<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

માત્ર ડીગ્રી નહીં, સમાજ-રાષ્ટ્રના કલ્યાણ માટે યોગદાનથી જીવન ચરિતાર્થ બને, ઇનોવેશન હાથ ધરવા વિદ્યાર્થીઓને આહવાન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મહોદયસાગરસૂરીશ્ર્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી પૂર્ણભદ્રસાગરજી મહારાજ સાહેબ આદિ શ્રમણ-શ્રમણીવૃંદની પાવન નિશ્રા પ્રાપ્ત થઈ : ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો ચતુર્થ દીક્ષાંત સમારોહ રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાયો: ૩૬ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, ૧૦૯ને પીએચ.ડી.ની પદવી એનાયત

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ, તા.૨૦ : જૂનાગઢના વંથલી રોડ પરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો ચતુર્થ દીક્ષાંત સમારોહ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયો હતો. અખિલ ભારત અચલગચ્છ વિધિપક્ષ શ્વેતામ્બર જૈન સંઘના ઉપક્રમે શ્રી ભુજ અચલગચ્છ જૈન સંઘ આયોજીત આ પદવીદાન સમારોહમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મહોદયસાગરસૂરીશ્ર્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી પૂર્ણભદ્રસાગરજી મહારાજ સાહેબ આદિ શ્રમણ-શ્રમણીવૃંદની પાવન નિશ્રા પ્રાપ્ત થઈ હતી.

 

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના હસ્તે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા કુલ ૩૬ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ વિષયોમાં સંશોધન પૂર્ણ કરનાર ૧૦૯ જેટલા વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની પદવી એનાયત થઈ હતી. યુનિવર્સિટીની ૬ ફેકલ્ટીના જુદા જુદા કોર્સના કુલ ૨૭,૪૭૬ વિદ્યાર્થીઓએ સ્નાતક, અનુસ્નાતક અને ડિપ્લોમાની પદવી પ્રાપ્ત કરી છે.

 

રાજ્યપાલશ્રીએ સંબોધનમાં જણાવ્યું કે માત્ર શૈક્ષણિક ડીગ્રી મેળવવાથી નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે યોગદાન આપવાથી જીવન ખરા અર્થમાં ચરિતાર્થ બને છે. પદવી પ્રાપ્ત કરીને સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અને જવાબદારી અદા કરવી જોઈએ. જીવનમાં સતત જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરી ઉદાર હાથે સમાજમાં તેની વહેંચણી કરવી જોઈએ. સંવેદનાવિહીન જીવન પથ્થર સમાન છે, બીજાની પીડા અને દુઃખ સમજી જીવનમાં પરોપકાર, દયા, નિષ્ઠા, કર્તવ્ય જેવા ગુણોને આત્મસાત કરવા જોઈએ.

 

તેમણે ઉમેર્યું કે બુદ્ધિપૂર્વક પરિશ્રમ કરવાથી જ સફળતા મેળવી શકાય છે. દુનિયામાં સત્કર્મોની સુવાસ ફેલાવી લોકોના હૃદયમાં સ્થાન મેળવવું જોઈએ. લોકોનું જીવન સરળ અને સુખમય બને તે માટે ઇનોવેશન તરફ દ્રષ્ટિ રાખવી જરૂરી છે. સમાજમાં બદલાવ માટે આદર્શ ગામ સ્થાપિત કરવામાં સહયોગી થવા, પાણી બચાવવા, વૃક્ષો, દેશી ગાય અને પર્યાવરણના જતન-સંવર્ધન ઉપરાંત શિક્ષણ માટે કાર્યો કરવા પણ આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે સામાન્ય લાગતી અને નાની વસ્તુઓથી જ સમાજમાં પરિવર્તન આવે છે.

