોને બિરદાવ્યા હતા.
સામાન્ય રીતે ખેડૂતો માટે ઉત્પાદન પછી બજાર વ્યવસ્થા અને યોગ્ય ભાવ મેળવવો એ સૌથી મોટો પડકાર હોય છે. આ પડકારના કાયમી ઉકેલ તરીકે આ કેન્દ્ર શરૂ કરાયું છે. અહીં કોઈ વચેટિયા કે મધ્યસ્થી ન હોવાથી ખેડૂતોને તેમની મહેનતનું પૂરું વળતર મળશે, જ્યારે બીજી તરફ જામનગરના નાગરિકોને તાજી, ગુણવત્તાસભર અને સંપૂર્ણ રસાયણમુક્ત કૃષિ પેદાશો એક જ સ્થળેથી વ્યાજબી ભાવે પ્રાપ્ત થશે. આ પહેલથી લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ વધશે અને પ્રાકૃતિક કૃષિ પ્રત્યેનો ભરોસો વધુ દ્રઢ બનશે.
"પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ જમીનની ફળદ્રુપતા, જળ સંરક્ષણ અને પર્યાવરણના રક્ષણ સાથે સમાજને તંદુરસ્ત જીવનશૈલી તરફ દોરી જતી એક લોકચળવળ છે. ખેડૂતો અને ગ્રાહકો વચ્ચેનો આ સીધો સંપર્ક કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવશે.
૫૦ થી વધુ ખેડૂતો દ્વારા વૈવિધ્યસભર ઉત્પાદનોનું પ્રદર્શન-વેચાણ
લોકાર્પણ પ્રસંગે જિલ્લાના આશરે ૫૦ જેટલા પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ કેન્દ્ર પર ખેડૂતો દ્વારા કુદરતી પદ્ધતિથી પકવેલા અનાજ, કઠોળ, મસાલા, તેલીબિયાં, ગાયનું શુદ્ધ ઘી, દૂધ, ગુલકંદ, દેશી ગોળ, અથાણાં, વિવિધ મૂલ્યવર્ધિત ખાદ્ય ચીજો તેમજ ઋતુગત તાજા શાકભાજી અને ફળોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત અધિકારીઓએ દરેક સ્ટોલની મુલાકાત લઈ ઉત્પાદનોના પેકેજિંગ અને ગુણવત્તાની બારીકાઈથી માહિતી મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને 'આત્મા' પ્રોજેક્ટ દ્વારા જિલ્લામાં તાલીમ કેન્દ્રો, ખેડૂત પરિસંવાદો અને મોડેલ ફાર્મની મુલાકાતો થકી મોટું જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના કારણે સેંકડો ખેડૂતો કેમિકલમુક્ત ખેતી તરફ વળ્યા છે. આગામી સમયમાં જિલ્લામાં આવા વધુ વેચાણ કેન્દ્રો શરૂ કરવા, ખેડૂતોના ઉત્પાદનોનું બ્રાન્ડિંગ-પેકેજિંગ મજબૂત કરવું અને ખેડૂતોની આવક બમણી કરવા માટે તંત્ર દ્વારા સઘન આયોજન હાથ ધરવામાં આવશે
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
