News of Saturday, 10th October 2026
‘ના ચિઠ્ઠી ના કોઇ સંદેશ, કહાં તુમ ચલે ગયે’ : જગજીતસિંઘને પુણ્યતિથિએ સ્મરણાંજલિ
પાલીતાણાના હાર્મોનિયમના સુરથી માંડી સામાન્ય માણસને પણ સમજાય તેવી ભાષા અને શબ્દોમાં લખાયેલી ગઝલો તેમની આજીવન પહેલી પસંદ રહી

ભુજ તા.૧૦ : 10 ઓક્ટોબર 1911ના બારેક વાગે મિત્ર આશિષ ખારોડનો મેસેજ આવ્યો. ‘Jagjitsing is no more.’ છ વર્ષ પહેલા જગજીતસિંઘ સાથે અમે પાલીતાણા હાર્મોનિયમ ખરીદવા ગયા હતા. પાલીતાણા હાર્મોનિયમના સુર માટે જગ મશહૂર છે અને સંગીતની ગુલામઅલી જેવી હસ્તીઓએ પાલીતાણાના હાર્મોનિયમ ખરીદ્યા છે.
પાલીતાણામાં એ વરસોમાં સુર બનાવવાના ચાર પાંચ કારખાના હતા. તે પૈકીના એક માલિકે જગજીતજીને આમંત્રણ આપેલું કે કાર્યક્રમ માટે આપ આવો છો તો પાલીતાણા આવો. ભાવનગર એરપોર્ટથી નિલમબાગ હોટેલ પહોંચતા રસ્તામાં જ મને પાલીતાણા કેટલું દૂર છે તેવું પૂછી કહેલું કે ત્યાંના એક હાર્મોનિયમ મેકરે ખુબ આગ્રહથી વિનંતી કરી છે એટલે જવું છે, ઇન લોગો કી મહેનતકો દેખની હે. તેમને નાના માણસો પ્રતિ એક માનવીય લાગણી રહી છે તેની પ્રતિતી કરાવતી એક પોસ્ટ આજે ફેસબુકમાં વાંચી.
જગજીતસિંઘના ગામ રાજસ્થાનના શ્રીગંગાનગરની ૧૯૯૫ની આ વાત છે. શ્રી ગંગાનગરના સુભાષ ગોગીની ઇચ્છા તેના શહેરમાં જગજીતસિંઘની મહેફિલ યોજવા ઉપરાંત જગજીતજીને તેના જન્મસ્થળ પર પરત લાવવાની હતી. એ વરસોમાં ગઝલની દુનિયામાં તેમનું નામ બની ગયું હતું.
જગજીતસિંઘે પોતાના વ્યસ્ત સમય પત્રકને કારણે શરુમાં તો આ વાત સ્વીકારવા અસમર્થતા વ્યક્ત કરી હતી. પણ પછી સુભાષ ગોગીએ એક નામ લીધું, જે જગજીતજીના હૃદયને સ્પર્શી ગયું. સુભાષે કહ્યું, “ઠાકુરદાસ હવે ખૂબ વૃદ્ધ થઈ ગયા છે… તેઓ આ દુનિયા છોડતા પહેલા એક વાર તમને જોવા સાંભળવા ઇચ્છે છે.
આ નામ સાંભળતા જ જગજીતસિંઘ સ્તબ્ધ થઈ ગયા. લાગણીશીલતામાં તેમનું ગળું ભરાઈ આવ્યું અને આંખોમાં આંસુ આવી ગયા. તેમણે એક પછી એક સિગારેટ સળગાવી; ધુમાડાના ગોટાઓ વચ્ચે રૂમમાં ગાઢ શાંતિ છવાઈ ગઈ અને જગજીતજી શ્રીગંગાનગરની એ જૂની ગલીઓની યાદોમાં ખોવાઈ ગયા. થોડી ક્ષણો પછી, તેમણે સુભાષ તરફ જોઈને ભારે અવાજે કહ્યું, “તું કાર્યક્રમ નક્કી કરી લે; હું ચોક્કસ આવીશ.”