 

મુખ્ય મહેમાન આઈઆઇએમના પૂર્વ પ્રોફેસર અને પદ્મશ્રી ડૉ. અનિલ કુમાર ગુપ્તાએ જણાવ્યું કે આજે તમારા જીવનનો અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. તમે સમાજમાં યોગદાન આપવા માટેના નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છો. સફળતા માટે ત્રણ બાબત પર ભાર આપતા તેમણે કહ્યું કે જ્યારે બીજાનું દુઃખ આપણું પોતાનું લાગે ત્યારે જ કંઈક નવું સર્જવાની પ્રેરણા મળે છે. ભક્ત કવિ નરસિંહ મહેતાનું પદ 'વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે' આ જ વાત શીખવે છે. તમે તમારા જ્ઞાનનો ઉપયોગ સમાજની પીડા દૂર કરવા માટે કરશો તો જીવન સાર્થક થશે. આજની પેઢી ડાઉનલોડ કરવામાં સમય વિતાવે છે, પણ તમારો અપલોડનો રેશિયો વધારીને સતત નવા વિચારો અને જ્ઞાન વહેંચતા રહો. વિશ્વગુરુ એ જ બની શકે જે ડેટા કન્ઝ્યુમ કરવાને બદલે પોતાનું જ્ઞાન અને સંશોધન દુનિયા સાથે વહેંચે. ઉત્સુકતા જ ઉર્જાનો સ્ત્રોત છે.

 

ભકત કવિ નરસિંહ મહેતા યુનિ.ના વાઈસ ચાન્સેલર ડો. પ્રતાપસિંહ ચૈાહાણે સ્વાગત સંબોધનમાં જણાવ્યુ કે વર્ષ ૨૦૧૫માં સ્થાપિત યુનિવર્સિટીએ એક દાયકામાં ખૂબ પ્રગતિ કરી છે. ૪ જિલ્લાની ૨૪૬ સંલગ્ન કોલેજો સાથે જોડાયેલી આ યુનિવર્સિટી લાઈફ સાયન્સ, વાઈલ્ડ લાઈફ અને કેમેસ્ટ્રી જેવા વિભાગોમાં ગુજરાતભરમાં અગ્રેસર છે. છેલ્લા પાંચ વર્ષમાં અધ્યાપકો દ્વારા ૧૫૦થી વધુ રિસર્ચ આર્ટિકલ્સ પ્રસિદ્ધ થયા છે. ગુજરાતમાં સૌથી ઝડપથી એટલે કે માત્ર ૧૧ થી ૧૫ દિવસમાં પરીક્ષાના પરિણામો જાહેર કરવાનો લેન્ડમાર્ક સ્થાપિત કર્યો છે.

 

આ દીક્ષાંત સમારોહમાં ફેકલ્ટીવાઈઝ આર્ટસમાં ૯૮૦૫, કોમર્સમાં ૬૮૭૧, સાયન્સમાં ૧૫૨૦, હ્યુમેનીટી અને સોશ્યલ સાયન્સમાં ૧૧૩૭, લાઈફ સાયન્સમાં ૯૯, એજ્યુકેશનમાં ૨૫૩૪, રૂરલ સ્ટડીઝમાં ૧૧૯૫, મેનેજમેન્ટમાં ૪૭૦, હોમ સાયન્સમાં ૧૫૧, મેડીસનમાં ૪૮૩, નર્સીંગમાં ૨૬૬, હોમીયોપેથીમાં ૯૫, લોમાં ૭૯૯, કોમ્પ્યુટર સાયન્સમાં ૧૯૪૨, પીએચ.ડી. ઓલ ફેકલ્ટીમાં ૧૦૯ મળીને કુલ ૨૭૪૭૬ વિદ્યાર્થીઓએ પદવી પ્રાપ્ત કરી છે.

 

આ પ્રસંગે ધારાસભ્ય  સંજયભાઈ કોરડીયા, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, કમિશનર શ્રી તેજસ પરમાર, પરીક્ષા નિયામક દિલસુખ સુખડીયા, ચિલ્ડ્રન યુનિ.ના વાઈસ ચાન્સેલર ડો. જોશી, કામધેનુ યુનિ.ના વાઈસ ચાન્સેલર ડો. ટાંક ઉપરાંત કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, ગણમાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(9:38 AM IST)