<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા જોધપર-રફાળેશ્વર રોડ પર વૃક્ષોને મુક્ત કરાયા : ૨૦ જેટલા વૃક્ષોને નવજીવન મળ્યું

થડ પર સજ્જડ ચોંટી ગયેલા લોખંડના ટ્રી-ગાર્ડ પાંજરા દૂર કરી સંસ્થાના સ્વયંસેવકોએ પર્યાવરણ સંવર્ધનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી:પર્યાવરણના જતન અને વૃક્ષોના રક્ષણ માટે સતત કાર્યરત ‘નિર્શિવ ફાઉન્ડેશન’ મોરબી દ્વારા એક પ્રશંસનીય અને પર્યાવરણ હિતલક્ષી કામગીરી કરવામાં આવી છે. મોરબી નજીક આવેલા જોધપર-રફાળેશ્વર રોડ પર વૃક્ષોના સ્વાભાવિક વિકાસને રુંધતા લોખંડના પાંજરા દૂર કરીને ૨૦ જેટલા વૃક્ષોને ગૂંગળામણમાંથી મુક્ત કરી નવજીવન બક્ષવામાં આવ્યું છે.

 

વિગતવાર માહિતી મુજબ, જોધપર-રફાળેશ્વર રોડ પર અગાઉ છોડના રક્ષણ માટે લોખંડના ટ્રી-ગાર્ડ (સેફ્ટી પાંજરા) લગાવવામાં આવ્યા હતા. સમય જતાં વૃક્ષો મોટા થવાના કારણે આ લોખંડના પાંજરા વૃક્ષના થડ સાથે સજ્જડ વીંટળાઈ ગયા હતા, જેનાથી વૃક્ષોનો વિકાસ અટકી રહ્યો હતો. આ બાબત ધ્યાને આવતાં જ નિર્શિવ ફાઉન્ડેશનની ટીમે સ્થળ પર પહોંચીને ભારે જહેમત બાદ ૨૦ જેટલા વૃક્ષો પરથી આ પાંજરા સફળતાપૂર્વક હટાવ્યા હતા. સંસ્થાના સ્થાપક રોહન રાંકજાએ નાગરિકોને અપીલ કરી છે કે વૃક્ષોના વિકાસમાં અવરોધરૂપ બાબતો સામે આવે ત્યારે પર્યાવરણના રક્ષણ અર્થે દરેક નાગરિકે જાગૃત થઈ આગળ આવવું જોઈએ.

(10:44 PM IST)