ઠાકુરદાસ ગામમાં ચાની દુકાન ચલાવતા હતા તેઓ જગજીતસિંઘના શરૂઆતના પ્રશંસકોમાંના એક હતા. જ્યારે જગજીતજીની ચાના પૈસા ચૂકવી શકતા સક્ષમ નહોતા તો ઠાકુરદાસે ક્યારેય પૈસાની ઉઘરાણી કરતા નહી. હકીકત એ હતી કે, તેમણે જગજીતસિંઘની આંખોમાં એક સપનું વાવતા કહેલુ “ભાઈ! તું અહીં શું કરી રહ્યો છે? મુંબઈ જા, તારા અવાજની ત્યાં જ જરૂર છે.” જગજીતજીને આ વાત યાદ હતી. મુંબઈમાં જ્યારે તેમનાં પ્રથમ બે આલ્બમ રિલીઝ થયાં, ત્યારે તેમણે સૌ પ્રથમ આ આલ્બમનો સેટ ઠાકુર દાસને મોકલ્યો હતો.
ઠાકુર દાસ ઘણીવાર ખુશ થઇને કહેતા, “જગજીત, તારો અવાજ એટલો સૂરીલો અને મધુર છે કે એક દિવસ અમે તને બિલકુલ કુંદન લાલ સહગલની જેમ રેડિયો પર સાંભળીશું,” અને યુવાન જગજીતજી ખડખડાટ હસી પડતા.
એ સમય હતો જ્યારે પણ કાળું પેન્ટ, સફેદ શર્ટ અને ઘેરા મરૂન રંગની પાઘડી પહેરેલો એ પાતળો યુવાન ગંગાનગરની શેરીઓમાં નીકળતો, ત્યારે સૌની નજર તેના પર સ્થિર થઇ જતી. આ દિવસોમાં, જ્યારે તેની પાસે પોતાની સાઇકલ નહોતી, ત્યારે મિત્રો તેમને પોતાની સાઇકલ પર બેસાડીને ઘરે મૂકી જતા. બાદમાં જ્યારે પિતાએ ‘સ્ટાર’ બ્રાન્ડની સાઇકલ અપાવી ત્યારે મિત્રો તેને ચીડવતા: “જો ભાઈ, હવે તો તારી પાસે ‘સ્ટાર’ સાઇકલ આવી ગઈ છે હવે જો જે, એક દિવસ તું પોતે પણ બહુ મોટો ‘સ્ટાર’ બની જઈશ!” કોઈએ કલ્પના પણ નહોતી કરી કે મિત્રોની એ હળવી મજાક એક દિવસ સાચે જ હકીકત બની જશે.
તેમની એ સવારી માત્ર સાયકલ ચલાવવા કે ચાની ગંડેરી પીવા પૂરતી સીમિત નહોતી; જગજીતના જાદુઈ અવાજનો પાયો શાસ્ત્રીય સંગીતની કઠોર તાલીમમાં રહેલો હતો. તેમના મોટા ભાઈ જસવંતસિંઘ કહે છે કે પ્રાથમિક તાલીમ બાદ તેમના પિતા જગજીતને ઉસ્તાદ જમાલ ખાન પાસે લઈ ગયા હતા. ઉસ્તાદ જમાલ ખાન પાકિસ્તાનના પ્રખ્યાત ગઝલ ગાયક મેહદી હસનના કાકા થતા હતા. તેઓ ભાગલા વખતે પાકિસ્તાન ગયા હતા, પરંતુ ત્યાં સંગીતની સાચી કદર થતી નહી હોવાનું જણાતાં ચાર-પાંચ વર્ષમાં જ ભારત પાછા ફર્યા હતા.
