<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

લોખંડી પોલીસ બંદોબસ્‍ત સાથે ગિરનાર ઉપર નિર્વાણ ઉત્‍સવ

દિગંબર જૈન સમાજ ઉમટયોઃ અગાઉના વિવાદનું પૂનરાવર્તન ન થાય તે માટે ડ્રોન, સીસીટીવી કેમેરાથી પોલીસની નજર

જુનાગઢઃ નિર્વાણ ઉત્‍સવ અંતર્ગત ગિરનાર પર્વત ઉપર મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટયા હતા. જે તસ્‍વીમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા. ૨૦: સવારથી વરસાદી વાતાવરણ વચ્‍ચે ગિરનાર પર નિર્વાણ ઉત્‍સવ શરૂ થયો હતો. જેમાં મોટી સંખ્‍યામાં જૈન સમાજના લોકો ઉમટી પડ્‍યા છે. બીજી તરફ આ ઉત્‍સવ દરમિયાન ઘર્ષણ થાય નહીં તે માટે પોલીસ દ્વારા ડ્રોન સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી છે.

દિગંબર જૈન સમાજ દ્વારા ગિરનાર પર્વત પર નેમીનાથ નિર્વાણ દિવસ નિમિત્તે નિર્વાણ ઉત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેને લઇને વહેલી સવારથી ભવનાથ તળેટીમાં ભારે ભીડ જામી છે. નિર્વાણ ઉત્‍સવમાં સહભાગી થવા દેશ-દેશાવરથી મોટી સંખ્‍યામાં દિગંબર જૈન સમાજના લોકો ઉમટી પડ્‍યા છે.

સવારે દિગંબર જૈન સમાજ દ્વારા ગિરનાર પગથિયા પર નિર્વાણ કાર્યક્રમ બાદ દર્શન કરવા ગિરનાર પર જવાનો કાર્યક્રમ શરૂ થયો હતો બીજી તરફ રૈવતક સમિતિ દ્વારા ભવનાથ મંદિર ખાતે તેમજ ગિરનાર સીડીના પ્રથમ પગથિયે પૂજન કરી ચડાવા હનુમાનજીની જગ્‍યાથી ગુરુદત્ત મહારાજની ચરણ પાદુકા સુધી દૂધધારા શરૂ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન કાયદો વ્‍યવસ્‍થા સુરક્ષા જળવાઈ રહે અને કોઈ પ્રકારનો આ ઘટિત બનાવ બને નહીં તે માટે એસપી સુબોધ ઓડેદરાની સુચનાથી ડીવાયએસપી હિતેશ ધાંધલ્‍યા, રવિરાજાસિહ પરમારના માર્ગદર્શનમાં ભવનાથ તળેટી ઉપરાંત ગિરનારના પગથિયા તેમજ અંબાજી, દત્ત શિખર ગિરનારની પાંચમી ટૂંક, કમંડળ કુંડ સહિતના પ્રેસર પોઇન્‍ટ પર ચુનંદા પોલીસ અધિકારીઓની ટીમને તૈનાત કરવામાં આવી છે. લોખંડી બંદોબસ્‍ત ઉપરાંત ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. સાથે સાથે કેમેરા દ્વારા સોમનાથ પોલીસ સ્‍ટેશન ખાતેથી સર્વેલન્‍સ કરવામાં આવી રહ્યું છે.

(1:02 PM IST)