તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
મોરબીમાં ખેડૂતોના હકો માટે હવે બે મોરચે લડાઈના મંડાણ : આગામી શનિવારે ભવ્ય 'કિસાન પંચાયત' યોજવા અને 'સરદાર સેના' ની રચના કરવાની નિલેશ એરવાડિયાની જાહેરાત
વીજ કંપની અને સરકારની મનમાની સામે ઈંટનો જવાબ પથ્થરથી અપાશે : ૨૫ કરોડના સેટિંગના આક્ષેપો પર સણસણતો જવાબ આપતા કિસાન આગેવાને ભાજપના નેતાઓને ફેંક્યો ખુલ્લો પડકાર

પ્રવીણ વ્યાસ દ્વારા, મોરબી: વીજલાઈનના વળતરને લઈ મોરબીના જેતપરથી શરૂ થયેલા ખેડૂત આંદોલનને રાજ્યભરમાંથી ભારે સમર્થન મળી રહ્યું છે, ત્યારે હવે મોરબી જિલ્લામાંથી ખેડૂતોના પ્રશ્ને બે મોરચે લડાઈના મંડાણ થયા છે. જેતપરના ખેડૂતોએ આગામી મંગળવારે વિશાળ પદયાત્રા યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે, તો બીજી તરફ તાજેતરમાં ઉપવાસ આંદોલન દરમિયાન હકાભા ગઢવી દ્વારા કરાયેલા ગંભીર આક્ષેપો બાદ જેતપર છાવણીથી છુટ્ટા થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ મોરબી ખાતે પત્રકાર પરિષદ યોજીને ક્રાંતિકારી નવા આંદોલનની જાહેરાત કરી છે. તેમણે ખેડૂતોની સુરક્ષા અને હકો માટે 'સરદાર સેના' ની સત્તાવાર રચના કરી આગામી શનિવાર, તારીખ ૧૮ ના રોજ મોરબી જિલ્લામાં તમામ ૧૮ વર્ણના ખેડૂતોને એકઠા કરી એક ભવ્ય 'કિસાન પંચાયત' યોજવાનું એલાન કર્યું છે.
પોલીસ તંત્ર, સરકાર કે બેજવાબદાર કંપનીઓની દાદાગીરી સામે 'સરદાર સેના' રક્ષણ કરશે:
પત્રકાર પરિષદમાં નિલેશ એરવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ ચાલી રહેલા અન્ય સંગઠનો કરતાં આ સેના તદ્દન અલગ અને અનોખી રીતે કામ કરશે. દેશની સરહદો પર જેમ સૈનિકો રાષ્ટ્રની રક્ષા કરે છે, તેમ 'સરદાર સેના' ખેડૂત સમાજની સુરક્ષા કરશે. આ સેનાની સીધી કામગીરી સરકારી તંત્ર, પોલીસ પ્રશાસન અને બેજવાબદાર ખાનગી કંપનીઓ સામે રહેશે. જો સરકારી તંત્ર કાયદો અને બંધારણને નેવે મૂકીને ખેડૂતો સાથે કોઈ પણ પ્રકારની મનમાની કે દાદાગીરી કરશે, તો સરદાર સેના પણ તેની સામે ઈંટનો જવાબ પથ્થરથી આપવા મેદાને પડશે. આ અભિયાનની શરૂઆત મોરબી જિલ્લાથી થઈ રહી છે અને આગામી સમયમાં ગુજરાતના દરેક જિલ્લામાં સરદાર સેનાનું વિસ્તરણ કરવામાં આવશે.
૨૫ કરોડના સેટિંગના આક્ષેપો પર સણસણતો પ્રહાર:
પોતાના પર લાગેલા ૨૫ કરોડ રૂપિયાના સેટિંગના આક્ષેપો અંગે નિલેશ એરવાડિયાએ ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, "મેં કોઈનો ૧ રૂપિયો પણ લીધો નથી. આક્ષેપ કરનારા ભાજપના નેતાઓ અને આગેવાનોને પૂછવું જોઈએ કે આ સેટિંગ ક્યાં થયું હતું? કમલમમાં, ગાંધીનગરમાં, કૃષિ મંત્રી પાસે, ઊર્જા મંત્રી પાસે, ગૃહ મંત્રી પાસે કે મુખ્યમંત્રી પાસે? મેં કોઈ સેટિંગ કર્યું નથી." તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ ખુમારી અને ખાનદાની પરિવારમાંથી આવે છે, તેથી તેઓ કોઈનાથી ડરતા નથી, વેચાતા નથી કે ઝૂકતા નથી. ભાજપના કેટલાક લોકો દ્વારા તેમની છબીને ડેમેજ કરવાનો હીન પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ તેઓ ખેડૂતોની આઝાદી માટે પોતાના અંતિમ શ્વાસ સુધી લડતા રહેશે.
કેશુભાઈ પટેલના અભિગમ સાથે તમામ ૧૮ વર્ણના લોકો જોડાશે:
નિલેશ એરવાડિયાએ જણાવ્યું કે ખેડૂત સમાજની નાની-મોટી ૫૬ જેટલી વિવિધ માંગણીઓ એકત્રિત કરવામાં આવી છે. ભારતના બંધારણ મુજબ રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં ખેડૂતોને જે અધિકારો મળ્યા છે, તેવા જ હકો અને ન્યાય ગુજરાતના ખેડૂતોને પણ મળવા જોઈએ. જમીન સંપાદન અને રેન્ટ એગ્રીમેન્ટ જેવા અનેક ગંભીર મુદ્દાઓ પર સરકાર સાથે ટેબલ ટોક પર ચર્ચા કરવામાં આવશે અને જો સરકાર ખેડૂતોની જરૂરિયાત મુજબની માંગણીઓ સ્વીકારશે તો જ સમાધાન થશે, નહીંતર ઉગ્ર આંદોલન ચલાવાશે.
આ સંગઠનનું નામ 'સરદાર સેના' રાખવા પાછળનો હેતુ સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે, અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલે ૫૬૨ રજવાડાઓનું એકત્રીકરણ કરીને રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું અને તેઓ ખેડૂતોના સાચા મસીહા હતા. આ સેના કોઈ એક જ્ઞાતિ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં તમામ ૧૮ વર્ણના ખેડૂતો અને જ્ઞાતિ-ધર્મના લોકો જોડાશે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું જે 'ગોકુળિયું ગામ', ખેતી, ખેડૂત અને વાડા બચાવવાનો પ્રશંસનીય અભિગમ હતો, તે જ સુવિચાર અને સિદ્ધાંતો સાથે ખેડૂતોની આ લડત લડવામાં આવશે. ગુજરાતના યુવાનો અને ખેડૂતોના આહવાન પર સરકાર સામે લાલ આંખ કરી શકે તેવું આ ક્રાંતિકારી સંગઠન હવે મેદાને ઉતારવામાં આવી રહ્યું છે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