તાનસેનની ‘સેનિયા’ પરંપરા સાથે સંકળાયેલા ઉસ્તાદ જમાલ ખાનને શીખવવા માટે રાજી કરવા એ સરળ નહોતું. નક્કી થયેલી શરતોમાં ઘરે આવીને શીખવવા માટે માસિક ત્રીસ રૂપિયાની ફી ઉપરાંત વાર્ષિક ભેટ તરીકે પાઘડી, અચકન (લાંબો કોટ),પાયજામો,દુપટ્ટો અને પગરખાંની જોડી આપવાનો સમાવેશ થતો હતો. જોકે, એક મોટી અડચણ એ હતી કે ઉસ્તાદને રોજ લસ્સી અને દારૂની જરૂર પડતી હતી. જગજીતનાં પિતાજીને દારૂ પ્રત્યે સખત નફરત હતી. આથી વચ્ચેનો એક રસ્તો કાઢવામાં આવ્યો: પોલીસ વિભાગમાં નોકરી કરતા જગજીતસિંઘના મામાએ છૂપી રીતે રોજ દારૂની બોટલ પહોંચાડવાની જવાબદારી લીધી, જ્યારે લસ્સીની વ્યવસ્થા ઘરનીમાંથી કરવામાં આવતી હતી.
ઉસ્તાદે જ્યારે તેમની પ્રથમ કસોટી લીધી, ત્યારે જગજીતે પોતાની પ્રતિભા સાબિત કરી બતાવી. જમાલખાને પૂરા દિલથી પોતાના શિષ્યને ધ્રુપદ, ઠુમરી અને ખયાલની બારીકીઓ તેમજ બાગેશ્રી, માલકૌંસ, દેશ અને બિલાસખાની તોડી જેવા રાગોનું જ્ઞાન આપ્યું; એટલું જ નહીં, તેમણે રાગ અડાણાની ‘બંદિશો’ પણ શીખવી, જે તેમના ‘ઘરાના’ની આગવી વિશેષતા હતી. જગજીતસિંઘના સંગીત પ્રત્યેના લગાવ અને રિયાઝ પ્રત્યેની નિષ્ઠા ઉપરાંત તેમના અવાજના જાદુથી અભિભૂત થયેલા જમાલખાને એક દિવસ જાહેરાત કરી કે “આ છોકરાને હવે મારી પાસે મોકલશો નહીં, પણ હું જાતે જ તેને શીખવવા માટે તેના ઘરે આવીશ. તેમના પિતાએ દિકરાની સંગીત સાધના અને અભ્યાસ માટે ઘરમાં જ એક ખાસ ‘સાઉન્ડપ્રૂફ’ રૂમ તૈયાર કરાવ્યો હતો, આ જ રૂમમાં જગજીતસિંઘ એક સમયે તાનપુરા સાથે રિયાઝકરતા અને તેમના મોટા ભાઈ જસવંતસિંહ ક્યારેક તબલા સંગત કરતા. સંગીતની લગભગ એક દાયકાની સખ્ત તપશ્ચર્યા પછી ભારત અને દુનિયાને જગજીતસિંઘના રૂપમાં એક સુપર ઘેરા અવાજ ધરાવતો ગાયક મળ્યો. જેણે ગઝલની પ્રસ્તુતિના સ્વરુપ અને ગિટાર, સંતુર, વાંસળી તથા સાઇડ રીધમ જેવા વાદ્યોનો ઉપયોગ કરી ક્રાંતિ સર્જી.
ગંગાનગરની ધૂળિયા ગલીઓ, ઉસ્તાદની ભાવપૂર્ણ સંગીત-મહેફિલો, અને ઠાકુર દાસની ચાની દુકાનમાંથી આવતી પ્રાર્થનાના સૂરના માહોલ વચ્ચે ઉછરેલા જગજીત સિંહનું ઘડતર થયું હતું. સામાન્ય માણસને પણ સમજાય તેવી ભાષા અને શબ્દોમાં લખાયેલી ગઝલો તેમની આજીવન પહેલી પસંદ રહી. તેમની પૂણ્યતિથીએ સાદર સ્મરણાંજલિ.(-લેખન: યજ્ઞેશ આચાર્ય, ભાવનગર:રજૂઆત: વિનોદ ગાલા- ભુજ)
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
